વિપક્ષને પાકિસ્તાન તરફથી મળતા સમર્થનની તપાસ થવી જોઇએ : મોદી

Updated: May 28th, 2024


Google NewsGoogle News
વિપક્ષને પાકિસ્તાન તરફથી મળતા સમર્થનની તપાસ થવી જોઇએ : મોદી 1 - image


- આપણી સાથે દુશ્મની રાખનારા જ સમર્થન કેમ આપી રહ્યા છે?

- ભ્રષ્ટાચાર ઉધઇની જેમ દેશની તમામ વ્યવસ્થાઓને ખોખલી કરી રહ્યો છે, અમે તેની સામે કડક કાર્યવાહી કરી : વડાપ્રધાન

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન તરફથી સમર્થન મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન બાકી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે મોદીએ પાકિસ્તાનનો મુદ્દો છેડયો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને કેજરીવાલને પાક. તરફથી જે સમર્થન મળી રહ્યું છે તે તપાસનો વિષય છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારતની લોકશાહી ઘણી જ મેચ્યોર છે, મતદારો પણ બહારની કોઇ પણ હરકતોથી પ્રભાવીત થઇ જાય તેવા નથી. કેટલાક લોકો છે જેમને આપણી સાથે દુશ્મની રાખનારા લોકો કેમ પસંદ કરે છે? કેટલાક લોકો જ છે કે જેમના સમર્થનમાં અવાજ કેમ ઉઠી રહ્યો છે. હવે આ બહુ જ મોટો તપાસનો વિષય છે. મને નથી લાગતુ કે જે પદ પર હું છું ત્યાંથી આ પ્રકારની ટિપ્પણી કરવી જોઇએ. પણ તમારી ચિંતાને હું સમજી શકું છું. 

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતના લોકો ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે. ઉધઇની જેમ ભ્રષ્ટાચાર દેશની તમામ વ્યવસ્થાઓને ખોખલી કરી રહ્યો છે. ભ્રષ્ટાચાર સામે અવાજ પણ બહુ ઉઠે છે. જ્યારે હું ૨૦૧૩-૧૪માં ચૂંટણી સમયે ભાષણમાં ભ્રષ્ટાચારની વાતો કરતો ત્યારે લોકો પણ તેના પ્રત્યે રોષ વ્યક્ત કરતા હતા. લોકો ઇચ્છતા હતા કે ભ્રષ્ટાચાર સામે યોગ્ય પગલા લેવામાં આવે. હવે અમે સત્તામાં આવીને તેના પર યોગ્ય રીતે કામ કરવા પર ભાર મુક્યો. વડાપ્રધાને અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ નીતિ કૌભાંડમાં થયેલી ધરપકડ અંગે ટોણો માર્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે મોટી માછલીઓ પકડમાં આવી ગઇ છે. 

અમને સવાલો પૂછવામાં આવી રહ્યા છે કે કેમ તેમની ધરપકડ થઇ રહી છે. આ કેવા પ્રકારની ખાન માર્કેટ ગેંગ છે જે લોકોની વચ્ચે આ પ્રકારનો ભ્રમ પેદા કરી રહી છે.


Google NewsGoogle News