પાક.નું વર્તન ઓરમાયું, પીઓકે ભારતમાં ભળી જાય

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
પાક.નું વર્તન ઓરમાયું, પીઓકે ભારતમાં ભળી જાય 1 - image


- જમ્મુ-કાશ્મીર ચૂંટણીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પીઓકે, કલમ ૩૭૦, હુર્રિયત અને અફઝલના મુદ્દા ઉછાળ્યા

- પાકિસ્તાનના અધિક સોલિસિટર જનરલે સંસદમાં પીઓકે વિદેશી ભૂમિ હોવાનું સોગંદનામું આપીને તેની સરકારની ખોરી દાનત દુનિયા સમક્ષ છતી કરી છે 

- પાકિસ્તાન આતંકવાદ બંધ કરે અને સંબંધો સુધારે તો ભારત વાટાઘાટો માટે તૈયાર : રાજનાથ

જમ્મુ, તા.૮: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. આવા સમયે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પીઓકેની જનતાને ભારત સાથે ભળી જવા હાકલ કરી છે. તેમણે પીઓકેના નિવાસીઓને કહ્યું કે, અમે તમને પોતાના માનીએ છીએ જ્યારે પાકિસ્તાન વિદેશી માને છે. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકોની પ્રત્યક્ષ સંડોવણી હોવાની અને આ યુદ્ધમાં મોટી સંખ્યામાં સૈનિકોના માર્યા ગયાની તેના સૈન્ય પ્રમુખ જનરલ અસીમ મુનીરે કબૂલાત કર્યાના બીજા જ દિવસે રાજનાથ સિંહે પીઓકેના મુદ્દે વાત કરી હતી. આ સાથે તેમણે કલમ ૩૭૦, હુર્રિયત અને અફઝલના મુદ્દા પણ ઉછાળ્યા હતા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના લોકોને ભારતમાં જોડાવાની ઓફર સુધી જ રોકાયા નહીં. તેમણે પાકિસ્તાનના કાળા કરતૂતોનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. આ સાથે તેમણે પીઓકે અંગે ભારતની નીતિ અને તેના ઈરાદા પર પણ પ્રકાશ પાડયો હતો અને પીઓકે ભારતનું જ અભિન્ન અંગ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમણે કહ્યું કે, પડોશી દેશમાં અધિક સોલિસિટર જનરલે તાજેતરમાં સંસદમાં એક સોગંદનામું દાખલ કરીને કહ્યું કે પીઓકે વિદેશી ભૂમિ છે. અમે જમ્મુ અને કાશ્મીર ખીણમાં એટલો વિકાસ કરીશું કે પીઓકેના લોકો જોઈને કહેશે કે અમારે પાકિસ્તાનમાં નથી રહેવું, અમે ભારતમાં જતા રહીશું. હું પીઓકેના લોકોને કહેવા માગું છું કે પાકિસ્તાન તમને વિદેશી માને છે, પરંતુ ભારતમાં લોકો તેમને પોતાના માને છે. તેથી અમારી સાથે જોડાઓ.

રાજનાથ સિંહે પીઓકેના લોકોને ભારત સાથે જોડાવાની ઓફર કરીને કાશ્મીર ખીણમાં ભાજપ માટે મતબેન્ક મજબૂત કરવાનું કામ કર્યું છે. કાશ્મીર ખીણમાં અનેક લોકો એવા છે, જે પીઓકેના લોકો સાથે સહાનુભૂતિ ધરાવે છે. તેઓ પીઓકેને કાશ્મીરનો જ ભાગ માને છે. આ સાથે રાજનાથે પાકિસ્તાનને પણ ભારત સાથે સંબંધો સુધારવાની સલાહ આપી હતી.

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ બંધ કરી દે તો ભારત તેની સાથે વાટાઘાટો માટે તૈયાર છે. કયો દેશ પડોશી સાથે સંબંધો સુધારવા નહીં માગે તેવો સવાલ કરતા તેમણે કહ્યું કે, તમે તમારા મિત્ર બદલી શકો છો પરંતુ પડોશી નહીં તે વાસ્તવિક્તા અમે જાણીએ છીએ. પાકિસ્તાને  પણ આ બાબત સમજવી જોઈએ અને ભારત સાથે સંબંધો સુધારવા માટે સૌથી પહેલા આતંકવાદ બંધ કરવો જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ઝપેટમાં આવનારા ૮૫ ટકા લોકો મુસ્લિમ હતા. કાશ્મીરમાં આતંકી હુમલા સામાન્ય બાબત હતી. આ હુમલાઓમાં હિન્દુઓ કરતા મુસ્લિમોના મોત વધુ થતા હતા. 

રાજનાથ સિંહે પાકિસ્તાન અને પીઓકેના લોકોને સલાહ આપવાની સાથે નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસની ઝાટકણી પણ કાઢી હતી. તેમણે ભાજપ-પીડીપી ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહેબૂબાના નેતૃત્વવાળી સરકાર દરમિયાન અમે સગીરો અને નિર્દોષ લોકો વિરુદ્ધના કેસ પાછા લીધા હતા, પરંતુ સમસ્યા એ હતી કે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી અલગતાવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં હતાં. જમ્મુ-કાશ્મીરના લોકો ભારતના સ્વતંત્ર નાગરિક છે અને તેમને શાંતિ તથા સમૃદ્ધિનો અધિકાર છે. પરંતુ મહેબૂબા મુફ્તી માટે અલગતાવાદીઓ વધુ મહત્વના હતા.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાની આકરી ટીકા કરતા રાજનાથે કહ્યું કે, ઓમર અબ્દુલ્લાનું કહેવું છે અફઝલ ગુરુને ફાંસી આપવી જોઈતી નહોતી. હું પૂછું છું કે શું અફઝલ ગુરુને માળા પહેરાવવામાં આવે? તેમણે કલમ ૩૭૦ અને હુર્રિયતના પણ મુદ્દા ઉઠાવ્યા હતા.



Google NewsGoogle News