પાક.ના નાપાક સૈન્યનો સરહદે સાત કલાક ગોળીબાર

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
પાક.ના નાપાક સૈન્યનો સરહદે સાત કલાક ગોળીબાર 1 - image


- બધા મોરચે નિષ્ફળ પાક. ચૂંટણી નજીક આવતા ભારત વિરોધી માહોલ બનાવવાની વેતરણમાં

- જમ્મુ-કાશ્મીરમાં ઈન્ટરનેશનલ બોર્ડરે ભારતની પાંચ ચોકીઓ પર પાકે. ગોળીઓ વરસાવી, ભારે મોર્ટારમારા વચ્ચે સરહદી ગામડાંઓમાંથી લોકોનું પલાયન

- ફાયરિંગ બાદ સરહદી ગામડાંઓમાં કેટલાંય લગ્નો છેલ્લી મિનિટે રદ્ કરવાની ફરજ પડી

- 2021 પછી ભારત-પાક. બોર્ડરે સીઝફાયરનું ઉલ્લંઘન થયું: બે જવાનો સહિત છને ઇજા

જમ્મુ : ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાનના નાપાક લશ્કરે અંધાધૂંધ ગોળીબાર અને મોર્ટાર મારો કર્યો હતો. જેમાં બીએસએફના બે જવાનોને ઈજા પહોંચી હતી. આ ફાયરિંગમાં ચાર નાગરિકો પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. સરહદી ગામડાંના લોકોને બંકરમાં સલામત સ્થળે ખસેડાયા હતા.  કેટલાક લોકો ડરના માર્યા પલાયન કરી ગયા હતા. ૨૦૨૧ પછી સરહદે સીઝફાયરની સમજૂતીનું ઉલ્લંઘન થયું હતું. બધા મોરચે નિષ્ફળ રહેલું પાક ચૂંટણી નજીક આવતા ભારત વિરોધી માહોલ બનાવવાની વેતરણમાં પડયું છે.

પાકિસ્તાનના લશ્કરે સાત-આઠ કલાક સુધી ગોળીઓ વરસાવી હતી. ભારતીય લશ્કરે પાકિસ્તાન સરહદમાંથી ભારતમાં ઘૂસતા પાંચ આતંકીઓને ઠાર કર્યા તે પછી આ ફાયરિંગ થયું હતું.

બોર્ડર સિક્યુરિટી ફોર્સના સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે પાકિસ્તાનના રેન્જર્સે મશીન ગનથી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભારતની પાંચ ચોકીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને સરહદે મોર્ટાર મારો કર્યો હતો. આ ફાયરિંગમાં બીએસએફના બે જવાનો અને ચાર નાગરિકોને ઈજા પહોંચી હતી. મોડી સાંજે શરૂ થયેલું ફાયરિંગ વહેલી સવારે અટક્યું હતું. ભારતીય લશ્કરે પણ વળતો જવાબ આપ્યો હતો. બીએસએફના પ્રવક્તાએ કહ્યું હતુંઃ બોર્ડર સિક્યુરિટી ફોર્સ પાકિસ્તાનને લગતી આખી બોર્ડર પર નજર રાખી રહી છે. સૈન્યને હાઈએલર્ટ કરાયું છે. સરહદી ગામડાઓમાં રહેતા લોકોની સલામતી માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

જમ્મુ જિલ્લાના અર્નિયા અને આરએસ પુરા સેક્ટરમાં સામ-સામું ફાયરિંગ થયું તે દરમિયાન સરહદી ગામડામાંથી લોકોને બંકરમાં આશ્રય આપવામાં આવ્યો હતો.  ઘણાં પરિવારોએ મંદિરોમાં આશરો લીધો હતો. તો કેટલાકને નજીકના સરકારી આશ્રય ગૃહોમાં મોકલાયા હતા. ઘણાં ગામડાંઓમાંથી ડરના માર્યા લોકો મધરાતે પલાયન કરી ગયા હતા, પરંતુ ફાયરિંગ બંધ થયા બાદ ફરી પાછા આવ્યા હતા. ડરી ગયેલા લોકોએ કહ્યું હતું કે બંને તરફનો આવો ગોળીબાર ઘણાં વર્ષ પછી જોવા મળ્યો એટલે યુદ્ધની ભીતિથી પલાયન કરી ગયા હતા. કેટલાકે કહ્યું: ફાયરિંગ શરૂ થયું ત્યારે અમે જમતા હતા, પરંતુ અતિશય ફાયરિંગના અવાજો આવ્યા એટલે ભોજન અધુંરું મૂકીને નાસી ગયા હતા.

ભારત-પાકિસ્તાની સરહદે ૨૦૨૧ પછી સીઝફાયરનું પાલન બંને સૈન્યએ કર્યું હતું, પરંતુ આ મહિનામાં પાકિસ્તાને બીજી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. અગાઉ ગયા સપ્તાહે ૧૯મી ઓક્ટોબરે પણ ફાયરિંગ કર્યું હતું, પરંતુ એ વખતે આટલી કલાકો સુધી અંધાધૂંધ ગોળીબાર થયો હતો. ફેબુ્રઆરી-૨૦૨૧માં બંને દેશના સૈન્ય વચ્ચે સરહદે ગોળીબાર ન કરવાનો કરાર થયો હતો. ત્યારથી સરહદે ફાયરિંગ થતું ન હતું. પાકિસ્તાન સ્થિત લોંચપેડમાંથી આતંકવાદીઓએ ભારતમાં ઘૂસવાની કોશિશ કરી તેમાંથી પાંચને ભારતીય લશ્કરે ઠાર કર્યા ત્યારથી રઘવાયા બનેલા પાક. લશ્કરે ગોળીઓ વરસાવી હતી.અંધાધૂંધ ગોળીબાર વચ્ચે સરહદી વિસ્તારના ગામડાંઓમાં કેટલાય લગ્નો રદ્ કરવાની ફરજ પડી હતી. અચાનક ફાયરિંગ થતાં ગામડાં ખાલી થવા માંડયા હતા. સલામતીના કારણોથી ઘણાં લોકોએ છેક છેલ્લી ઘડીએ લગ્ન રદ્ કર્યા હતા. કેટલાક કિસ્સામાં તો વરપક્ષ અને કન્યાપક્ષના મહેમાનો લગ્નમંડપમાં હાજર થઈ ગયા હતા છતાં લગ્ન રોકવા પડયા હતા. એક લગ્નમાં સંગીત સંધ્યા ચાલતી હતી ને અચાનક ફાયરિંગ થતાં મહેમાનો ભાગી ગયા હતા. દરમિયાન ગોળીબાર પછી સલામતીના કારણોસર વિદ્યાર્થીઓના ક્લાસ બંકરમાં લેવાયા હતા. અર્નિયા સેક્ટરમાં શાળાઓ બંધ રહી હતી. સુહરપુરાના શિક્ષકોએ બંકરમાં ક્લાસ લેવાનું નક્કી કર્યું હતું. એ ગામ ફાયરિંગના સ્થળેથી માત્ર એક-દોઢ કિલોમીટર દૂર હોવાથી શાળા બંધ રાખવાનો આદેશ કરાયો હતો.

બ્રિટનની સંસદમાં પીઓકે કાર્યકરનું  નિવેદન

પાકિસ્તાનને કાશ્મીર વિશે બોલવાનો કોઈ હક્ક નથી

- પ્રો. સજ્જાદ રાજાએ પંડિતો પરના અત્યાચાર અને 370 હટાવાયા પછી થયેલા લાભનો ચિતાર આપ્યો

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પી. ઓ. કે.) ના રાજકીય કાર્યકર્તા પ્રોફેસર સજ્જાદ રાજાએ બ્રિટિશ સંસદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન આક્રમણખોર દેશ છે અને  પી. ઓ. કે. પર ૧૯૪૭માં બળજબરીથી કબ્જો કર્યો હોવાથી તેને જમ્મુ અને કાશ્મીર બાબતે પક્ષકાર ન માની શકાય. ઉપરાંત પાકિસ્તાન પીઓકેના નાગરિકો સાથે પશુઓથી પણ બદતર વ્યવહાર કરતું હોવાનો તેમણે આરોપ મુક્યો હતો.

૨૬ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ ભારતમાં તત્કાલીન રજવાડાના જોડાણની ૭૬મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ જમ્મુ અને કાશ્મીર દિવસ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં, રાજા અને કેટલાક બ્રિટિશ સાંસદો સહિત અન્ય વક્તાઓએ કાશ્મીરી પંડિતોના સંઘર્ષો અને કલમ ૩૭૦ નાબૂદ થયા પછી જમ્મુ અને કાશ્મીરની પ્રગતિ વિશે વાત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે પાકિસ્તાનને તેમને તમામ મૂળભૂત માનવ અધિકારો આપવા માટે મજબૂર કરવું જોઈએ.

આ કાર્યક્રમનું આયોજન યુકે સ્થિત જમ્મુ અને કાશ્મીરના ડાયસ્પોરા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું સંચાલન બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેન દ્વારા કરવામાં આવ્યું હતું.

 અન્ય વક્તાઓમાં જોનાથન લોર્ડ, થેરેસા વિલિયર્સ અને ચીપિંગ બાર્નેટનો સમાવેશ થતો હતો. જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજવી પરિવારના સભ્યો અજાતશત્રુ સિંહ અને રિતુ સિંહ વિશેષ મહેમાન હતા. અન્ય વક્તા ગૌતમ સેને કાશ્મીરી પંડિતોની દુર્દશા અને કલમ ૩૭૦ નાબૂદ થયા પછી આ પ્રદેશમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડયો હતો.

સાંસદ બોબ બ્લેકમેને પાકિસ્તાનને સ્થાયી શાંતિ અને પ્રગતિ સુનિશ્ચિત કરવા માટે કાશ્મીર ક્ષેત્રમાં રાજ્ય પ્રાયોજિત આતંકવાદને રોકવા વિનંતી કરી હતી.


Google NewsGoogle News