આતંકીઓએ કરી હતી 'રેકી', વીણી વીણીને પુરુષોને માર્યા, પહલગામ હુમલા અંગે ચોંકાવનારા ખુલાસા
Pahalgam Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામના બેસરનમાં મોટો આતંકી હુમલો થયો હતો જેના બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આતંકીઓએ પર્યટકોના એક ગ્રૂપને નિશાન બનાવ્યું જેમાં 28 લોકો મૃત્યુ પામ્યા હતા. ડઝનથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એવામાં હવે જાણકારી મળી છે કે આ હુમલો પાકિસ્તાની અને સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો.
હુમલા પહેલા આતંકવાદીઓએ રેકી કરી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા પહેલા આતંકવાદીઓએ સ્થાનિક કાશ્મીરી આતંકવાદીઓ અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે મળીને આ વિસ્તારની રેકી કરી હતી. તેમજ બેસરનમાં સુરક્ષા દળોની ઉપસ્થિતિ ન હોવાથી હુમલાખોરોએ બેસરન પસંદ કર્યું. તેમજ હુમલા પછી પણ બચાવ કાર્યમાં સમય લાગે.
![]() |
શંકાસ્પદ આતંકીઓની તસવીર |
આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા
શરુઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા. હુમલાખોરોએ સમગ્ર હુમલાનો વીડિયો રૅકોર્ડિંગ કર્યો. એવું બહાર આવ્યું છે કે ત્રણેય આતંકવાદીઓએ પુરુષો અને સ્ત્રીઓને અલગ કર્યા હતા. આ પછી, લોકોને વીણી વીણીને મારવામાં આવ્યા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી હતી જ્યારે કેટલાકને નજીકથી ગોળી મારવામાં આવી હતી.
ફોલિએજ પેનિટ્રેટિંગ રડાર દ્વારા સર્ચ ઓપરેશન
પોલીસે આ વિસ્તારમાં એક્ટિવ મોબાઇલ નંબરોની સંપૂર્ણ વિગતો મેળવવા માટે ટેલિકોમ કંપનીઓનો સંપર્ક કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ પર પગલાં લેવામાં આવી રહ્યા છે. ગાઢ જંગલો અને ટેકરીઓમાં આતંકવાદીઓને શોધવા માટે ઍડ્વાન્સ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ફોલિએજ પેનિટ્રેટિંગ રડાર દ્વારા સર્ચ ઓપરેશનમાં મદદ લેવામાં આવી રહી છે. આ એક એવું રડાર છે જેના દ્વારા ગાઢ જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓની ગતિવિધિઓ સરળતાથી શોધી શકાય છે.
સાઉદીનો પ્રવાસ પડતો મૂકી પાછા આવ્યા પીએમ મોદી
આ હુમલા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે જ છોડીને આજે સવારે સ્વદેશ પરત ફર્યા. દિલ્હી ઍરપોર્ટ પર જ NSA અજિત ડોભાલ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવે પીએમ મોદીને પહલગામ હુમલા અંગે માહિતી આપી. મંગળવારે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી જ કાશ્મીરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.