પાકિસ્તાને આ ત્રણ એપથી ફસાવ્યો હતો ભારતના બ્રહ્મોસ મિસાઈલના વિજ્ઞાનીને, જાણો સમગ્ર મામલો
Malware Apps : ભારતીય સેનાના સિક્રેટ્સ પાકિસ્તાની સેનાને લીક કરવા મામલે સેશન્સ કોર્ટે બ્રહ્મોસના પૂર્વ વૈજ્ઞાનિક નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા ફટકારી છે. નિશાંત નાગપુરમાં મિસાઈલ એસેમ્બલી યુનિટમાં કામ કરતો હતો. તેમને એવોર્ડ પણ મળેલા છે. તેને ક્રિમિનલ કોડ પ્રોસિજરની કલમ 235 હેઠળ તેમજ આઈટી એક્ટની કલમ 66 (એફ) અને ઓફિશિયલ સિક્રેટ એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરાયો છે. આ કલમોમાં અન્ય દેશોને હથિયારો વિશેની મહત્વપૂર્ણ માહિતી લીક કરવાની બાબત પણ સામેલ છે.
પાકિસ્તાની યુવતીએ નિશાંતને હનીટ્રેપમાં ફસાવ્યો
મળતા અહેવાલો મુજબ પાકિસ્તાનની એક યુવતીએ નિશાંતને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. આ મામલે નિવેદન આપતાં ઉત્તર પ્રદેશ એટીએસના તપાસ અધિકારી પંકજ અવસ્થીએ જણાવ્યું કે, સેજલ નામની યુવતીએ પાકિસ્તાનથી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું. સેજલ ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરી પાકિસ્તાની ઓપરેટિવ્સ અને ભારતીય લોકોને ટાર્ગેટ કરી વાતચીત કરતી હતી. સેજય ભારતીય સંરક્ષણ કર્મચારીઓના ડેટાની ચોરી કરતી ગેંગનો ભાગ હતી.
સેજલે નિશાંતના લેપટોપમાંથી ગુપ્ત ડેટા ચોર્યો
ઉત્તર પ્રદેશ એટીએસના તપાસ અધિકારીએ કહ્યું કે, સેજલે નિશાંતને એક લિંક મોકલી, તેના પર ક્લિક કરવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં નિશાંતે પોતાના લેપટોપમાં ત્રણ એપ Qwhisper, Chat to Hire અને X-trust ઈન્સ્ટોલ કર્યા હતા. સેજલે આ એપનો ઉપયોગ કરી નિશાનના લેપટોપમાંથી તમામ ગુપ્ત ડેટાની ચોરી કરી હતી.
નિશાંતની ધરપકડ કેવી રીતે થઈ?
મિલિટ્રી ઈન્ટેલિજન્સ તેમજ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની એન્ટી-ટેરેરિજ્મ સ્કોડે ઓક્ટોબર-2018માં મિસાઈલ એન્જીનિયર નિશાંતની ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસમાં નિશાંતના લેપટોપમાંથી બ્રહ્મોસ મિસાઈલ સંબંધીત દસ્તાવેજો મળી આવ્યા હતા, જે બીએપીએલની સિક્યોરિટી મેજર્સનું ઉલ્લંઘન હતું. નિશાંતે લિંક્ડ-ઈન પર સેજન સાથે ચેટ પણ કરી હતી. આ દરમિયાન તેણે બ્રિટનની હેસ એવિએશનમાં રિક્રૂટર તરીકે કામ કરવાનો રસ દાખવ્યો હતો.
નિશાંતને આજીવન કેદની સજા
ત્રીજી જૂન-2024ના રોજ બ્રહ્મોસ એરોસ્પેસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને નાગપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેના પર પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે જાસૂસી કરવાનો આરોપ છે. નિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતો અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં પણ સામેલ હતો. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવે છે. નિશાંતે તેની વિશેષતાઓ અને ટેકનીકલ કુશળતાના કારણે બ્રહ્મોસ એરોસ્પેસમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.
કોણ છે નિશાંત અગ્રવાલ?
નિશાંત અગ્રવાલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રોપડમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેણે બ્રહ્મોસ એરોસ્પેસમાં એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જેની કુશળતાના કારણે ખૂબ જ ઓછા સમયમાં બ્રહ્મોસ એરોસ્પેસમાં મહત્વપૂર્ણ હોદ્દા પર બઢતી મળી ગઈ અને મિસાઈલ પ્રોજેક્ટ્સ પર કામ કરતી ટીમનો મહત્વનો સભ્ય બની ગયો હતો. ધરપકડ બાદ નિશાંત અગ્રવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેની સામે આઈટી એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ તેના કોમ્પ્યુટર અને અન્ય ડીજીટલ ડિવાઈસની તપાસ કરી અને સંવેદનશીલ ડેટા ટ્રાન્સફર થયો હોવાનું જાણવા મળ્યાનો દાવો કર્યો છે.