'લાગ્યું જ નહીં કે અમે હિન્દુસ્તાનમાં છીએ', ખ્વાજાના દરબાર પહોંચેલા પાકિસ્તાનીઓએ જાણો શું કહ્યું
Khwaja Moinuddin Chishti: 813માં ઉર્સના અવસરે અજમેર શરીફમાં દેશભરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પાકિસ્તાનથી પણ 89 શ્રદ્ઘાળુઓ આ ખાસ અવસર પર હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની મઝાર પર ચાદર ચઢાવવા પહોંચ્યા હતા. આ આયોજનમાં પાકિસ્તાનથી આવેલા મુલાકાતીઓએ પોતાના દેશની સમૃદ્ધિ માટે દુઆ કરી હતી.
પાકિસ્તાની ઉચ્ચ આયોગના એક અધિકારી સાથે મુલાકાતીઓનું એક પ્રતિનિધિમંડળ બુધવારે (8 જાન્યુઆરી) અજમેર શરીફ પહોંચ્યું અને તેઓએ સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની મઝાર પર પરંપરાગત ચાદર ચઢાવી. આ દરમિયાન પાકિસ્તાની ઉચ્ચ આયોગના સેકન્ડ સેક્રેટરી તારિક મસરૂફ પણ તેમની સાથે હતા. આ પ્રતિનિધિમંડળે ભારત-પાકિસ્તાનની વચ્ચે ધાર્મિક યાત્રાના પ્રોટોકોલ હેઠળ અજમેર શરીફની ઉર્ફ નિમિત્તે મુલાકાત લીધી હતી.
પાકિસ્તાની મુલાકાતીઓનું કરાયું સ્વાગત
ઉર્સના આ ધાર્મિક અવસર પર પાકિસ્તાની મુલાકાતીઓનું સ્વાગત અંજુમન મોઇનિયા ફખરિયા ચિશ્તિયા ખુદ્દામ ખ્વાજા સાહેબના સભ્યોએ કર્યું હતું. પ્રતિનિધિમંડળે ન ફક્ત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની મઝાર પર ચાદર ચઢાવી, પરંતુ પાકિસ્તાનની પ્રગતિ અને સમૃદ્ધિ માટે દુઆ પણ કરી. એક પાકિસ્તાની મુલાકાતીએ કહ્યું કે, 'હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં કોઈ ફરક નથી, બસ વચ્ચે એક વાડ છે બાકી બધું જ એક જેવું છે. અમને અહીં આવીને લાગી જ નથી રહ્યું કે, અમે હિન્દુસ્તાનમાં છીએ. મારું માનવું છે કે, બંને દેશો એકબીજા સાથે પ્રેમ-મહોબ્બત જાળવીને રાખે તો એકતા સંભવ છે.'
ભારત-પાકિસ્તાન ધાર્મિક સંબંધોનું પ્રતિક
ઉર્સના દિવસે પાકિસ્તાનથી આવેલા મુલાકાતીઓએ ભારત-પાકિસ્તાન વચ્ચે ધાર્મિક યાત્રાના પ્રોટોકોલને લઈને પણ આભાર વ્યક્ત કર્યો. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગળ પણ આ પ્રકારે વિઝા મળતા રહેવાની આશા વ્યક્ત કરી. તેમના મુજબ ધાર્મિક આસ્થા અને ભાઈચારાનો આ સફર બંને દેશોની વચ્ચે સારા સંબંધોનું પ્રતિક છે. આ આયોજન ભારતીય અને પાકિસ્તાની સમુદાયની વચ્ચે મિત્રતા અને ભાઈચારાને વધારવાનું એક મુખ્ય ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.