કેજરીવાલે પાકિસ્તાની નેતાની શાન ઠેકાણે લાવી: કહ્યું- તમારા દેશની ચિંતા કરો, અમે અમારું જોઈ લઈશું
Image Source: Twitter
Kejriwal Criticized Fawad Chaudhary: પાકિસ્તાનના નેતા ચૌધરી ફવાદ હુસૈન થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી અંગે કરેલી પોતાની પોસ્ટના કારણે ચર્ચામાં હતા. હવે તેમણે ફરી એક વખત ભારતના લોકતંત્ર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મતદાન સાથે સબંધિત તસવીર પર પ્રતિક્રિયા આપી છે. જોકે, ત્યારબાદ દિલ્હીના કેજરીવાલે ચૌધરી ફવાદ હુસૈનની X પોસ્ટ પર ઝાટકણી કાઢી છે.
આજે ભારતમાં 8 રાજ્યોની 58 લોકસભા બેઠકો પર મતદાન
આજે ભારતમાં 8 રાજ્યોની 58 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ બેઠકોમાં દેશની રાજધાની નવી દિલ્હી પણ સામેલ છે. કેજરીવાલે આજે સવારે પોતાના પરિવાર સાથે મતદાન કર્યા બાદ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી. કેજરીવાલની આ પોસ્ટ પર પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારમાં મંત્રી રહેલા ચૌધરી ફવાદ હુસૈને રિપોસ્ટ કરી છે.
અરવિંદ કેજરીવાલે આજે મતદાન કર્યા બાદ પોસ્ટ કરતા લખ્યું કે, ‘મેં આજે મારા પિતા, પત્ની અને બાળકો સાથે મતદાન કર્યું. મારી માતાજીની તબિયત ખૂબ જ ખરાબ છે તેથી તેઓ મતદાન કરવા માટે ન આવી શક્યા. મેં સરમુખત્યારશાહી, બેરોજગારી અને મોંઘવારી વિરુદ્ધ મતદાન કર્યું. તમે પણ મતદાન કરવા માટે અવશ્ય જજો.’
કેજરીવાલની પોસ્ટ બાદ ફવાદ હુસૈને તેને રિપોસ્ટ કરતા લખ્યું કે, ‘શાંતિ, સદ્ભાવ, નફરત અને ઉગ્રવાદની તાકાતને હરાવવા માટે મતદાન.’
કેજરીવાલે ફવાદ ચૌધરીની ઝાટકણી કાઢી
ફવાદ હુસૈનની પોસ્ટની અરવિંદ કેજરીવાલે ઝાટકણી કાઢતા ફરી રિપોસ્ટ કરી અને લખ્યું કે, ‘ચૌધરી સાહેબ હું અને મારા દેશના લોકો પોતાના મુદ્દાને સંભાળવા માટે સંપૂર્ણ સક્ષમ છીએ. તમારા ટ્વીટની જરૂર નથી. હાલમાં પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તમે તમારા દેશને સંભાળો.’
આ દરમિયાન કેજરીવાલે પોતાની પોસ્ટને ફરીથી રિપોસ્ટ કરતા પાકિસ્તાનને આડે હાથ લેતા પક્ષ-વિપક્ષના મુદ્દા પર કહ્યું કે, ‘ભારતમાં થઈ રહેલી ચૂંટણી અમારો આતંરિક મામલો છે. આતંકવાદના સૌથી મોટા પ્રાયોજકોનો હસ્તક્ષેપ ભારત સહન નહીં કરે.’