પાકિસ્તાન હવે નિવૃત્ત સૈનિકો આતંકી બનાવે છે, કાશ્મીરમાં ભરતી બંધ થઈ
- જમ્મુ-કાશ્મીરમાં સૈન્યના વરિષ્ઠ અધિકારીનો દાવો
- જમ્મુ-કાશ્મીરમાં વિદેશી આતંકીઓને ઘૂસાડવા પાક. સૈન્યનો પ્રયાસ : બડગામમાં તોયબાના ત્રણની ધરપકડ
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર કર્યા પછી પરિસ્થિતિમાં અનેક ઘણો સુધારો આવ્યો છે. હવે કાશ્મીર ખીણમાંથી આતંકી બનનારા યુવાનોની સંખ્યા નહિવત થઈ ગઈ હોવાથી પાકિસ્તાન તેના નિવૃત્ત સૈનિકોને આતંકી બનાવી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસાડી રહ્યું હોવાની સંભાવના છે તેમ સૈન્ય અધિકારીએ કહ્યું હતું. દરમિયાન બડગામમાં લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકીઓની ધરપકડ કરાઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં નોર્ધર્ન આર્મીના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે કેટલાક આતંકીઓની ઓળખ કરી તો ખ્યાલ આવ્યો કે કેટલાક આતંકીઓ એવા છે, જે પાકિસ્તાનના નિવૃત્ત સૈનિક હતા. પાકિસ્તાનને હવે સ્થાનિક સ્તરે આતંકીઓની ભરતી માટે યુવાનો નથી મળી રહ્યા.
સ્થાનિક યુવાનો હવે આતંકી બનવા માગતા નથી. એવામાં તે વિદેશી આતંકીઓને જમ્મુ-કાશ્મીરમાં ઘૂસાડવા પ્રયત્ન કરી રહ્યું છે. તેથી અમારી પ્રાથમિક્તા આ વિદેશી આતંકીઓને ખતમ કરવાની છે. કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૮૧ આતંકીઓ માર્યા ગયા છે.
રાજૌરીના કાલાકોટમાં આતંકીઓ સાથેની અથડામણમાં બે અધિકારીઓ સહિત પાંચ જવાન શહીદ થયા હતા. જોકે, ગુરુવારે સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કરતાં તેમને મોટી સફળતા મળી હતી, તેમાં એક આતંકી કારી ટ્રેઈન્ડ સ્નાઈપર અને તોયબાનો કમાન્ડર હતો. સુરક્ષા દળો માટે જંગલમાં આગળ વધવું પડકારરૂપ હતું, કારણ કે આતંકીઓ ક્યાં છુપાયા છે તે ખ્યાલ આવતો નહોતો. અંતે આતંકીઓ માર્યા ગયા પછી આર્મીએ આતંકીઓ છુપાયા હતા તે ગુફાની તસવીર જાહેર કરી છે. કેટલાક ફૂટની આ જગ્યાને આતંકીઓએ પોતાનું ઠેકાણુ બનાવ્યું હતું.
દરમિયાન સુરક્ષા દળોએ શુક્રવારે બડગામ જિલ્લામાં લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી.
પોલીસ, આર્મી અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે બીરવાહ વિસ્તારમાં પાટકોટમાં વાહનોના ચેકિંગ વખતે તેમને ઝડપી લીધા હતા. તેમની પાસેથી એક હેન્ડ ગ્રેનેડ, ૧૩ એકે રાઉન્ડ્સ અને તોયબાનું પોસ્ટર મળી આવ્યા હતા. પકડાયેલા આતંકીઓમાં મોહમ્મદ યુનિસ ડાર, સૈયદ જહાંગિર શાહ અને ઈરફાન અહેમદ વાગયનો સમાવેશ થાય છે.