G20 સમિટમાં ખળભળાટ મચાવવાનું પાકિસ્તાનનું કારસ્તાન ફેલ... પોતાનો જ મહત્વનો ડેટા ગુમાવ્યો
G20 સમિટમાં સાયબર એટેક કરવાનું કારસ્તાન પાકિસ્તાનને ભારે પડ્યું, ગુપ્તચર તંત્રને ગંધ આવતા જ મોટી કાર્યવાહી કરી
પાકિસ્તાનના કેટલાક કટ્ટરપંથી હૈકિંગ ગ્રુપે જુદી જુદી જગ્યાઓ પરથી ભારત પર સાયબર એટેક કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો
નવી દિલ્હી, તા.12 સપ્ટેમ્બર-2023, મંગળવાર
એકતરફ વિશ્વભરના શક્તિશાળી દેશોના નેતાઓ જી20ની સફળતા બદલ ભારતની પ્રશંસા કરી રહ્યા હતા, તો બીજીતરફ પડોશી દેશ પાકિસ્તાન G20 સમિટમાં ખળભળાટ મચાવવાના કારસ્તાનને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો હતો... હાલ પાકિસ્તાન આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે, વિશ્વ પાસે લોન માગી રહ્યું, દેશમાં રાજકીય અસ્થિરતા ચાલી રહી છે, તેના જ નાગરિકો સરકારને ધિક્કારી રહ્યા છે... તેમ છતાં પાકિસ્તાન નાપાક હરકતોને છોડવાનું નામ લેતો નથી... ત્યારે પાકિસ્તાને G20ને સહયોગ કરનારી સરકારી વેબસાઈટો પર સાયબર એટેક કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાનના કેટલાક કટ્ટરપંથી હૈકિંગ ગ્રુપે જુદી જુદી જગ્યાઓ પરથી ભારત પર સાયબર એટેક કરવાનો પ્રયાસ પણ કર્યો, જોકે તેનો જ દાવ ઉલટો પડ્યો છે અને ગુપ્તચર એજન્સીઓએ વળતો જવાબ આપ્યો છે.
પાકિસ્તાનની 50થી વધુ મહત્વની વેબસાઈટો કલાકો સુધી હેક
ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારી મુજબ પાકિસ્તાને રચેલા ષડયંત્રની જાણ થતાં થોડીક જ સેકન્ડની અંદર પાકિસ્તાનની 50થી વધુ મહત્વની વેબસાઈટો હેક કરવામાં આવી છે, એટલું જ નહીં આ વેબસાઈટોનો સંપૂર્ણ ડેટા પણ ગાયબ કરાયો છે. આ દરમિયાન પાકિસ્તાનના મહત્વપૂર્ણ વિભાગોની હેક થયેલી વેબસાઈટો કલાકો સુધી બંધ રહેતા આખો દેશ ઠપ થઈ ગયો. હેકીંગમાં પાકિસ્તાનના ન્યૂક્લિયર રેગ્યુલેટર ઓથોરિટી બલૂચિસ્તાન પોલીસની મહત્વપૂર્ણ વિબાગોની વેબસાઈટ પણ સામેલ છે.
પાકિસ્તાને પોતાના માથે જ મોટી મુસીબત લાવી
ગુપ્તચર સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાનની કારસ્તાનથી આપણી કોઈપણ વેબસાઈટને નુકસાન થયું નથી, જોકે પાકિસ્તાને પોતાના માથે જ મોટી મુસીબત લાવી દીધી છે... એજન્સી સાથે સંકળાયેલ અધિકારીઓનું કહેવું છે કે, તેમને અગાઉથી ઈનપુત મળ્યા હતા કે, આ મહત્વપૂર્ણ સમિટ દરમિયાન પાકિસ્તાન આવી હરકતો કરી શકે છે. આ જ કારણે ગુપ્તચર એજન્સીની આખી ટીમ પ્લાન એ અને પ્લાન બી સાથે વળતો જવાબ આપવા સંપૂર્ણ સજ્જ હતી, ઉપરાંત સાયબર એટેકને ન્યૂટ્રલાઈજ કરવા માટે મિશનમાં સતત ખડે પગે હતી. સૂત્રો મુજબ આ મામલે ઝડપી કાર્યવાહી કરતા પાકિસ્તાનનો જડબાતોડ જવાબ મળી ગયો છે.