UP પોલીસના ઓફિસરો પર પાકિસ્તાનની નજર, હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ

Updated: Jul 1st, 2023


Google NewsGoogle News
UP પોલીસના ઓફિસરો પર પાકિસ્તાનની નજર, હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ 1 - image

(Image Source: Freepik)

- યુપીના બરેલીમાં જૂન મહીનામાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો

- અધિકારીઓને સોશિયલ મીડિયા પર ઓળખ વગરના લોકો સાથે સંપર્ક કરવા અંગે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી

લખનૌ, તા. 01 જુલાઈ 2023, શનિવાર

પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓપરેટિવ યુપી પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર દ્વારા તમામ પોલીસ કમિશનરો, જિલ્લાઓના એસપી, આઈજી રેન્જ, એડીજી ઝોન તેમજ પોલીસ વિંગના તમામ વડાઓને આ સંદર્ભે એલર્ટ મોકલવામાં આવ્યું છે.

તેમાં જણાવવામાં આવ્યુ છે કે, ભારતીય મોબાઈલ નંબરોથી સુંદર મહિલાઓની તસવીરો પર સોશિયલ મીડિયા દ્વારા ઓફિસર અને તેમના પરિવારને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ દેશની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત માહિતી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ અધિકારીઓને તેમના યુનિટના કર્મચારીઓને હનીટ્રેપ અંગે એલર્ટ કરવા જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે Spyware લિંક દ્વારા ઈન્ફેક્ટેડ ફાઈલો મોકલીને ડેટા હેકિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓને સોશિયલ મીડિયા પર ઓળખ વગરના લોકો સાથે સંપર્ક કરવા અંગે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે PIOએ પોલીસ કર્મચારીઓને ફસાવવા માટે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને લિંક્ડઈન પર ઘણી નકલી પ્રોફાઇલ બનાવી છે.

PIOએ 14 સુંદર યુવતીઓની તસવીરો સાથે ભારતીયોને ફસાવવાની તૈયારી કરી લીધી છે. ઈન્ટેલિજન્સે આવી પ્રોફાઈલના યુઆરએલ અને મોબાઈલ નંબરની યાદી દરેકને મોકલી છે જેથી તેનાથી બચી શકાય. આ ઉપરાંત ભારતીય સેના, અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અધિકારીઓ અને વૈજ્ઞાનિકો આ ગેંગના નિશાના પર છે.

દેશની ગુપ્તચર એજન્સીઓએ ગત મહિને ખુલાસો કર્યો હતો કે, પાકિસ્તાન કરાચીના કોલ સેન્ટરમાંથી નકલી કોલ કરીને ભારતીય સુરક્ષા દળોને હનીટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI એ ભારતીય સંરક્ષણ સંગઠનો સાથે સંકળાયેલા અધિકારીઓ અને જવાનોને હનીટ્રેપમાં ફસાવવા માટે તેની કામગીરી વધારી દીધી છે. હાલમાં જ હનીટ્રેપના આરોપમાં DRDOના વૈજ્ઞાનિકની ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓએ આ મોટો ખુલાસો કર્યો હતો.

બરેલીમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો

યુપીના બરેલીમાં જૂન મહીનામાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. આ મામલે આરોપી મહિલા અશ્લીલ વીડિયો કોલિંગ કરીને અનેક નેતાઓ અને પોલીસકર્મીઓને બ્લેકમેઈલ કરતી હતી.


Google NewsGoogle News