મોદી-ટ્રમ્પની ડીલથી ગભરાયું પાકિસ્તાન! કહ્યું- ‘તેઓ સ્થાયી શાંતિ સ્થાપવા માંગતા નથી’
Pakistan Reacts to US President Donald Trump and Indian PM Modi's Meeting : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત અને બંને નેતાઓ વચ્ચે થયેલી ડિલના કારણે પાકિસ્તાન ટેન્શનમાં આવી ગયું છે. વાસ્તવમાં અમેરિકાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ F-35 (Fighter Jet F-35) વેચવાની ઓફર કરી છે, જેના કારણે બંને દેશોના સંબંધો જોઈ પાકિસ્તાનને મરચું લાગ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેઓ પ્રદેશમાં સ્થાયી શાંતિ સ્થાપવા માંગતા નથી.
ટ્રમ્પ-મોદીની મિત્રતા પર પાકિસ્તાને શું કહ્યું ?
ભારતના કટ્ટર સ્પર્ધક અને પડોશી પાકિસ્તાને કહ્યું કે, અમે આ ડિલના કારણે ખૂબ જ ચિંતિત છીએ. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે, ‘આવા પગલાં પ્રદેશમાં લશ્કરી અસંતુલનને વધારે છે અને વ્યૂહાત્મક સ્થિરતાને નબળી પાડે છે. તેઓ પ્રદેશમાં સ્થાયી શાંતિના ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં મદદરૂપ નથી.’
આ પણ વાંચો : ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઇલ ઇમ્પોર્ટ પર નજર, રશિયાને ઝટકો આપવાની તૈયારી
ટ્રમ્પે ભારતને એફ-35 ખરીદવાની ઓફર કરી
ટ્રમ્પે ભારતને ફાઇટર જેટ એફ-35 ખરીદવાની ઓફર કરી છે. ટ્રમ્પે પીએમ મોદી સાથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘અમે ભારતને આ વર્ષથી અબજો ડૉલરનું લશ્કરી વેચાણ પૂરું પાડીશું. અમે ભારતને F-35 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની ઓફર કરી રહ્યા છીએ.’ અમેરિકાએ નાટોના સભ્ય દેશો ઈઝરાયેલ અને જાપાનને F-35 ખરીદવાની મંજૂરી આપી છે, ત્યારે હવે ભારત પણ આ ક્લબમાં સામેલ થઈ જશે. આ એરક્રાફ્ટ કોઈપણ સુપરસોનિક ગતિથી ઉડી શકે છે. હાલ ભારત રશિયન ફાઇટર જેટ અને ફ્રાન્સ દ્વારા બનાવાયેલા રાફેલ વિમાનો પર નિર્ભર છે.