પાકિસ્તાને ઘૂસણખોરી માટે 2020માં ગુજરાત-રાજસ્થાન સરહદે પ્રયાસો વધાર્યાં
બોર્ડર સિક્યુરિટી ફોર્સનો અહેવાલ
ગુજરાત-રાજસ્થાનના રસ્તે આતંકવાદીઓને ઘૂસાડવાના 12-13 પ્રયાસો થયા હતા, કાશ્મીર-પંજાબમાં ચાર-ચાર ઘટના બની હતી
નવી દિલ્હી, તા. ૨૬
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને પંજાબ ઉપરાંત રાજસ્થાન અને ગુજરાત કચ્છના રસ્તે પણ ઘૂસણખોરીના પ્રયાસો કર્યા હતા. બીએસએફના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં પાકિસ્તાને રાજસ્થાન અને ગુજરાતની સરહદે નોંધપાત્ર ઘૂસણખોરીના પ્રયાસો કર્યા હોવાનું જણાયું હતું. ગત જુલાઈમાં જ ગુજરાત-રાજસ્થાનની સરહદેથી ઘૂસણખોરીના ૧૨-૧૩ પ્રયાસો થયા હતા.
બોર્ડર સિક્યુરિટી ફોર્સના વાર્ષિક અહેવાલમાં દાવો થયો હતો કે પાકિસ્તાને હવે ઘૂસણખોરી માટેના નવા રસ્તાઓ પણ અજમાવવાનું શરૃ કર્યું છે. એના ભાગરૃપે રાજસ્થાન અને ગુજરાતની સરહદે પણ ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા. બીએસએફના અહેવાલો પ્રમાણે જાન્યુઆરી-૨૦૨૦થી નવેમ્બર સુધીમાં કુલ ૧૧ પ્રયાસો નિષ્ફળ બનાવાયા હતા.
જમ્મુ-કાશ્મીર અને પંજાબની સરહદે ગત વર્ષે ચાર-ચાર ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા. તે સામે ચાલુ વર્ષે કાશ્મીરની સરહદે તો માત્ર એક જ પ્રયાસ થયો હતો, જે આશ્વર્યજનક છે. એટલે કે કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીના પ્રયાસો ઘટાડીને પાકિસ્તાને અન્ય રાજ્યોમાંથી પ્રયાસો આદર્યા હતા.
ગુજરાત ના કચ્છના રણ અને રાજસ્થાનની સરહદે ૧૨-૧૩ પ્રયાસો નોંધાયા હતા. ગયા વર્ષે ગુજરાત-રાજસ્થાનની સરહદે એક પણ ઘૂસણખોરીનો પ્રયાસ થયો ન હતો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને પંજાબ સરહદે ઘૂસણખોરીના પ્રયાસો શરૃ રાખીને ગુજરાત-રાજસ્થાનની સરહદે પણ નવા રસ્તાઓએ ઘૂસણખોરીના પ્રયાસો કર્યા હતા.
નવેમ્બર માસમાં જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આતંકવાદીઓએ ઘૂસણખોરી માટે ૧૫૦ મીટર લાંબી સુરંગ બનાવી હતી, ભારતીય સૈન્યએ એ ટનલનો પર્દાફાશ કર્યો હતો.
બાંગ્લાદેશની સરહદે તો બેફામ ઘૂસણખોરીના પ્રયાસો થયા હતા. બીએસએફના વાર્ષિક અહેવાલોમાં દાવો થયો હતો એ પ્રમાણે ૨૦૨૦માં ૩૨૦૪ બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. એમાં મોટા ગુનેગારોનો પણ સમાવેશ થતો હતો. બીએસએફના અહેવાલ પ્રમાણે આ તમામ ઘૂસણખોરોને પકડીને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને સોંપવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશના ૨૫ માછીમારો ભારતની જળસીમામાં ઘૂસી આવ્યા હતા. ભારતે એ માછીમારોને પણ બાંગ્લાદેશને સોંપી દીધા હતા. સરહદેથી ઘૂસણખોરો તેની સાથે ડ્રગ્સ સહિતનો જથ્થો લાવતા હોવાનું ઝડપાયું હતું. બીએસએફના કહેવા પ્રમાણે બાંગ્લાદેશની સરહદે બંને દેશોના સૈન્યએ મળીને આ પ્રકારના ઘૂસણખોરો સામે આકરા પગલાં ભરવા જોઈએ.