પાકિસ્તાન ચૂંટણીમાં ગેરરીતિ મુદ્દે ઈમરાનના સમર્થકોનું પ્રદર્શન, પોલીસનો લાઠીચાર્જ, ફાયરિંગ

પ્રદર્શન કરી રહેલા સમર્થકો પર પોલીસનો લાઠીચાર્જ

પૂર્વ ધારાસભ્ય અને પીટીઆઈના નેતા ઈજાગ્રસ્ત

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન ચૂંટણીમાં ગેરરીતિ મુદ્દે ઈમરાનના સમર્થકોનું પ્રદર્શન, પોલીસનો લાઠીચાર્જ, ફાયરિંગ 1 - image


Pakistan Election : પાકિસ્તાનની ચૂંટણીમાં કથિત ગેરરીતિ મામલે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી રહેલા સમર્થકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય અને PTIના નેતા ઈજાગ્રસ્ત થયા છે. મામલો વધુ બિચકતા પોલીસે ફાયરિંગ (Police Firing) અને અશ્રુગેસ છોડવો પડ્યો છે.

પોલીસનું પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ

મળતા અહેવાલો મુજબ નેશનલ એસેમ્બલીના પૂર્વ સભ્ય અને નેશનલ ડેમોક્રેટિક મૂવમેન્ટના અધ્યક્ષ મોહસિન દાવર અને તેમના અન્ય સમર્થકો શનિવારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. તેઓ ચૂંટણી પરિણામની જાહેરાતમાં વિલંબ થવા મામલે ઉત્તર વજીરિસ્તાન જિલ્લામાં વિરોધ કરી રહ્યા હતા. રેલીમાં ભાગ લેનાર એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે. પ્રદર્શનકારીઓના જણાવ્યા મુજબ પોલીસે પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કર્યું અને અશ્રુગેસનો ઉપયોગ કર્યો. 

પંજાબ પ્રાંતની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ

સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ પાકિસ્તાનના પંજાબ પ્રાતમાં શુક્રવારે સાંજે ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી, જેના વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા દળોએ ગોળીબાર કરતા પીટીઆઈ કાર્યકર્તા ગંભીર ઈજાગ્રસ્ત થયો હોવાની પાકિસ્તાન મુસ્લિમ લીગ (કાયદા-એ-આઝમ સમૂહ)ને માહિતી અપાઈ હતી. પીટીઆઈ કાર્યકર્તાએ 8 ફેબ્રુઆરીએ ચૂંટણીમાં થયેલ કથિત ગેરરીતિના વિરોધમાં રેલી કાઢી હતી અને જિલ્લા રિટર્નિંગ અધિકારીના કાર્યાલય સુધી માર્ચ યોજી હતી.

પાકિસ્તાન ચૂંટણીમાં બેઠકોની સ્થિતિ

પાકિસ્તાન ચૂંટણીના પરિણામ (Pakistan Election Result)ની વાત કરીએ તો 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાયા બાદ મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતાઓએ પાર્ટીના સમર્થન પર અપક્ષની ચૂંટણી લડી હતી. પીટીઆઈના નેતાઓ ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો સતત આક્ષેપ કરી રહ્યા છે. ઘણા નેતાઓએ કહ્યું કે, તેમની જીત હોવા છતાં હારી ગયા. પરિણામમાં પીટીઆઈ સમર્થિત ઉમેદારોએ 100 બેઠકો પર જીત નોંધાવી છે, જ્યારે નવાઝ શરીફ (Nawaz Sharif)ની પાર્ટીને 73 બેઠકો અને બિલાવલ ભુટ્ટો (Bilawal Bhutto) જરદારીની પાર્ટીને 55 બેઠકો મળી છે. આ ઉપરાંત નાના પક્ષોને પણ એકથી ત્રણ બેઠકો મળી છે.


Google NewsGoogle News