પાકિસ્તાનની ચૂંટણી : પૂર્વ હાઈ કમિશનર કહે છે : પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જ વિજયી બનાવાશે
- આ ચૂંટણી પ્રીડીકટેબલ એટલે છે કે તે મોસ્ટરીગ્ડ બની રહેશે
- પાકિસ્તાનમાં લશ્કર ઈચ્છે તે જ વડાપ્રધાન થઈ શકે ઈમરાન ખાને લશ્કરની ટીકા કરી તો 34 વર્ષની જેલની સજા થઈ
નવી દિલ્હી : પાકિસ્તાનમાં આવતીકાલે ૮મી ફેબ્રુઆરીએ સમવાયતંત્ર સંસદની ચૂંટણી યોજાવાની છે તે અંગે અજય બીસારીઆએ ધડાકો કર્યો છે કે એ ચૂંટણીઓ માત્ર પૂર્વાનુમાનિત (પ્રીડીકટેબલ) જ નથી પરંતુ મોસ્ટ રીગ્ડ (ગજબની ગોલમાલભરી) થવાની છે.
અજય બીસારીયા પાકિસ્તાન સ્થિત ભારતના ઉચ્ચાયુક્ત (હાઈ કમિશ્નર) પદે હતા. તેઓએ આજે બુધવારે પાકિસ્તાનની રાજકીય ગતિવિધિ ઉપર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આ ઈલેકશન 'ઈલેકશન'ને બદલે લશ્કર દ્વારા કરાતું 'સિલેકશન' વધુ બની રહેશે.
અજય બીસારીઆએ હાસ્ય સાથે પત્રકારોને કહ્યું કે છેલ્લાં કેટલાયે દાયકાઓથી પાકિસ્તાન આર્મીની આ પરંપરા રહેલી છે. તેમાં આ વખતની ચૂંટણી પહેલાના કેટલાક દિવસોથી તો ત્યાં ભારે 'હલચલ' ચાલી રહી છે માટે આ ચૂંટણીઓ 'ઈલેકશન'ને બદલે લશ્કર દ્વારા કરાતાં સિલેકશન સમાન જ બની રહેશે. ચૂંટણી પ્રીડીકટેબલને બદલે રિગ્ડ બની રહેશે તે નિશ્ચિત છે, અને પૂર્વે ૩ વખત પાકિસ્તાનના વડાપ્રધાન પદે આવેલા નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લીમ લીગ (એમ) વિજેતા બનશે. નવાઝ શરીફ વડાપ્રધાન બનશે.
વાસ્તવમાં પાકિસ્તાનની પ્રજા પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનને જ વડાપ્રધાન પદે જોવા માંગે છે પરંતુ આ પૂર્વ ક્રિકેટર ઉપર અનેકવિધ આરોપો મુકી તેમને જેલમાં પૂરી તેઓની 'બેલ્સ' ઉડાડી દીધી છે, તેનું કારણ તે છે કે ઈમરાનખાને લશ્કરની ઉગ્ર ટીકા કરી હતી. તે દિવસથી જ લશ્કર તેમની ઉપર ખારે બળી રહ્યું છે. તેમને વિવિધ કેસોમાં ફસાવી ૩૪ વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવી છે, સાથે ચૂંટણીપંચે તેમને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવી દીધા છે. જેથી જેલમાં રહીને પણ તેઓ ઉમેદવારી જ ન નોંધાવી શકે તેટલું જ નહીં પરંતુ તેઓની પાર્ટી પાકિસ્તાન તહેરિકે ઈન્સાફ (પીટીઆઈ)ના અનેક નેતાઓને પણ જેલ ભેગા કર્યા છે. આ સામે જનતામાં પ્રચંડ રોષ છે. તેઓની જેલ યાત્રા સામે માત્ર પક્ષના કાર્યકરો કે સમર્થકો જ નહીં પરંતુ જનસામાન્ય પણ રણે ચઢ્યા છે. બલુચીસ્તાન અને સિંધમાં વર્તમાન શાસન જે પંજાબના પઠાણોના હાથમાં છે. તેમની સામે ભારે અસંતોષ છે.
નિરીક્ષકોને તો ભીતી છે કે ચૂંટણી દરમિયાન અને પરિણામો પછી કદાચ વ્યાપક રમખાણો ફાટી નીકળશે.