Get The App

વડાપ્રધાન મોદી અંગે અભદ્ર ટિપ્પણી કરી પાકિસ્તાને હલકાઈની હદ વટાવી

Updated: Dec 17th, 2022


Google NewsGoogle News
વડાપ્રધાન મોદી અંગે અભદ્ર ટિપ્પણી કરી પાકિસ્તાને હલકાઈની હદ વટાવી 1 - image


- દુનિયા 1971માં પાકે. બાંગ્લાદેશમાં કરેલો નરસંહાર ભૂલી નથી : ભારત

- બિલાવલે માનસિક દેવાળુ ફૂંક્યું, તે નિષ્ફળ દેશના નિષ્ફળ નેતા, તેમના નિવેદનથી મોદીની છબી નહીં ખરડાય : મિનાક્ષી લેખી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અભદ્ર ટીપ્પણીનો વિવાદ વકર્યો છે. બિલાવલ ભુટ્ટોની ટીપ્પણી સામે ભારતે આકરો વાંધો નોંધાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની ઝાટકણીથી હચમચી ગયેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ભારત સરકારે બિલાવલની ટીપ્પણી સામે વાંધો ઉઠાવતા પડોશી દેશને આકરો જવાબ આપ્યો હતો અને કહ્યું કે આ ટીપ્પણીઓ પાકિસ્તાનનું સ્તર બતાવે છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન અને ચીનની ઝાટકણી કાઢીને તેમના પર આતંકવાદને પોષવાનો આરોપ મૂક્યો હતો. જયશંકરના આક્ષેપોથી હચમચી ગયેલા પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પીએમ નરેન્દ્ર મોદી અંગે અભદ્ર શબ્દો વાપરી હલકાઈની હદ વટાવી હતી.

બિલાવલના આ નિવેદનના વિરોધમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, આ નિવેદનો પાકિસ્તાનનું સ્તર દર્શાવે છે કે તે ભારત વિરુદ્ધ ઝેર ઓકવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. એટલું જ નહીં આ પ્રકારનું નિવેદન પાકિસ્તાન માટે પણ નીચલા સ્તરનું નિવેદન છે. સ્વાભાવિક જ પાકિસ્તાનના વિદેશ મંત્રી ૧૯૭૧ ભૂલી ગયા છે, જ્યારે પાકિસ્તાની સરકારે બંગાળીઓ અને હિન્દુઓનો નરસંહાર કર્યો હતો. જોકે, દુનિયા આ નરસંહાર હજુ ભૂલી નથી.  દુર્ભાગ્યથી આજ સુધી તેના લઘુમતીઓ પ્રત્યે પાકિસ્તાની  સરકારનું વલણ બદલાયું નથી અને તે ભારત પર આક્ષેપ કરી રહ્યું છે.

અરિંદમ બાગચીએ ઉમેર્યું કે, પાકિસ્તાન એક એવો દેશ છે, જે ઓસામા બિન લાદેનને શહીદ તરીકે રજૂ કરે છે અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર, સાજિદ મીર તથા દાઉદ ઈબ્રાહિમ જેવા આતંકવાદીઓને આશરો આપે છે. પાકિસ્તાન સિવાય કોઈ અન્ય દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર ૧૨૬ આતંકીઓ તથા ૨૭ આતંકી સંસ્થાઓને આશરો આપવાની શેખી મારી શકે તેમ નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગઈકાલે મુંબઈ ૨૬/૧૧ હુમલાની શિકાર નર્સ અંજલી વિજય કુલઠેને ધ્યાનથી સાંભળવાની જરૃર હતી. તેમણે પાકિસ્તાની આતંકી કસાબની ગોળીઓથી ૨૦ ગર્ભવતી મહિલાઓના જીવન બચાવ્યા હતા.

બીજીબાજુ ભાજપ નેતાઓએ પણ બિલાવલ ભુટ્ટો ઝરદારીની આકરી ઝાટકણી કાઢી હતી. ભાજપ નેતા મિનાક્ષી લેખીએ કહ્યું કે, આવું નિવેદન કરીને બિલાવલ ભુટ્ટોએ માનસીક દેવાળુ ફુંક્યું છે. બિલાવલની આ ટીપ્પણીથી પીએમ મોદીની છબી પર કોઈ અસર નહીં પડે, પરંતુ તેની છબી ખરડાઈ જશે. તેમણે ઉમેર્યું કે, કોઈ પદ પર હોવાથી જ માણસ જવાબદાર નથી બની જતો, પરંતુ જવાબદારી વ્યક્તિત્વનો ભાગ હોય છે. તેઓ એક નિષ્ફળ દેશના પ્રતિનિધિ છે અને પોતે પણ નિષ્ફળ નેતા છે. અમેરિકાએ પાકિસ્તાનમાં જઈ લાદેનને માર્યો હતો અને ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.


Google NewsGoogle News