પાકિસ્તાનમાં પણ છે રોહિત-કોહલીના ચાહકો: ભારત સામે મુકાબલા પહેલા આફ્રિદીએ કેમ કહ્યું આવું?

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં પણ છે રોહિત-કોહલીના ચાહકો: ભારત સામે મુકાબલા પહેલા આફ્રિદીએ કેમ કહ્યું આવું? 1 - image


USA vs Pak : USA vs Pak વચ્ચેની મેચમાં પાકિસ્તાનને નાલેશીભરી હાર બાદ હવે ભારત સામે રવિવારે મહત્વપૂર્ણ મેચ રમવાની છે. તમામ ક્રિકેટ ચાહકો ICC T20 વર્લ્ડ કપ 2024માં 9 જૂનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે આ દિવસે ન્યૂયોર્કના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ Aની રોમાંચક જંગ ખેલાશે. આ મેચને લઈને ક્રિકેટરસિકો સહિત ક્રિકેટ એક્સપર્ટ અને પૂર્વ ખેલાડીઓમાં પણ ભારે રોમાંચ છે. ખેલાડીઓ એકબીજાની ટીમ વિશે અનેક નિવેદનબાજીઓ કરી રહ્યાં છે.

ભારત સામેની મેચને લઈને ટી-20 વર્લ્ડ કપ માટેના પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે શાહીન આફ્રિદી અને મોહમ્મદ રિઝવાન સાથે મળીને આ મેચ અંગેનું મહત્વ વ્યક્ત કર્યું છે અને ખેલાડીઓ પર કેટલું દબાણ છે તેના વિશે ખુલાસો કર્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી પાકિસ્તાન માત્ર એક જ વખત ભારતીય ટીમને હરાવવામાં સફળ રહ્યું છે, જ્યારે બાકીની તમામ મેચોમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લે વર્ષ 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચનો અંત ખૂબ જ રોમાંચક રહ્યો હતો, જેમાં ભારતીય ટીમે મેચના છેલ્લા બોલ પર જીત મેળવી હતી.

આ તો ફાઈનલ મેચ સમાન :

સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો સાથે ભારત સામેની મેચને લઈને પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમ સહિત કેટલાક મહત્વના ખેલાડીઓના નિવેદન સામે આવ્યા છે. પાકિસ્તાની કેપ્ટન બાબરે ભારત સામેની મેચ અંગે કહ્યું કે આ મેચમાં હંમેશા એક અલગ જ અહેસાસ હોય છે, જેમાં માત્ર ખેલાડીઓ જ નહીં પરંતુ સ્ટેડિયમમાં બેઠેલા પ્રશંસકો પણ આ મેચની રાહ જોઈ રહ્યાં હોય છે. અમારું ધ્યાન માત્ર આ મેચનો સંપૂર્ણ આનંદ લેવાનું છે કારણકે તમને આવી તકો વધુ વાર આપણને મળતી નથી અને અમારે આ તકનો સંપૂર્ણ લાભ ઉઠાવવો પડશે.

આ દરમિયાન પાકિસ્તાની ટીમના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ પણ આ મેચ વિશે કહ્યું કે પાકિસ્તાનમાં પણ રોહિત અને વિરાટના ઘણા ફેન્સ છે. દબાણ ફક્ત આપણા પર જ નહીં, ભારત પર પણ રહેશે. આ સિવાય 2021ની T20 વર્લ્ડ કપની ભારત સામેની મેચમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને ભારત સામેની મેચ પૂર્વે કહ્યું કે કોઈપણ ઈવેન્ટની આ Ind vs Pak મેચ ફાઈનલ મેચ સમાન જ હોય છે. આ બહુ મોટી મેચ છે અને દુનિયાના દરેક ક્રિકેટ ચાહકો તેની રાહ જોઈ રહ્યાં છે.

ભારતની વિજયી શરૂઆત :

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપ 2024માં તેની પ્રથમ મેચ 5 જૂને આઇરિશ ટીમ સામે રમી હતી, જેમાં 8 વિકેટથી ભારતે એકતરફી જીત મેળવી હતી અને ગ્રુપ Aના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી હતી. પાકિસ્તાની ટીમને તેની પ્રથમ મેચમાં અમેરિકન ક્રિકેટ ટીમ સામે ટાઈ બાદ સુપર ઓવર બાદ નાલેશીભરી હારનો સામનો કરવો પડ્યો છે.


Google NewsGoogle News