સરહદે પાક.ની બેટ ટીમનો હુમલો જવાન શહીદ, કેપ્ટન સહિત 4 ઘાયલ
- ડોડાના હુમલાખોર આતંકીઓ પર 15 લાખનું ઇનામ જાહેર
- આતંકીઓએ જમ્મુને બાનમાં લીધુ,નક્સલગ્રસ્ત વિસ્તારોમાંથી બીએસએફના બે હજારથી વધુ જવાનોને જમ્મુની પાક. સરહદે તૈનાત કરાયા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં ગયા મહિનાથી આતંકી હુમલા વધી રહ્યા છે, સાથે જ પાકિસ્તાન સરહદે પણ આતંકીઓ ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. શનિવારે કુપવાડા જિલ્લાના કામાકારી સેક્ટરમાં સરહદે પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ (બેટ) દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન ભારતીય સૈન્યએ આક્રામક જવાબ આપ્યો હતો અને સામસામે ભારે ગોળીબાર થયો હતો. જોકે ગોળીબારને પગલે એક ભારતીય જવાન શહીદ થયો હતો અને કેપ્ટન સહિત ચાર જવાનો ઘવાયા હતા.
ભારતીય સૈન્યના સુત્રોએ જણાવ્યું હતું કે કાર્યવાહી દરમિયાન એક પાકિસ્તાની ઘૂસણખોર ઠાર મરાયો હતો જ્યારે બે ઘૂસણખોરો પીઓકેમાં પાછા જતા રહ્યા હતા. આશરે ચારથી પાંચ કલાક સુધી સામસામે ભારે ગોળીબાર થયો હતો. પાકિસ્તાનની બેટ ટીમમાં સૈનિકો અને આતંકવાદીઓ એમ બન્ને ભળીને હુમલો કરતા હોય છે. વર્ષો સુધી શાંત રહેલા જમ્મુ પ્રાંતમાં આ વર્ષે આતંકી ઘટનાઓ વધી ગઇ છે. અહીંના રાજૌરી, પૂંચ, રીયાસી, ઉધમપુર, કઠુઆ અને ડોડા જિલ્લાઓમાં આ વર્ષે થયેલા આતંકી હુમલાઓમાં ૨૨ લોકો માર્યા ગયા છે જેમાં ૧૧ જવાનોનો સમાવેશ થાય છે. આ દરમિયાન અનેક લોકો ઘવાયા હતા.
જમ્મુમાં વધી રહેલા આતંકી હુમલા વચ્ચે સુરક્ષા વધારવા માટે ઓડિશાથી બીએસએફની બે બટેલિયન તૈનાત કરાઇ રહી છે, જેની સંખ્યા આશરે બે હજારથી પણ વધુ છે. આ જવાનો નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત હતા જેને હવે જમ્મુમાં તૈનાત કરાઇ રહ્યા છે. વધી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જવાનો જમ્મુ પ્રાંતમાં આવેલી પાકિસ્તાન સરહદે તૈનાત કરાશે. આ વિસ્તારમાંથી જ આશરે ૬૦ જેટલા આતંકીઓ જમ્મુમાં ઘૂશ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, આ આતંકીઓ જ હાલ મોટા હુમલા કરી રહ્યા છે.
જમ્મુના ડોડામાં તાજેતરના આતંકી હુમલામાં એક કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થયા હતા, આ હુમલા બાદ આતંકીઓ નાસી છૂટયા હતા, જોકે પોલીસે આ આતંકીઓની બાતમી આપનારાઓ માટે ઇનામની જાહેરાત કરી છે. પોલીસે ત્રણ હુમલાખોર આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે. પ્રત્યેક આતંકી પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ૧૬ જુલાઇના રોજ આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં ચાર જવાન શહીદ થયા હતા, હાલ આ આતંકીઓ દેસ્સા વિસ્તારમાં આવેલા જંગલોમાં હોવાની માહિતી મળી છે.
ડ્રેગન યુદ્ધની તૈયારી કરતું હોવાની દુનિયાને આશંકા
ચીને અચાનક જ ક્રૂડ, અનાજ, ધાતુનો સંગ્રહ શરૂ કરી દીધો
આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધનો ભય ભડકાવનારા ચીનને આર્થિક મંદીનો ડર હોવાનો પણ નિષ્ણાતોનો મત
વોશિંગ્ટન : દુનિયામાં હાલ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ગાઝામાં યુદ્ધ ચાલી રહ્યા છે. આ યુદ્ધો હજુ શાંત નથી થયા ત્યાં હવે ડ્રેગન પણ યુદ્ધના મોરચા ખોલવાની તૈયારી કરી રહ્યું હોવાની વિશ્વને આશંકા છે. ચીને હાલમાં તાઈવાન, ભારત અને ફિલિપાઈન્સની સરહદો પર સતત ઘર્ષણ વધાર્યું છે. આવા સમયે ક્રૂડ ઓઈલ, અનાજ અને ધાતુનો સંગ્રહ વધારવાની ચીનની પ્રવૃત્તિએ દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે.
મીડિયા અહેવાલો મુજબ ચીન તીવ્ર ગતિએ ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ સહિત ઈંધણના ભંડાર, ઉત્પાદન માટે મૂલ્યવાન તાંબુ, લોખંડ અને કોબાલ્ટ જેવી ધાતુ તેમજ સોના જેવી કિંમતી ધાતુ અને અનાજનો સંગ્રહ વધારી રહ્યું છે. વૈશ્વિક સ્તરે હાલ આ વસ્તુઓની કિંમત ઊંચી છે અને ચીન પણ અત્યારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ચીનમાં હાલ આ વસ્તુઓનો વપરાશ પણ વધ્યો નથી. પરિણામે ચીને તીવ્ર ગતિએ આ વસ્તુઓનો સંગ્રહ શરૂ કરી દેતાં નિષ્ણાતો મુંઝવણમાં મુકાઈ ગયા છે. નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે કે કોઈ દેશ જરૂરી સામગ્રીઓનો સંગ્રહ કરવા લાગે ત્યારે તેનું સૌથી ખતરનાક કારણ યુદ્ધની સંભાવના હોય છે. યુદ્ધના સમયમાં આ વસ્તુઓની આયાત અને તેના સુધીની પહોંચ પર પ્રતિબંધ મુકાઈ જાય છે.
કેટલાક વિશ્લેષકો મુજબ ચીન વર્ષ ૨૦૨૭ સુધીમાં તાઈવાન પર હુમલાની તૈયારી કરી રહ્યું છે. બીજીબાજુ ડ્રેગને ભારત સરહદે પૂર્વીય લદ્દાખમાં તેમજ દક્ષિણ સમુદ્રમાં ફિલિપાઈન્સ સાથે ઘર્ષણ વધાર્યું છે. કેટલાક નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે ડ્રેગન આ રીતે પ્રોપેગેન્ડા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધનો ભય ભડકાવી રહ્યું છે. અન્ય એક થીયરી એવી પણ છે કે નજીકના સમયમાં દુનિયામાં આર્થિક મંદીની આશંકાઓને જોતા ચીન પશ્ચિમી પુરવઠાથી અંતર જાળવવા અત્યારથી સંગ્રહ કરી રહ્યું છે. આ સિવાય અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી પ્રમુખ બને તો ચીને આકરા નિકાસ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે તેવી આશંકાથી પણ ચીન તિવ્ર ગતિએ સંગ્રહ વધારી રહ્યું છે.
પાકિસ્તાને સરહદે વધુ જવાનો તૈનાત કરતાં નવાજૂનીના એંધાણ
- પાકિસ્તાને LAC ઉપર 3 POK બ્રિગેડ અને નં. 2 POK બ્રિગેડને X કોપર્સ કહેવાતા 23 ઇન્ફ્રન્ટ્રી ડિવિઝન મોકલી આપ્યા
નવી દિલ્હી, ઇસ્લામાબાદ, તા. ૨૭
પાકિસ્તાને નં.૩ પીઓકે બ્રિગેડ તથા નં. ૭ પીઓકે બ્રિગેડ અત્યારે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે) સ્થિત તેનાં લશ્કરને સહાય કરવા માટે મોકલી આપી છે. આ બ્રિગેડ અત્યારે ત્યાં રહેલ 'X કોર્પ્સ' તરીકે ઓળખાતા ૨૩ ઇન્ફ્રન્ટ્રી ડીવીઝનની સહાય મોકલી આપી છે.
આ રીતે પાકિસ્તાન એલ.એ.સી. તથા આંતરરાષ્ટ્રીય સરહદે પોતાની સ્થિતિ મજબૂત કરવા માગે છે. જો કે, ભારતીય સેના પાકિસ્તાનની દરેક હરકતો ઉપર બાજ નજર રાખી રહી છે તે હજી પણ ભારતની અંદરના ભાગમાં છૂપાઈ રહેલા ૫૦થી ૬૦ ત્રાસવાદીઓને શોધી રહી છે.
દરમિયાન પાકિસ્તાનના લશ્કરી દળોએ પીઓકેમાં રહેલા પાકિસ્તાન સૈન્ય સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી છે.
ભારતનું કહેવું છે કે, સરહદ ઉપર તેમજ એલ.એ.સી. ઉપર પાકિસ્તાનની વિશેષ કાર્ય માટેની ટુકડીઓ ત્રાસવાદીઓ સાથે તે બોર્ડ એક્શન ટીમ (બીએટી)ના સૈનિકો જોવા મળ્યા હતા. તેઓ ગોઇ, ઠંડી કાસ્સી, મથરવાની, અમલયાની, થોક, કીમ્મુ કી ડેરી, સહીયર કોટલી, મોચી મોટેરા વિગેરે પીઓકે વિસ્તારમાં જોવા મળ્યા હતા તેમની સાથે વૈશ્વિક ત્રાસવાદી હાફીઝ સૈયદનો મોટો ભાઈ પણ હતો.
ટૂંકમાં પાક માટે ખરાખરીનો ખેલ ચાલી રહ્યો છે. ભારતની તૈયારીઓથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે.