3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા... પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા
Pakistani's Failing Leave India : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત સરકારે કડક કાર્યવાહી કરી દેશમાંથી તમામ પાકિસ્તાનીઓને ખદેડવાનો આદેશ આપી દીધો છે. જો પાકિસ્તાનીઓ ભારત સરકારના આદેશનું ઉલ્લંઘન કરે તો તેમને આકરી સજા ફટકારવાનો નિર્ણય કરાયો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જો પાકિસ્તાનીઓ નિર્ધારીત સમયમર્યાદા બાદ ભારતમાં રોકાશે તો તેની ધરપકડ કરવામાં આવશે. આવા લોકોને ત્રણ વર્ષની જેલ, ત્રણ લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
પાકિસ્તાનીઓને દેશ છોડવા 29 એપ્રિલ સુધીનો સમય
પહલગામ હુમલા બાદ ભારત સરકારે કડક વલણ અપનાવી SAARC વીઝા ધારકોને 26 એપ્રિલ સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. જ્યારે મેડિકલ વીઝા ધારકોને 29 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. જે વીઝા કેટેગરી હેઠળના નાગરિકોએ ભારત છોડીને જતા રહેવાનું છે તેમાં વિઝા ઓન અરાઈવલ, બિઝનેસ, ફિલ્મ, પત્રકાર, ટ્રાન્ઝિટ, કોન્ફરન્સ, પર્વતારોહણ, વિદ્યાર્થી, વિઝિટર, ગ્રુપ ટુરિસ્ટ, તીર્થયાત્રી અને ગ્રુપ તિર્થયાત્રી વિઝાનો સમાવેશ થાય છે. 4 એપ્રિલ-2025થી લાગુ કરાયેલ ‘ઈમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ એક્ટ-2025’ હેઠળ આવા લોકો સામે કાર્યવાહી કરાશે.
પાકિસ્તાની નાગરિકોના તમામ પ્રકારના વિઝા રદ
પહલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો આપતા બુધવારે (23 એપ્રિલ) સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો હતો. ભારત સરકારે હવે ગુરુવારે (24 એપ્રિલ) પાકિસ્તાની નાગરિકોના મેડિકલ સહિત તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે અને તેમને 29 એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, સરકારે બધા જ પાકિસ્તાની નાગરિકોના તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવા તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. ભારતમાં હાલમાં જે પણ પાકિસ્તાની નાગરિકોને છે તેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવાથી તેમણે 27 એપ્રિલ પહેલા જ પાકિસ્તાન જતા રહેવું જોઈએ. વધુમાં જે પાકિસ્તાની નાગરિકોને મેડિકલ વિઝા અપાયા છે તેમણે 29 એપ્રિલ સુધીમાં ભારત છોડી પોતાના દેશ પાછા ફરવાનું રહેશે.
પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ પહલગામમાં 26 લોકોની કરી હતી હત્યા
પાકિસ્તાને પોતાની નૌકાદળને ચેતવણી જારી કરવાની કાર્યવાહી તેની ચિંતા દર્શાવે છે અને ભારત તરફથી સંભવિત બદલો લેવા સામે સાવચેતીના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. 22 એપ્રિલના રોજ કાશ્મીરના બૈસરન ખીણમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા 26 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2019ના પુલવામા વિસ્ફોટ પછી તેને પ્રદેશના સૌથી ઘાતક આતંકવાદી હુમલાઓમાંના એક તરીકે જોવામાં આવ્યું હતું. ભારતે આ હુમલામાં સામેલ આતંકવાદીઓ, કાવતરાખોરો અને તેમના આકાઓને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે.
આ પણ વાંચો : ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO