'મારો આર્મીવાળો ભાઈ ના હોત તો 30-40 વધુ મર્યા હોત.. ', પહલગામમાં આતંકીઓના તાંડવની આંખો-દેખી
Pahalgam Terrorist Attack Survivor Story: 22 એપ્રિલના રોજ થયેલા પહલગામ આતંકવાદી હુમલાને આજે 5 દિવસ થઈ ગયા છે, પરંતુ તેના ઘા હજુ પણ તાજા છે. બૈસરન ઘાટીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા બાદ ઘણા પરિવારોમાં શોકનું વાતાવરણ છે, જ્યારે ઘણા લોકોએ મૃત્યુના આ દ્રશ્યને ખૂબ નજીકથી જોયું છે. એવામાં ઘણા લોકો સોશિયલ મીડયા પર આપવીતી જણાવતા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. એવા હજુ એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આપવીતી જણાવી છે.
રજા માણવા આવેલા સૈન્ય અધિકારીએ 30-40 પ્રવાસીઓના જીવ બચાવ્યા
જ્યારે બૈસરન ઘાટીમાં બપોરે લગભગ 2:30 વાગ્યે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો, ત્યારે એક સેના અધિકારી પણ ત્યાં હાજર હતા. પરિવાર સાથે રજાઓ માણવા પહલગામ આવેલા આ અધિકારીએ 30-40 પ્રવાસીઓના જીવ બચાવ્યા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્ણાટકના સોફ્ટવેર એન્જિનિયર પ્રસન્ન કુમાર ભટ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દાવો કર્યો છે કે, 'આતંકવાદી હુમલા દરમિયાન અમે પણ પહલગામની બૈસરન ઘાટીમાં હાજર હતા. પ્રસન્ન તેમના પત્ની, ભાઈ અને ભાભી સાથે શ્રીનગર અને પછી પહલગામની યાત્રા પર ગયા હતા. તેણે લખ્યું કે મારા ભાઈ આર્મી ઓફિસર છે અને તેમની સમજદારીને કારણે 30-40 લોકોના જીવ બચી ગયા.'
માત્ર મુખ્ય દરવાજાથી જ પ્રવેશ
હુમલા અંગે પ્રસન્ને આગળ જણાવ્યું હતું કે, '22 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યે અમે પહલગામ પહોંચ્યા, ત્યાંથી બૈસરણ ઘાટી માટે ઘોડો કર્યો અને 1:35 વાગ્યે અમે બૈસરણ ઘાટી પહોંચ્યા. ઘાટી સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ ઉબડખાબડ અને પથરાળ હતો. તેમજ ઘાટી ચારે તરફથી પાઈન વૃક્ષોથી ઘેરાયેલી છે. અમે મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કર્યો અને ખીણની સુંદરતાને માણતા ચા પીધી. અમે રાત્રે 2 વાગ્યાની આસપાસ ઉઠ્યા અને મુખ્ય પ્રવેશદ્વારની સામેની બાજુએ ચાલ્યા ગયા.
આ AK-47 નો અવાજ છે. અહીં આતંકવાદી હુમલો થયો છે...
પ્રસન્નએ કહ્યું, જ્યારે અમને ગોળીનો અવાજ સંભળાયો ત્યારે અમે મુખ્ય દરવાજાથી માત્ર 400 મીટર દૂર હતા. લગભગ 2:25 વાગ્યા હતા. આખી ઘાટીમાં શાંતિ ફેલાઈ ગઈ. કોઈને કંઈ સમજાયું નહીં. દૂર ઉભેલા લોકો હજુ પણ રજાઓનો આનંદ માણી રહ્યા હતા. જોકે મારા આર્મી ઓફિસર ભાઈએ તરત જ આ અવાજ ઓળખી લીધો. તેણે કહ્યું કે આ AK-47 નો અવાજ છે. અહીં આતંકવાદી હુમલો થયો છે. જેથી અમે ઝડપથી દોડીને ટોઇલેટ પાછળ છુપાઈ ગયા.
મુખ્ય પ્રવેશ દ્વાર પર જ ઉભા હતા આતંકવાદી
અમે મુખ્ય દરવાજા પાસે બે મૃતદેહો પડેલા જોયા. ઘાટીમાં હાજર પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ. બધા ઘાટીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરવા લાગ્યા. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ખબર પડી કે આખી ઘાટી ચારે બાજુ વાડથી ઘેરાયેલી હતી અને ત્યાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો, તે મુખ્ય દરવાજો હતો, જ્યાં આતંકવાદીઓ પહેલેથી જ હાજર હતા. લોકોને દરવાજા તરફ આગળ વધતા જોઈને તેણે બધાને પકડી લીધા.
આ પણ વાંચો: ધીરેન્દ્ર શાસ્ત્રીએ આતંકવાદીઓની પરચી કેમ ન કાઢી? શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ
આ રીતે બચ્યો જીવ
જીવ બચવા બાબતે પ્રસન્ને લખ્યું કે, 'મારા ભાઈએ બધાને મુખ્ય દરવાજાથી દૂર જવા કહ્યું. અમારી આસપાસ, લગભગ 30-40 પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા માટે છુપાઈ રહ્યા હતા. અમે જોયું કે વાડ પાસે એક પાઇપ હતી અને તે જગ્યાએ વાડ થોડી ખુલ્લી હતી. મારા ભાઈએ બધાને વાડ નીચેથી પસાર થવા કહ્યું. બધા પ્રવાસીઓ એક પછી એક વાડ ઓળંગી ગયા. નીચે ઉતરવાનો રસ્તો ખૂબ જ કાદવવાળો અને લપસણો હતો. ઘણા પ્રવાસીઓ ત્યાં લપસ્યા પણ તેમ છતાં બધાના કોઈક રીતે જીવ બચી ગયા અને ત્યાંથી ભાગી ગયા અને આગળ વધીને ઝાડ પાછળ છુપાઈ ગયા.'
આ મામલે પ્રસન્ને વધુમાં લખ્યું હતું કે, 'અમે ઝાડ પાછળ છુપાઈ તો ગયા પરંતુ અમને ખબર ન હતી કે આ જગ્યા સુરક્ષિત છે કે નહીં. અમને સમજાતું ન હતું કે અહીં જ છુપાઈ રહીએ કે પછી અહીંથી ભાગી જઈએ, પરંતુ મારા ભાઈએ 2:45 વાગ્યે શ્રીનગર આર્મી હેડક્વાટર પર ફોન કરીને આ હુમલાની જાણકારી આપી. અને ત્યાં જ છુપાયેલા હતા. ત્યારે જ અમને ભારતીય આર્મીના હેલિકોપ્ટર દેખાયા અને અમને આશા જાગી કે હવે બધુ સુરક્ષિત છે.'