પહલગામ આતંકી હુમલો: ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની સંરક્ષણ મંત્રી સાથે અઢી કલાક બેઠક
Pahalgam Terrorist Attack: મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામના બેસરનમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 28 લોકોના મોત થયા છે. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને વીણી-વીણીને ટાર્ગેટ કર્યા હતા. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં આક્રોશ છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે બીજી તરફ આ ભયાનક આતંકવાદી હુમલાના પગલે સરકારમાં દોડધામ મચી ગઈ છે અને દિલ્હીમાં તાબડતોડ બેઠક કરવામાં આવી રહી છે.
ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની રાજનાથ સિંહ સાથે ઇમરજન્સી બેઠક
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામોની ચર્ચા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્યના પ્રમુખ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ઇમરજન્સી બેઠક કરી હતી. આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. આ પહેલા આજે સંરક્ષણ મંત્રીને પહલગામ અને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમના નૌકાદળના સમકક્ષ એડમિરલ દિનેશ ત્રિપાઠી દ્વારા માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
અઢી કલાક સુધી ચાલી બેઠક
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં NSA અજિત ડોભાલ અને ત્રણેય સૈન્ય પ્રમુખો તથા CDS સાથે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર અઢી કલાક સુધી બેઠક ચાલી હતી. બાદમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં હાજરી આપશે. CCS રાષ્ટ્રીય સુરક્ષા પર નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પરત ફર્યા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી. આ વચ્ચે હુમલાખોરોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. સેનાની સાથે CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. આર્મીના વિક્ટર ફોર્સની સાથે-સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના સૈનિકો હુમલાખોર આતંકવાદીઓની શોધ કરી રહ્યા છે.