VIDEO : પહલગામ હુમલાનો નવો વીડિયો સામે આવ્યો, ગોળી વાગતાં જ ટુરિસ્ટ ઢળી પડ્યો
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં આતંકવાદી ટુરિસ્ટને ગોળી મારતો નજર આવી રહ્યો છે. 22 એપ્રિલના રોજ પહલગામના બેસરનમાં આતંકવાદીઓએ 26 ટુરિસ્ટોની ગેળી મારીને હત્યા કરી નાખી હતી. આ હુમલામાં 17 ટુરિસ્ટ ઘાયલ થયા હતા. હવે આ હુમલાનો નવો ડરામણો વીડિયો સામે આવ્યો છે.
ગોળી વાગતાં જ ટુરિસ્ટ ઢળી પડ્યો
આ વીડિયોમાં સફેદ કપડાં પહેરેલો એક ટુરિસ્ટ ઊભેલો નજર આવી રહ્યો છે. તેની સામે કાળા કપડાં પહેરેલો એક આતંકવાદી ઊભો છે. જોત-જોતામાં આતંકવાદીએ સામે ઊભેલા યુવાન પર ગોળી ધરબી દીધી અને ટુરિસ્ટ ઢળી પડ્યો. ત્યારબાદ ત્યાં ટુરિસ્ટોમાં ગભરાટ ફેલાય જાય છે. લોકો ચીસો પાડવા લાગે છે અને આમતેમ ભાગવા લાગે છે.
બીજી તરફ આ હુમલા બાદ સુરક્ષા દળોએ આતંકવાદીઓની તલાશ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જંગલોમાં આતંકવાદીઓની તલાશની સાથે-સાથે તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવાની કાર્યવાહી પણ ચાલુ છે. આતંકવાદીઓના ઠેકાણાઓને એક પછી એક ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે.
અનેક આતંકવાદીઓના ઘર ધ્વસ્ત
ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF સંયુક્ત રીતે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણા આતંકવાદીઓના ઘર ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. શુક્રવારે મોડી રાત્રે લશ્કર-એ-તહેરિકના આતંકવાદી એહસાન અહેમદનું ઘર પણ વિસ્ફોટમાં ઉડાવી દેવામાં આવ્યું હતું. આ આતંકવાદીનું ઘર પુલવામામાં હતું. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ સેનાએ દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓના ત્રણ ઘર ધ્વસ્ત કરી નાખ્યા છે. પુલવામા, શોપિંયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘર ધ્વસ્ત કરી દેવાયા છે.