આતંકવાદીઓના હાથમાંથી રાઇફલ છીનવવા પ્રયાસ કર્યો...', પહલગામમાં માર્યા ગયેલા સૈયદ આદિલની બહાદુરીની ચર્ચા
Pahalgam Terror Attack Updates: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા 28 લોકોમાં સ્થાનિક ગાઈડ આદિલ હુસૈન શાહ પણ સામેલ છે. આ આદિલ હુસૈન શાહે બહાદુરી બતાવી પર્યટકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તે માર્યો ગયો. પોતાના પરિવારનો આધારસ્તંભ આદિલ હુસૈને પર્યટકોને બચાવવા આતંકી સાથે અથડામણ કરી હતી. આતંકવાદીની રાઈફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આતંકીએ તેને ગોળી મારી દીધી હતી. 28 વર્ષીય આદિલના મોતથી પરિવાર અત્યંત શોકમાં છે. આદિલે પોતાની માતાને વચન આપ્યું હતું કે, તેઓ ટૂંકસમયમાં નવા ઘરમાં રહેવા લઈ જશે. પરંતુ હવે આદિલ આ દુનિયામાં રહ્યો નથી.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે આદિલ શાહની દફન વિધિમાં પહોંચ્યા હતાં. તેમણે આદિલના પરિવારને સાંત્વના આપી હતી. આદિલના પિતા મુખ્યમંત્રીને ભેટીને રડી રહ્યા હતા. આદિલના પરિવારજનોએ જણાવ્યું કે, આદિલ પરિવારની કમાણીનો આધારસ્તંભ હતો. તે ખૂબ મહેનતથી પૈસા કમાઈ રહ્યો હતો.
ઘોડેસવારી કરાવી કમાણી કરતો હતો
પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં આદિલ હુસૈન શાહ એકમાત્ર મુસ્લિમ હતો. તે રોજ સવારની જેમ મંગળવાર સવારે પણ પોતાના ઘરેથી કમાવવા માટે નીકળ્યો હતો. તે પર્યટકોને ઘોડેસવારી કરાવી કમાણી કરતો હતો. પરંતુ મંગળવારની સાંજે ઘરે આદિલ નહીં, તેના મોતના સમાચાર આવ્યાં. હાપતનાર ગામના રહેવાસી આદિલના પરિવારમાં પત્ની, માતા-પિતા, બે ભાઈ અને ત્રણ બહેનો હતી. ભાઈ-બહેન નાના હોવાથી તે ઘરમાં કમાનારો એકમાત્ર સભ્ય હતો. આદિલના પિતા સૈયદ હૈદર શાહ (ઉ.વ.60)એ જણાવ્યું કે, તે ઘરનો એકમાત્ર કમાનારો સભ્ય હતો. ઘોડો લઈ તે કામ કરવા માટે 30 કિમી દૂર બૈસરન જતો હતો. જ્યાં તે રોજના 600થી 1000 રૂપિયા કમાતો હતો. તેની મોત બાદ અમારા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આ પણ વાંચોઃ વિચાર્યું નહીં હોય તેવી સજા મળશે: પહલગામ આતંકવાદી હુમલા બાદ PM મોદીનું પ્રથમ ભાષણ
મહિલા પર્યટકે સૈયદની બહાદુરી કહી
શાહના નાના ભાઈ સૈયદ નૌશાદ શાહે જણાવ્યું કે, જ્યારે મેં હુમલા વિશે સાંભળ્યું ત્યારે મેં મારા ભાઈને ફોન કરવાનું શરૂ કર્યું, પણ તે ફોન ઉઠાવી રહ્યો ન હતો. સાંજે પાંચ વાગ્યે સ્થાનિક ટટ્ટુવાળાઓએ મને તેના મોતના સમાચાર આપ્યાં. આદિલની સાથે આવેલી એક મહિલા પર્યટકે મને કહ્યું કે, જ્યારે મારા ભાઈએ પર્યટકોને મરતા જોયા, તો તેણે આતંકવાદીઓનો સામનો કર્યો, આતંકવાદી પાસેથી રાઈફલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો, તો આતંકવાદીએ તેને ત્રણ ગોળી ધરબી દીધી. અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું. અમે માત્ર મારા ભાઈના મોત પર નહીં, પરંતુ તમામ 25 નિર્દોષના મોત પર દુઃખી છીએ.
નોકરીની માગ
શાહના પિતરાઈ ભાઈ સૈયદ શાકિરે કહ્યું કે, ગામમાં 300થી 400 ઘરના મોટાભાગના પુરૂષો મજૂર તથા ગાઈડ છે. આદિલ પોતાના પરિવારની કમાણીનો સ્રોત હતો. તેના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. સરકારે તેના પરિવારના કોઈ એક સભ્યને નોકરી આપવી જોઈએ.