VIDEO: પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, ન્યાયાધીશોએ કહ્યું- ‘આ હિંસા રાક્ષસી કૃત્ય’, વકીલો પણ આક્રોશમાં
Supreme Court Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્વક આતંકી કૃત્ય કર્યું છે. આતંકીઓએ ગઈકાલે (22 એપ્રિલ) પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરતાં 28 લોકોના મોત થયા છે, જેને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. દેશવાસીઓ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કોર્ટના ન્યાયાધીશો, વકીલો, રજિસ્ટ્રી વિભાગના કર્મચારીઓ સહિત તમામ લોકોએ ભયાનક આતંકી કૃત્યનો વિરોધ કરવાની સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ન્યાયાધીશોએ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી પ્રસ્તાવ પસાર કર્યો
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેંચોએ બેઠક દરમિયાન પહલગામ હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી પ્રસ્તાવ પસાર કર્યો હતો. પ્રસ્તાવમાં લખાયું છે કે, ‘આતંકવાદીઓનું હિંસાત્મક રાક્ષસી કૃત્ય અંતરાત્માને હચમચાવી દે તેવું છે. આતંકીઓનું કૃત્ય દર્શાવે છે કે, તેઓ કેવા પ્રકારની ક્રૂરતા અને અમાનવીયતા ઊભી કરે છે. ભારતના મુગુટ કાશ્મીરમાં પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લઈ રહેલા પ્રવાસીઓને હિંસાનો શિકાર બનાવાયા છે, જેની અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ.’
‘આખો દેશ પીડિતોની સાથે’
પ્રસ્તાવમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, ‘આતંકી હુમલામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને સુપ્રીમ કોર્ટ શ્રદ્ધાંજલિ પાઠવે છે. અમે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે, મૃતકોની આત્માને શાંતિ મળે/ ઈજાગ્રસ્ત વહેલીતકે સ્વસ્થ થાય. આ સંકટ સમયે આખો દેશ પીડિતોની સાથે છે.’
વકીલોએ સફેદ રિબન લગાવી આતંકી કૃત્યનો વિરોધ કર્યો
સુપ્રીમ કોર્ટમાં બપોરે 1.59 કલાકે સાયરન વાગી, પછી 2.00 વાગ્યે તમામ ન્યાયાધીશો, વકીલો અને અન્ય લોકો પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા હતા અને બે મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પહેલા લગભગ 1.30 કલાકે 1000 વકીલોનું જૂથ સુપ્રીમ કોર્ટની લેનમાં એકત્ર થયું હતું. આ વકીલોએ કોટ પર સફેદ રિબન લગાવી પહલગામ હુમલાનો આક્રોશપૂર્વક વિરોધ કર્યો હતો.