Get The App

અટારી બોર્ડર બંધ, સિંધુ જળ કરાર પર રોક; પહલગામ હુમલા બાદ ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ 5 મોટા નિર્ણય

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
અટારી બોર્ડર બંધ, સિંધુ જળ કરાર પર રોક; પહલગામ હુમલા બાદ ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ 5 મોટા નિર્ણય 1 - image


Pahalgam Terrerist Attack: દક્ષિણ કાશ્મીરના પહલગામમાં ગઈકાલ મંગળવારે (22 એપ્રિલ) થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે પહલગામ હુમલાને લઈને આજે (23 એપ્રિલ) કેન્દ્ર સરકાર દ્વારા CCSની બેઠક યોજાઈ હતી, જેમાં અલગ અલગ મોટા નિર્ણયો લેવાયા છે. ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ મોટા નિર્ણયો બાદ પાકિસ્તાને આવતીકાલે (24 એપ્રિલ) રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક બોલાવી છે. ભારત સરકારે આવતીકાલે પાર્લામેન્ટ એનેક્સીમાં સર્વદળીય બેઠક બોલાવી છે, જેનું નેતૃત્વ રક્ષા મંત્રી કરશે. બીજી તરફ આજે જમ્મુ કાશ્મીર સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જ્યારે 28 એપ્રિલે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાશે. જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદીઓની માહિતી આપનારને 20 લાખનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળો દ્વારા જવાબી કાર્યવાહીની તૈયારીઓ કરાઈ રહી છે.

અટારી બોર્ડર બંધ, સિંધુ જળ કરાર પર રોક; પહલગામ હુમલા બાદ ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ 5 મોટા નિર્ણય 2 - image

પહલગામ હુમલામાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકનું મોત: વિદેશ મંત્રાલય

CCSની બેઠક બાદ વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે, 'પહલગામ હુમલાને લઈને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક થઈ હતી. જેમાં આતંકી હુમલાની નિંદા કરાઈ. આતંકવાદને લઈને ઝીરો ટોલરેન્સની નીતિ રહેશે. હુમલામાં 25 ભારતીય અને 1 નેપાળી નાગરિકનું મોત થયું છે. દુનિયાભરે આતંકી હુમલાની નિંદા કરી છે.' CCSની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વિદેશ સચિવે માહિતી આપી હતી. જેમાં તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરાયા છે અને પાક.ના ઉચ્ચાયુક્તને પરત પાકિસ્તાન મોકલાશે. આ સિવાય સિંધુ જળ કરાર પર રોક લગાવી દેવાઈ છે.

CCSની બેઠકમાં 5 સૌથી મોટા નિર્ણય

1) સિંધુ જળ કરાર પર રોક લગાવાશે
પાકિસ્તાન દ્વારા બોર્ડર પર આતંકવાદનું સમર્થન રોકવા માટે 1960ની સિંધુ જળ કરારને સ્થગિત કરી દેવાયો છે.

2) અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરાશે
અટારી ચેક પોસ્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. કાયદેસર દસ્તાવેજો સાથે જે લોકો પહેલા જ પાર કરી ચૂક્યા છે, તેમણે 1 મે પહેલા પરત જવા કહેવાયું છે.

3) તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ
પાકિસ્તાની નાગરિકોને SAARC હેઠળ વિઝા છૂટ યોજના હેઠળ ભારતમાં પ્રવેશ નહીં મળે. પહેલા જાહેર કરાયેલા તમામ SVES વિઝા રદ કરી દેવાશે. SVES વિઝા પર પહેલાથી જ ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવું પડશે.

4) ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત બંધ
દિલ્હી સ્થિત પાકિસ્તાની ઉચ્ચાયુક્તમાં તૈનાત રક્ષા અને સૈન્ય સલાહકારોને 'પર્સોના નૉન ગ્રાટા' જાહેર કરી દેવાયા છે અને તેમને એક અઠવાડિયામાં ભારત છોડવાના આદેશ આપી દેવાયા છે. આ પ્રકારે, ભારત પોતાના રક્ષા સલાહકારોને ઇસ્લામાબાદ પરત બોલાવશે. આવા પાંચ સહયોગી સ્ટાફને પણ પરત બોલાવશે.

5) ઉચ્ચાયુક્ત કર્મચારીઓ ઘટાડવાનો નિર્ણય
બંને ઉચ્ચાયુક્તમાં કર્મચારીઓની સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનો નિર્ણય લેવાયો છે, અને આ નિર્ણય 1 મેથી લાગુ કરાશે.

અટારી બોર્ડર બંધ, સિંધુ જળ કરાર પર રોક; પહલગામ હુમલા બાદ ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ 5 મોટા નિર્ણય 3 - image

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી CCSની બેઠક

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને વડાપ્રધાન આવાસ પર સુરક્ષા મામલાઓની કેબિનેટ કમિટી (CCS)ની બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજિત અઢી કલાક સુધી ચાલી હતી. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશમંત્રી એસ.જયશંકર, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવાયા છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના મૃતકોને 5-5 લાખની સહાય

ગુજરાત સરકાર પહલગામ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ રાજ્યના ઇજાગ્રસ્ત પ્રવાસીઓને રૂપિયા 50,000 ની સહાય કરશે.  બીજી તરફ હુમલા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'આ નિંદનીય ઘટના છે. મહારાષ્ટ્રના જે 6 લોકોના મૃત્યુ થયા છે, તે દરેક પીડિત પરિવારને 5-5 લાખ રૂપિયા અપાશે.' મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ફસાયેલા મહારાષ્ટ્રના પ્રવાસીઓને પરત લાવવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે શ્રીનગર રવાના થયા છે. મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે જરૂરી સહાયતા સુનિશ્ચિત કરશે.

પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે: મનોજ સિન્હા

જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આજે (બુધવાર) એક સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'પહલગામ હુમલાનો બદલો લેવામાં આવશે. પહલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે આવતીકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અપાયેલા નિર્દેશોનું ઝડપથી પાલન કરાવવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આપણા નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને એ પણ નક્કી કરશે કે આતંકવાદની આવી કાયરતાપૂર્ણ હરકત ફરી ન થાય.'

પહલગામ હુમલા બાદ સેનાની કાર્યવાહી

કાશ્મીરમાં સુરક્ષા દળ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ત્યારે સુરક્ષાદળોને બારામૂલામાં મોટી સફળતા મળી છે. અહીં બારામુલ્લા જિલ્લામાં ઉરી સેક્ટરમાં LoCની નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરતા સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષાદળોએ આતંકવાદીઓ પાસે બે રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયાર અને સામાન જપ્ત કર્યો છે. ત્યારે, કુલગામમાં પણ સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. અહીં આતંકવાદીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, અહીં કેટલાક આતંકવાદી છૂપાયા છે, જેમણે સેનાએ ચારો તરફ ઘેરી લીધા છે.

Tags :