કાશ્મીરની ટિકિટો ધડાધડ કેન્સલ..., પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ખાડે જશે!
Pahalgam Terror Attack: જમ્મૂ- કાશ્મીરના મશહુર પ્રવાસન સ્થળ પહલગામમાં થયેલા આતંકી હુમલાથી આખો દેશ ગુસ્સા અને શોકમાં છે. આ સુંદર અને શાંત પ્રવાસન સ્થળ પર મંગળવારે આતંકવાદીઓએ 28 નિર્દોષ લોકોને ક્રુરતાપૂર્વક હત્યા કરી દીધી છે. મોતને ભેટેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા, કે જેઓ તેમના પરિવાર સાથે અહીં વેકેશનની રજાઓ ગાળવા આવ્યા હતા. તેમણે સ્વપ્નેય વિચાર્યુ નહીં હોય કે, થોડા સમય માટે આનંદ મેળવવા માટે જે જગ્યા પર જઈ રહ્યા છીએ, ત્યાથી જીંદગીભરનો ગમ લઈને આવશું.
આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે ઘાટીની સ્થિતિ સામાન્ય હતી અને પ્રવાસન ઈન્ડસ્ટ્રી ફરી એકવાર તેજ રફતાર પકડી રહી હતી. હોટલો હાઉસફુલ હતી, ટેક્સીઓ લાઈનમાં ઉભી હતી અને એરપોર્ટથી લઈને પહલગામ સુધી દરેક જગ્યાએ પ્રર્યટકોની ચહલ-પહલ જોવા મળી રહી હતી, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કાશ્મીરની ખીણોમાં ડર અને સન્નાટો ફેલાવી દીધો છે.
પર્યટકોના સહારે ફરી આવી રહી હતી રોનક
છેલ્લા કેટલાક વર્ષોથી જમ્મુ- કાશ્મીરમાં ટુરિઝમ સેક્ટરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2019માં આર્ટિકલ 370 હટાવ્યા પછી અસ્થિરતાનો માહોલ હતો, પછી કોવિડ આવતા બધુ જ ઠપ્પ થઈ ગયું હતું. પરંતુ 2021માં પરિસ્થિતિ સુધરતી જોવા મળી રહી હતી.
જમ્મૂ - કાશ્મીર ટૂરિઝમ વિભાગના આંકડા પ્રમાણે 2021માં કુલ 1.13 કરોડ પર્યટકો અહીં આવ્યા હતા. વર્ષ 2022માં આ આંકડો વધીને 1.88 કરોડ પર પહોંચ્યો અને 2023માં આ 2.11 કરોડ પર પહોંચી ગયો હતો. 2024માં રેકોર્ડ 2.36 કરોડ પર્યટકો જમ્મુ કાશ્મીરમાં ફરવા માટે આવ્યા હતા. જેમાં 27 લાખ પર્યટકો એકલા કાશ્મીરમાં પહોંચ્યા હતા.
ખીણમાં હોટલની એટલી ડિમાન્ડ વધી ગઈ હતી કે, કેટલીક જગ્યાએ પર્યટકોને પ્રાઈવેટ હોમસ્ટેમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુલમર્ગ, સોનમર્ગ,પહલગામ જેવા ડેસ્ટિનેશન ફરી ચમકવા લાગ્યા હતા. હોટલો તેમના ધંધા રોજગાર વધારી રહ્યા હતા. ગુલમર્ગને તો એશિયાના ટોચના સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
કાશ્મીરના અર્થતંત્રમાં પર્યટન મોટી ભૂમિકા
જમ્મુ અને કાશ્મીર પ્રવાસન નીતિ 2020 મુજબ અહીંના GSDPમાં પર્યટન 7 ટકાથી વધુનું યોગદાન આપે છે. 2018-19માં જમ્મુ અને કાશ્મીરનો અંદાજિત GSDP ₹1.57 લાખ કરોડ હતો. જેમાં પર્યટનનો સીધો હિસ્સો ₹11,000 કરોડથી વધુ છે. તો 2019-20માં પર્યટનનો ફાળો 7.84% હતો, જે 2022-23માં વધીને 8.47% થયો.
દર વર્ષે લગભગ 50,000 નવી રોજગારીની તકો
ખીણમાં હજારો પરિવારો પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. શિકારા ડ્રાઇવરો, ગાઇડ્સ, ટેક્સી ડ્રાઇવરો, હોટેલ સ્ટાફ, રેસ્ટોરાં, કારીગરો, હસ્તકલા વસ્તુઓ વેચનારાઓનું જીવનનિર્વાહ તેના પર નિર્ભર છે. સરકારનો અંદાજ છે કે પર્યટન ક્ષેત્ર દર વર્ષે લગભગ 50,000 નવી રોજગારીની તકો ઉભી કરે છે. આ ઉપરાંત, આગામી 10 વર્ષમાં 4,000 ટુરિઝમ સર્વિસ સેક્ટર પ્રોવાઈડરને તાલીમ આપવાનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું હતું.
આ હુમલો માત્ર 28 લોકો પર નહીં પરંતુ સમગ્ર દેશ પર છે. એ કાશ્મીરોઓ પર છે જે ટૂરિઝમ સેક્ટરના સહારે પોતાનું ઘર ચાલતુ હતું. લોકો અહીં નહીં આવે તો તેમનો રોજગાર કેવી રીતે ચાલશે અને સેંકડો પરિવારો પર તેની અસર પડશે.