Get The App

સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે?

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે? 1 - image


- આતંકી હુમલા અંગે સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષો આકરાપાણીએ છતાં એક્શન માટે સરકારની તરફેણમાં

- અમરનાથ યાત્રા માટેનો માર્ગ સ્થાનિક ટૂર ઓપરેટરોએ બે મહિના પહેલાં ખોલી કાઢ્યો, બે દિવસ ધમધમાટ છતાં જડબેસલાક સુરક્ષાનો દાવો કરતું આખું તંત્ર ઉંઘતું ઝડપાયું

- સૈન્યની હાજરી નથી અને સ્થાનિક પોલીસ સ્ટેશન નથી ત્યાં સરકારની જાણ વગર બે હજાર જેટલા પ્રવાસીઓ પહોંચ્યા કેવી રીતે

Pahalgam Terror Atttack News :  કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની તપાસનો દેશભરમાં ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ઓલ પાર્ટી બેઠકનંમ આયોજન થયું હતું. આ બેઠક દરમિયાન ચર્ચામાં આવ્યું હતું કે, પહલગામ આતંકવાદી હુમલો મોટી સુરક્ષા બેદરકારીનું પરિણામ છે. સુરક્ષા એજન્સીઓ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસે આ હુમલા અંગે કોઈ ટિપ નહોતી. તેનાથી પણ મોટો છબરડો એ સામે આવ્યો હતો કે, પ્રવાસીઓ જે સ્થળે ફરતા હતા તે સ્થળ અમરનાથયાત્રામાં લોકો માટે  ખોલવામાં આવે છે. આ સ્થળ સરકારની, સુરક્ષા જવાનોની, સ્થાનિક એજન્સીઓની જાણ બહાર પ્રવાસીઓ માટે બે મહિના વહેલું ખોલી દેવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ આ સ્થિતિનો લાભ લઈને જ મોટો હુમલો કર્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસ, આપ, ટીએમસી, એનસીપી અને બીજા ઘણા પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. તેમણે સુરક્ષામાં ચુક થવા મુદ્દે સરકારને ઘેરી હતી. બીજી તરફ તેમણે આતંકવાદને નાથવા માટે સરકારને તમામ સ્તરે સાથ આપવાનો પણ વાયદો કર્યો હતો.

સરકારને ખબર નહોતી તો આતંકીઓને કેવી રીતે ખબર પડી

સ્થાનિક સૂત્રોમાં ચર્ચા છે કે, પ્રવાસીઓ માટે જે જગ્યા ખોલવામાં આવી તેની જાણ સરકારને નહોતી, સ્થાનિક સરકારને નહોતી, ટૂરિઝમ ડિપાર્ટમેન્ટને નહોતી, સ્થાનિક પોલીસતંત્રને નહોતી, પહેલગામ પાસે આવેલા આર્મી અને બીએસએફના કેમ્પમાં થયેલી નહોતી તો પછી આતંકવાદીઓને કેવી રીતે જાણ થઈ. આ કેસમાં સ્થાનિકોની સંડોવણીનો હોવાની દિશામાં પણ સવાલો થઈ રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, જે જગ્યાની જાણ સરકારને જ નથી તેની તમામ માહિતી આતંકીઓ સુધી પહોંચી કેવી રીતે. તે ઉપરાંત દેશના જુદા જુદા ખુણેથી આવતા ટૂર ઓપરેટર્સને પણ આ જગ્યા ખુલી ગઈ હોવાની જાણ કેવી રીતે થઈ હતી. આ જગ્યા વહેલી ખોલવામાં સ્થાનિક નેતાઓ અને રાજકારણીઓ તથા લાલચુ સ્થાનિક ટૂર ઓપરેટર્સની સંડોવણી હોવાની વાત પણ ચર્ચાના ચકડોળે ચડી છે.

આતંકીઓ જાણતા હતા કે બે કલાક પહેલાં મદદ નહીં આવે 

પહલગામના જે રિસોર્ટ પાસે હુમલો થયો તેની માહિતી આતંકીઓ પાસે હતી જ અને સ્થાનિક મદદ દ્વારા તેઓ આ જગ્યાની રેકી કરી ગયા હોવાનું પણ સૂત્રોનું માનવું છે. તેઓ જણાવે છે કે, અમરનાથ યાત્રા દરમિયાન પહલગામ ફરવા માટે આ પટ્ટો ખોલવામાં આવે છે પણ તે આ વખતે વહેલો ખોલાશે તેની માહિતી આતંકીઓને હતી. ચાર આતંકીઓમાંથી બે સ્થાનિક આતંકીઓ દ્વારા હુમલા માટે અને ત્યારબાદ નાસી જવા માટે પ્લાન બનાવવા દરમિયાન અહીંયાની રેકી કરવામાં આવી હોવી જોઈએ. આતંકીઓ જાણતા હતા કે, અહીંયા હુમલો કરવામાં આવશે તો મદદ આવવા માટે ઓછામાં ઓછા દોઢ બે કલાક લાગશે. આ જગ્યા પહલગામથી થોડી દૂર અને અમરનાથ યાત્રાના રસ્તામાં આવે છે. સુરક્ષા જવાનો તહેનાત નથી અને પોલીસ અહીંયા આવતી નથી. તેના પગલે જ આતંકવાદીઓ દ્વારા અહીંયા પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

બે મહિના પહેલાં માર્ગ ખોલવાનો ઓર્ડર આપ્યો કોણે?

બીજો સૌથી મોટો સવાલ એ છે કે, દર વર્ષે અમરનાથ યાત્રા જૂન મહિનામાં શરૂ થાય છે. તે સમયે રસ્તા આવતો પહલગામનો આ પટ્ટો ખોલવાની મંજૂરી સરકાર અને સૈન્ય દ્વારા આપવામાં આવે છે. આ રસ્તા ઉપર પહેલા સુરક્ષા જવાનો ગોઠવાય છે, સુરક્ષાની પૂરતી તૈયારીઓ કરવામાં આવે છે અને ત્યારબાદ જૂન મહિનાથી યાત્રા શરૂ કરાય છે. આ વખતે બે મહિના પહેલાં એપ્રિલમાં જ આ પટ્ટો ખોલવાની મંજૂરી ક્યાંથી આપવામાં આવી અને કોણે માહિતી માગી. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂણે વગેરે જગ્યાએથી આવતા ટૂર ઓપરેટર્સને કેવી રીતે ખબર પડી કે, ૨૦ એપ્રિલથી આ પટ્ટો ખુલી ગયો છે. સુરક્ષાની વ્યવસ્થા વગર બસો ત્યાં જવા નથી દેવાતી તો આ વખતે પ્રવાસીઓ ત્યાં કેવી રીતે પહોંચી ગયા. સ્થાનિક સરકાર, પોલીસ કે તંત્રને પણ બસો અને પ્રવાસીઓ આવ્યાની જાણકારી નહોતી. આનાથી મોટી બેદરકારી અને છબરડો શું હોઈ શકે?

પાકિસ્તાની સૈન્ય અધિકારીએ ધમકી આપી જ હતી

સૂત્રોમાં એવી પણ ચર્ચા છે કે, પાકિસ્તાની સૈન્ય અધિકારીએ કાશ્મીરમાં હુમલો કરવાની ધમકી ઉચ્ચારી જ હતી. તેણે જણાવ્યું હતું કે, ભારત ભલે કાશ્મીરને પોતાનો ભાગ માને અને ત્યાં સબ સલામતના દાવા કરે પણ અમે ગમે ત્યારે કાશ્મીરની શાંતિ ડહોળી શકીએ છીએ. આઈએસઆઈની મદદથી પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ દ્વારા આતંકીઓને તાલિમ આપીને અહીંયા હુમલો કરાયો છે. આ જગ્યામાં પ્રવેશ કરવો, પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પુછવું, ગોળીબાર કરવો, ત્યાંથી જંગલના રસ્તે અલોપ થઈ જવું તે પાકિસ્તાની પ્લાન હતો. ભારતીય સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર એજન્સીઓ આવી માહિતી મેળવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોવાનો આ પુરાવો છે.

Tags :