'વૃક્ષ માતા' તરીકે જાણીતા પદ્મશ્રી સન્માનિત તુલસી ગૌડાનું નિધન, વડાપ્રધાન મોદી પણ થયા દુઃખી
Tulsi Gowda Died News | વૃક્ષ માતા તરીકે જાણીતા અને ભારતના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ વિજેતા તુલસી ગૌડાનું સોમવારે નિધન થઈ ગયું. તેમણે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સામે આદિવાસી પોશાકમાં ઉઘાડાપગે જઈને જ પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો હતો. તુલસી ગૌડા હલક્કી સમુદાયના હતા. તે 86 વર્ષના હતા અને વૃદ્ધાવસ્થા સંબંધિત બિમારીઓથી પીડાઈ રહ્યા હતા.
વતન હન્નાલીમાં અંતિમ શ્વાસ લીધા
તેમણે ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલ તાલુકામાં તેમના વતન તરીકે જાણીતા ગામ હન્નાલી ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તે પર્યાવરણ સંરક્ષણ માટે માર્ગદર્શક બની રહેશે. ઉલ્લેખનીય છે કે તુલસી ગૌડાએ નાની ઉંમરે વન વિભાગની પ્લાન્ટ નર્સરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે બાળપણમાં ઘણીવાર નર્સરીમાં જતા હતા.
કયા કયા એવોર્ડથી સન્માનિત થયા હતા
પદ્મશ્રી ઉપરાંત તેમને ઈન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને વૃક્ષો વાવવાનું બહુ ગમતું. તે આ કામ ખૂબ આનંદથી કરતા હતા. અંકોલા અને તેની આસપાસના વિસ્તારોમાં હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેનો શ્રેય તુલસી ગૌડાને જાય છે. તેમના દ્વારા વાવેલા ઘણા રોપાઓ વર્ષો વીતવા સાથે ખૂબ મોટા થઈ ગયા છે. પદ્મશ્રી ઉપરાંત તેમને ઈન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
જાણો ' જંગલની એન્સાઈક્લોપીડિયા' તરીકે જાણીતા તુલસી ગૌડા વિશે
તુલસી ગૌડા એક સામાન્ય આદિવાસી મહિલા હતી, જે કર્ણાટકના હોનાલ્લી ગામમાં રહેતા હતા. તે ક્યારેય શાળાએ ગયા ન હતા, તેમણે કોઈ પ્રકારનું પુસ્તકીયું જ્ઞાન પણ લીધું ન હતું, પરંતુ તેમના પ્રકૃતિ સાથેના તેમના અપાર પ્રેમ અને જોડાણને કારણે તેમને વૃક્ષો અને છોડ વિશે અદ્ભુત જ્ઞાન હતું. તેમની પાસે કોઈ શૈક્ષણિક ડિગ્રી ન હોવા છતાં પ્રકૃતિ સાથેના તેમના જોડાણના જોરે તેમને વન વિભાગમાં નોકરી મળી. તેમની ચૌદ વર્ષની સેવા દરમિયાન તેમણે હજારો રોપા વાવ્યા જે આજે વૃક્ષો બની ગયા છે.