139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન
Padma Awards 2025: ગણતંત્ર દિવસ(26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના એલાન બાદ આજે (28 એપ્રિલ) રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા. પદ્મ પુરસ્કારોનું વિતરણ બે તબક્કામાં કરાશે. જેમાં આજે 71 વિભૂતિઓને સન્માનિત કરાઈ છે. જેમાં 4 પદ્મવિભૂષણ, 10 પદ્મવિભૂષણ અને 57 પદ્મશ્રી સામેલ છે. જ્યારે બાકીના 68 પદ્મ વિજેતાને બીજા તબક્કામાં આગામી મહિને સન્માનિત કરાશે.
આ વર્ષે 139 હસ્તીઓની પસંદગી પદ્મ પુરસ્કારો માટે કરાઈ હતી, જેમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી સામેલ છે. 13 લોકોને મરણોપરાંત પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરાશે. જેમાં ભોજપુરી સિંગર શારદા સિન્હા, સુઝુકી કંપનીના ઓસામુ સુઝુકી(મરણોપરાંત), સુશીલ કુમાર મોદી (મરણોપરાંત), આર. અશ્વિન, નંદમુરી બાલકૃષ્ણા, એલ. સુબ્રમણ્યમ, અરુંધતિ ભટ્ટાચાર્ય, પવન કુમાર ગોયનકા, મનોહર જોશી, ડી. નાગેશ્વર રેડ્ડી અને એમ.ટી.વાસુદેવન નાયર(મરણોપરાંત)નું નામ પણ સામેલ છે. આ વખતે પુરસ્કાર મેળવનારા લોકોમાં 23 મહિલાઓ છે. યાદીમાં 10 વિદેશી, એનઆરઆઇ, પીઆઇઓ, ઓસસીઆઇ શ્રેણીના વ્યક્તિ સામેલ છે.