Get The App

ધનિકો વધુ ધનિક થયા, શ્રમિકોની સ્થિતિ કફોડી, વિશ્વના 5 અબજ લોકો સામે આર્થિક સંકટ : રિપોર્ટ

વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં થયા ઘટસ્ફોટ

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
ધનિકો વધુ ધનિક થયા, શ્રમિકોની સ્થિતિ કફોડી, વિશ્વના 5 અબજ લોકો સામે આર્થિક સંકટ : રિપોર્ટ 1 - image


Oxfam report In World Economic Forum : દુનિયામાં ધનિકો અને ગરીબો વચ્ચે અંતર વધતું જઈ રહ્યું છે. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમાં આયોજિત બેઠકમાં ઓક્સફેમ દ્વારા એક રિપોર્ટ રજૂ કરાયો હતો જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. એક તરફ જ્યાં વિશ્વના 5 સૌથી ધનિક લોકોની સંપત્તિ બમણી થઇ ચૂકી છે ત્યાં 5 અબજ લોકો સામે ભયંકર નાણાકીય સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. 

શું છે ઓક્સફેમના રિપોર્ટમાં... 

ઓક્સફેમના વાર્ષિક રિપોર્ટમાં કોરોના મહામારી બાદ ઉદભવેલા આર્થિક પડકારો વચ્ચે ફરીથી સંપત્તિ સંગ્રહ કરવાની ચિંતાજનક પ્રવૃત્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 2020માં દુનિયાના 5 સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ 405 બિલિયન ડૉલર હતી જે ગત વર્ષે 2023 માં વધીને બમણી 869 બિલિયન ડૉલર થઇ ચૂકી છે. આ ધનિકોએ અલગ અલગ રીતે સંપત્તિ એકઠી કરી હતી. 

ખાનગી સેક્ટરોએ શ્રમિકોનું શોષણ કર્યું 

સંપત્તિ અને ધન એકઠું કરવામાં ફક્ત ટોપ 5 લોકો જ આગળ રહ્યા નથી પણ અનેક અબજપતિઓએ ધૂમ કમાણી કરી છે. અમુક ધનિકોએ જ શ્રમિકોનું શોષણ કરી પૈસા ભેગાં કર્યા છે અને અમુકે ટેક્સ ચોરી તથા રાજ્ય સરકારના કામનું ખાનગીકરણ કરી પૈસા રળ્યાં છે. દુનિયાભરમાં ખાનગી સેક્ટરોએ સંપત્તિ કમાવવા માટે ઓછી મજૂરી, ઓછી પારદર્શકતા અને ઓછા ટેક્સ સહિત અનેક ઉપાયો અજમાવ્યા હતા. તેનો ઉદ્દેશ્ય ફક્ત પોતાની સંપત્તિ વધારવાનો જ હતો. 

148 કંપનીઓએ 1.8 ટ્રિલિયન ડૉલરની કરી કમાણી 

ઓક્સફેમે અબજોપતિઓ અને કરોડપતિઓ પર વેલ્થ ટેક્સ ઝીંકવાની ભલામણ કરી છે. તેણે કહ્યું કે શ્રમિકોનો પગાર પણ નક્કી થવો જોઈએ. એક અંદાજ પ્રમાણે કોર્પોરેટ ક્ષેત્રની ટોચની 148 કંપનીઓએ 1.8 ટ્રિલિયન ડૉલરનો નફો કમાવ્યો હતો, જે 3 વર્ષની સરેરાશ કરતાં 52 ટકા વધુ છે. વિશ્વની 1,600 જેટલી સૌથી મોટી કંપનીઓમાંથી માત્ર 0.4 ટકા ખાનગી ક્ષેત્રોએ શ્રમિકોને તેમના કામ પ્રમાણે વેતન અને અન્ય સુવિધાઓ આપી હતી. 

800 મિલિયન શ્રમિકોના પગારમાં ઘટાડો થયો

પગારમાં કાપને કારણે શ્રમિકો ખોરાક અને આજીવિકાની કટોકટીનો સામનો કરી રહ્યા છે. વિશ્વભરમાં લગભગ 800 મિલિયન શ્રમિકોના વેતનમાં ઘટાડો થયો છે. એક કર્મચારીએ ઓછામાં ઓછી 25 દિવસની વાર્ષિક આવક ગુમાવી હતી.  આ રિપોર્ટમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક, એલવીએમએચ ચીફ બર્નાર્ડ આર્નોલ્ટ, એમેઝોનના જેફ બેઝોસ, ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન અને રોકાણકાર વોરેન બફેટ સહિત ઘણા ધનિક લોકોની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે.

ધનિકો વધુ ધનિક થયા, શ્રમિકોની સ્થિતિ કફોડી, વિશ્વના 5 અબજ લોકો સામે આર્થિક સંકટ : રિપોર્ટ 2 - image



Google NewsGoogle News