આઠ કરોડની રોલ્સ રોયસ કારના માલિક છતાં 35000ની વીજ ચોરી કરી
નવી દિલ્હી,તા.13.જુલાઈ.2021
દેશના લગભગ તમામ રાજ્યો વીજ ચોરીની સમસ્યાથી પરેશાન છે.લાખો-કરોડોના બાકી વીજ બિલની વસૂલાત માટે વીજ કંપનીઓને ભારે માથાકૂટ કરવી પડતી હોય છે.
આવામાં મહારાષ્ટ્રમાં વીજ ચોરીના એક મામલામાં શિવસેનાના એક નેતા સામે 35000 રુપિયા વીજ બિલ નહીં ભરવાનો કેસ કરવામાં આવ્યો છે.ધ્યાન ખેંચનારી વાત એ છે કે, આ નેતાએ તાજેતરમાં જ આઠ કરોડની રોલ્ય રોયસ કાર ખરીદી છે.
મુંબઈને અડીને આવેલા કલ્યાણના શિવસેના નેતા સંજય ગાયકવાડ સામે મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ દ્વારા ગયા સપ્તાહે કેસ કરવામાં આવ્યો છે.જેમાં તેમના પર 35000 રુપિયાનુ વીજ બિલ નહીં ભરવાનો આરોપ લગાવાયો છે અને તેમને બિલની સાથે સાથે દંડ ભરવા માટે પણ જણાવાયુ છે.વીજ કંપની દ્વારા માર્ચ મહિનામાં એક કમિટી બનાવવામાં આવી હતી અને આ કમિટીએ જ્યારે સંજય ગાયકવાડની માલિકીની જગ્યાઓ પર તપાસ કરી તો ત્યાં વીજ ચોરી થઈ રહી હોવાનુ બહાર આવ્યુ હતુ.
વીજ કંપનીએ તરત જ ગાયકવાડને 35000 રુપિયા બીલ અને 15000 રુપિયા દંડ ભરવાનો હુકમ કર્યો હતો.જેનુ પાલન નહીં થતા વીજ કંપનીએ ગયા અઠવાડિયે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ નોંધાયા બાદ વીજ કંપનીના પ્રવક્તાનુ કહેવુ છે કે, ગાયકવાડે સોમવારે બિલની રકમ અને દંડની રકમ ભરી દીધી છે.વીજ ચોરીના મામલામાં ત્રણ વર્ષની સજાની પણ જોગવાઈ છે.
દરમિયાન ગાયકવાડે પોતાનો બચાવ કરતા કહ્યુ હતુ કે, વીજ કંપનીએ મારી સામે ખોટી ફરિયાદ નોંધી છે.જો મેં વીજળી ચોરી કરી હોય તો મારી સાઈટ પરથી મીટર કેમ નથી હટાવાયા?