'PM મોદી જાતિના આધાર પર વોટની અપીલ કરે છે પરંતુ OBC સાથે ન્યાય નથી કરી રહ્યા': ઓવૈસી
- જ્યારે હું કહું છું કે ભારતીય રાજનીતિમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું છે ત્યારે મને રાષ્ટ્ર વિરોધી અને સાંપ્રદાયિક કહેવામાં આવે: ઓવૈસી
હૈદરાબાદ, તા. 08 નવેમ્બર 2023, બુધવાર
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર OBC સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે કહ્યું કે, વડા પ્રધાન મોદી જાતિની ઓળખના આધાર પર વોટની અપીલ કરી રહ્યા છે પરંતુ OBC સાથે ન્યાય નથી કરવા માંગતા.
પીએમ મોદીએ મંગળ વારે રાત્રે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં કહ્યું કે, તેલંગાણાના ભાજપના મુખ્યમંત્રીનું કાઉન્ટડાઉન શહેરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમથી શરૂ થયુ છે. જ્યાં તેમણે એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.
Coming to Hyderabad is always special and even more special is to come back to the Lal Bahadur Shastri stadium in the city. I can never forget my rally here in 2013. That time, it marked the start of a journey to elect an OBC PM. Today, from this very venue begins the countdown… pic.twitter.com/6rf0XSjp4U
— Narendra Modi (@narendramodi) November 7, 2023
પીએમ મોદીએ મંગળવારે હૈદરાબાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં કહ્યું હતું કે, જનતાના આશીર્વાદથી ભાજપનો પ્રથમ મુખ્યમંત્રી પછાત જાતિના અહીંથી જ બનશે. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા X પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હૈદરાબાદ આવવું હંમેશા ખાસ હોય છે અને એનાથી પણ ખાસ શહેરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પાછું આવવાનું છે. હું 2013ની અહીંની રેલીને ક્યારેય ન ભૂલી શકું. તે સમયે તે એક OBC પીએમ ચૂંટવાની યાત્રા હતી.
X પર પીએમ મોદીની પોસ્ટનો જવાબ આપતા ઓવૈસીએ એમ પણ કહ્યું કે પીએમ મોદીએ પછાત મુસ્લિમો માટે અનામત હટાવવાનું વચન આપ્યું છે, 27 ટકા ઓબીસી ક્વોટાનો વિરોધ કર્યો છે અને અનામત પરની 50 ટકાની મર્યાદા હટાવી નથી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન જાતિની ઓળખના આધાર પર વોટ માટે અપીલ કરી રહ્યા છે પરંતુ OBC સાથે ન્યાય કરવા નથી માંગતા. જ્યારે હું કહું છું કે ભારતીય રાજનીતિમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું છે ત્યારે મને રાષ્ટ્ર વિરોધી અને સાંપ્રદાયિક કહેવામાં આવે છે. મોદી હતાશ છે અને તે નજર આવી રહ્યુ છે.