કર્ણાટકમાં ૭૦૦૦થી વધુને ડેન્ગ્યુ, બેંગ્લોરમાં સૌથી વધુ ૧૯૦૮ પોઝિટિવ કેસ
૬ જુલાઇ સુધીના આંકડા મુજબ ડેન્ગ્યુના સંક્રમણથી ૬ ના મોત,
ડેન્ગ્યુના દર્દીને ખૂબ તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર થાય છે
બેંગ્લોર,૮ જુલાઇ,૨૦૨૪,સોમવાર
કર્ણાટક સરકારના ૬ જુલાઇ સુધીના આરોગ્ય આંકડા અનુસાર ૭૦૦૬ લોકોને ડેન્ગ્યુનું સંક્રમણ જોવા મળે છે જેમાંથી ૬ ના મુત્યુ થયા છે. માત્ર બેંગ્લોરમાં જ ડેન્ગ્યુ સંક્રમણના ૧૯૦૮ પોઝિટિવ કેસ ધ્યાનમાં આવ્યા છે જે રાજયમાં સૌથી વધારે છે. કર્ણાટકના અન્ય જીલ્લાઓની વાત કરીએ તો ચિકમગલૂરમાં ડેન્ગ્યુના ૫૨૧, મૈસૂરમાં ૪૯૬ અને હાવેરીમાં ૪૮૧૪ કેસ નોંધાયા છે. ધારવાડમાં પણ ૨૮૯ કેસ ધ્યાનમાં આવ્યા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવું છે કે ડેન્ગ્યુ મચ્છરો દ્વારા ફેલાતી બીમારી છે જે સંક્રમિત માદા મચ્છર મુખ્ય તો એડીસ એજિપ્ટી મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુના દર્દીને ખૂબ તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર અને ઉલટી પણ થાય છે. મોટા ભાગનાને એક કે બે સપ્તાહમાં આરામ મળી જાય છે. કેટલાક લોકોને ગંભીર પ્રકારનો ડેન્ગ્યુ થાય છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. સારવારમાં ખામી રહી જાય કે યોગ્ય સમયે સારવાર ના મળે તો ગંભીર કિસ્સામાં મોત પણ થાય છે.
ડેન્ગ્યુના મચ્છરો છત પરની ખુલ્લી ટેંકો, ડ્રમ,બેરલ અને વાસણમાં જમા થયેલા પાણીમાં પેદા થાય છે. આથી ખુલ્લા વાસણમાં પાણી લાંબા સમય સુધી નહી રાખવાથી ડેન્ગ્યુ મચ્છરોનો ફેલાવો અટકાવી શકાય છે. વિશ્વમાં વર્ષે ૧૦ થી માંડીને ૪૦ કરોડ સુધી લોકો ડેન્ગ્યુના શિકાર બને છે. ભારતમાં ચોમાસાની સિઝન દરમિયાન અને પછીના સમયમાં ડેન્ગ્યુના દર્દીઓ વધી જાય છે.