'ખેડૂતો માટે હંમેશા ખુલ્લા છે અમારા દરવાજા...', શંભુ બોર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
Shambhu Border Farmers Protest: શંભુ બોર્ડર કેસમાં આજે સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કિસાન આંદોલન મામલે સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન કહ્યું કે, ખેડૂતો માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે. પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ખેડૂતોએ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિ સાથે વાત કરવાનો ઈનકાર કરી દીધો છે.
બુધવારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચમાં આ મામલે સુનાવણી થઈ હતી. ગત તારીખે કોર્ટે ઉચ્ચ-સત્તાવાળી સમિતિને ખેડૂતોને વિરોધને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવા અથવા સ્થગિત કરવા માટે સમજાવવા માટે કહ્યું હતું.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે, અમારા આદેશ બાદ શું થયું? તો જવાબમાં પંજાબના એજી ગુરમિન્દર સિંહે કહ્યું કે, 'તમારા આદેશ બાદ ડલ્લેવાલ (આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા) સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ તેઓ તબીબી તપાસનો ઈનકાર કરી રહ્યા છે. તેમના શરીરના તમામ અંગો બરાબર છે.' જસ્ટિસ કાંતે કહ્યું કે. 'સરકાર સાથે મતભેદ હોઈ શકે છે, પરંતુ આંદોલન કરવા તેમણે માટે સ્વસ્થ રહેવું પડશે. એક ચૂંટાયેલી સરકાર અને બંધારણીય અંગ તરીકે તમે એ દોષ આપવા ન માગશો કે તેમની સાથે કંઈક થયું છે.'
આ પણ વાંચો: વન નેશનલ વન ઈલેક્શન માટેની જેપીસીમાં પ્રિયંકા ગાંધી સહિત આ દિગ્ગજ નેતાઓના નામ સામેલ
ખેડૂતોએ સમિતિ સાથે વાતચીત કરવાનો કર્યો ઈનકાર
સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે, 'ડલ્લેવાલ 20 દિવસ કરતા વધુ સમયથી ઉપવાસ પર છે. તેમની સાથે ચર્ચા કરવામાં આવી છે અને તેને જરૂરી, તાત્કાલિક તબીબી સહાય મળે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વાતચીત દરમિયાન ખેડૂતોએ આ અદાલત દ્વારા રચાયેલી સમિતિ સાથે વાતચીત કરવાનો ઈનકાર કરી દીધો છે.'
તેમણે કહ્યું કે, 'પંજાબના એડવોકેટ જનરલનું સૂચન છે કે, ખેડૂતોને પોતાની માગણીઓ સીધી કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપવી જોઈએ. અમે સ્પષ્ટ કરીએ છીએ કે ખેડૂતો દ્વારા સીધા અથવા તેમના અધિકૃત પ્રતિનિધિ દ્વારા કોઈપણ સૂચન/માગણી માટે કોર્ટના દરવાજા હંમેશા ખુલ્લા છે.'
કિસાન આંદોલન પર ગુરુવારે ફરી સુનાવણી
કોર્ટે કહ્યું કે, 'જ્યાં સુધી ડલ્લેવાલના સ્વાસ્થ્યનો સવાલ છે તો રાજ્ય એ સુનિશ્ચિત કરે કે ડોક્ટરની સલાહ પ્રમાણે તેમને તાત્કાલિક તબીબી સહાયતા પ્રદાન કરવામાં આવે.' જસ્ટિસ કાંતે કહ્યું કે, 'આના ગંભીર પરિણામોને જુઓ. સમગ્ર રાજ્ય તંત્રને દોષી ઠેરવવામાં આવશે. ખેડૂતોએ સાથીઓના દબાણમાં ન આવવું જોઈએ. સુપ્રીમ કોર્ટ આ મામલે ગુરુવારે બપોરે 2:00 ફરીથી સુનાવણી કરશે.'