ઓનલાઈન સોનું મંગાવવુ ભારે પડ્યું, 1 ગ્રામ સોના સામે મળ્યો અડધા ગ્રામનો સિક્કો, ફરિયાદ પણ ન થઈ
Online Shopping Fraud News: આજકાલ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ ઘણો વધારે છે. વિન્ડો શોપિંગ અને ઓનલાઈન શોપિંગનો વધતો ક્રેઝ તેમજ સસ્તી અને ડિસ્કાઉન્ટમાં ઓનલાઈન વસ્તુઓ ખરીદવાનો શોખ ઘણા લોકોને ભારે પડી રહ્યો છે. આવો જ એક કિસ્સો દિલ્હીમાં બન્યો છે. જ્યાં ઓનલાઈન શોપિંગ મારફત ગ્રાહક સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
દિવાળીના તહેવારમાં દિલ્હીના એક વ્યક્તિએ એક પ્રચલિત ગોલ્ડ બ્રાન્ડની ઈ-કોમર્સ વેબસાઈટ પરથી 1 ગ્રામનો સોનાનો સિક્કો મગાવ્યો હતો. જો કે, ડિલવરી પાર્સલમાં માત્ર 0.5 ગ્રામનો જ સિક્કો મળ્યો. યુઝરે ઈ-કોમર્સ કંપની પર આરોપ મૂક્યો છે કે, તે આ અંગે ફરિયાદ કરવા માંગતો હતો પરંતુ કંપનીની ઓનલાઈન ફરિયાદ વિન્ડો પણ બંધ થઈ ગઈ હતી.
પેમેન્ટ 1 ગ્રામ સિક્કાનું પણ મળ્યો અડધો ગ્રામ જ
મોહિત જૈન નામના વ્યક્તિએ X હેન્ડલ પર પોતાની સ્ટોરી શેર કરી છે. યુઝરના કહેવા પ્રમાણે, તેણે ઓનલાઈન કોમર્સ વેબસાઈટ દ્વારા માલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ પાસેથી 1 ગ્રામ સોના અને 10 ગ્રામ ચાંદીના સિક્કા મંગાવ્યા હતા. તે બ્રાન્ડના 1 ગ્રામ સોનાના સિક્કાની કિંમત 8249 છે. જ્યારે 0.5 ગ્રામનો સિક્કો ખરીદવાની કિંમત 4,125 રૂપિયા હતી. જૈને આરોપ લગાવ્યો છે કે સંપૂર્ણ ચૂકવણી કરવા છતાં, કંપનીએ તેમને અડધા ગ્રામનો સિક્કો મોકલીને 4124 રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું.
ડિલિવરી બોયએ હાથ ઉંચા કર્યા
ગ્રાહકના જણાવ્યા મુજબ, જ્યારે કંપનીનો સેલ્સમેન ડિલિવરી કરવા માટે પહોંચ્યો ત્યારે તે ઘરે ન હતો અને તેના ભાઈએ પાર્સલ મેળવ્યું. જ્યારે તેણે તેનું વજન કર્યું તો તે માત્ર 0.5 ગ્રામ જ નીકળ્યો. મોહિત જૈનના જણાવ્યા અનુસાર, આ મામલે તેણે ડિલિવરી બોયને પણ ફોન કર્યો અને સમગ્ર ઘટના વિશે જણાવ્યું, ત્યારે તેણે સ્વ બચાવ કરતાં કહ્યું કે તેણે તે જ ડિલિવરી આપી હતી જે તેને મળી હતી.
બ્લિંકિટ દ્વારા કૌભાંડ
મોહિત જૈનના કહેવા પ્રમાણે, આ છેતરપિંડી થયા બાદ તે કંપનીની ઓનલાઈન ફરિયાદ વિન્ડો પર આ અંગે ફરિયાદ કરવા માગતો હતો પરંતુ ફરિયાદ વિન્ડો બંધ હોવાનું વારંવાર લખવામાં આવ્યું હતું. યુઝરે તેનો સ્ક્રીનશોટ લઈ Zomato કંપનીના માલિક દીપેન્દ્ર ગોયલને પણ મોકલી આપ્યો છે. અને સાથે લખ્યું કે, 'બ્લિંકિટ દ્વારા એક કૌભાંડ કરવામાં આવ્યું છે.'
કંપની પર પોતાનો ગુસ્સો ઠાલવતાં જૈને કહ્યું કે, 'આ પહેલી અને છેલ્લી વાર હતી જ્યારે મેં બ્લિંકિટમાંથી આટલી મોંઘી વસ્તુનો ઓર્ડર આપ્યો હતો. હવે ક્યારેય તેનો ઉપયોગ નહીં કરૂં. કંપનીની કસ્ટમર હેલ્પલાઈન સર્વિસ પણ ખૂબ જ નબળી છે અને તેઓએ તેમની ફરિયાદો નોંધવા માટે AI બોટ્સ સાથે ચેટ કરવી પડશે. ઉલ્લેખનીય છે, સોશિયલ મીડિયા પર ગ્રાહકે આરોપો મૂક્યા છે. કંપનીએ આ મામલે કોઈ સ્પષ્ટતા આપી નથી.