કેજરીવાલને વધુ એક ઝટકો, હવે અંગત સચિવને બરતરફ કરવાનો અપાયો આદેશ, જાણો મામલો
Arvind Kejriwal: તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તેમના અંગત સચિવ (PA) બિભવ કુમારને બરતરફ કરવામાં આવ્યા છે. વિજિલન્સ વિભાગના વિશેષ સચિવ YVVJ રાજ શેખરે તાત્કાલિક અસરથી પીએની સેવાઓ સમાપ્ત કરવાના આદેશો જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે બિભવ કુમારની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા લીકર પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.
બિભવ કુમારે વિજિલન્સ વિભાગને જાણ કરી ન હતી
બિભવ કુમાર વિરુદ્ધ નોઈડામાં કેસ નોંધવામાં આવ્યો છે જે વિશેની જાણ બિભવ કુમારે પોતાની નિમણૂક સમયે વિજિલન્સ વિભાગને કરી ન હતી, તેથી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કોઈપણ ખાનગી વ્યક્તિની નિમણૂક સમયે પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે અને તે વ્યક્તિએ સંબંધિત વિભાગને જણાવવાનું હોય છે કે તેની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલ નથી, પરંતુ આ માહિતી બિભવ કુમાર દ્વારા સંબંધિત વિભાગને કહેવામાં આવી ન હતી કે તેમનો એક કેસ છે. તેની સામે નોઈડામાં કલમ 353, 504, 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આથી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે.
બિભવ કુમારે ક્યા કેસની વાત છુપાવી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિભવ કુમાર વિરુદ્ધ 2007માં મારપીટનો કેસ નોંધવામાં આવ્યો હતો. સરકારી વિભાગના કર્મચારીઓ સાથે તેમનો ઝઘડો થયો હતો અને મારામારી પણ થઈ હતી. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં બિભવ વિરુદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. આ કેસ હાલમાં હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને હજુ સુધી તેમને આ મામલે કોઈ રાહત મળી નથી.
અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે
નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ દિવસોમાં તિહાર જેલમાં બંધ છે. ઈડી દ્વારા 21 માર્ચે દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 22મી માર્ચે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પહેલી એપ્રિલે કેજરીવાલને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.