વડાપ્રધાન મોદીના આક્રમક વલણ વચ્ચે વિપક્ષનો વૉકઆઉટ, હંગામા સાથે સંસદનું વિશેષ સત્ર પૂર્ણ
Parliament Session: લોકસભા ચૂંટણી બાદ યોજાયેલો સંસદનો પ્રથમ સત્ર પૂર્ણ થઇ ગયો છે. 24 જૂને શરૂ થયેલા સત્રના શરૂઆતના બે દિવસોમાં નવા સાંસદોને શપથ અપાવવામાં આવી હતી. ત્રીજા દિવસે લોકસભા સ્પિકરની ચૂંટણી થઇ, ચોથા દિવસે રાષ્ટ્રપતિએ બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કર્યો હતો. રાષ્ટ્રપતિના ભાષણ પર લોકસભામાં અનુરાગ ઠાકુર અને રાજ્યસભામાં સુંધાશુ ત્રિવેદીએ આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી હતી. આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યો હતો. દરમિયાન વડાપ્રધાન મોદીના આક્રમક વલણ વચ્ચે વિપક્ષે વોકઆઉટ કરતા હંગામા સાથે સંસદનુ વિશેષ સત્ર પૂર્ણ થયું હતું.
ચૂંટણી મોડમાં રહ્યા સત્તા પક્ષ-વિપક્ષ
લોકસભા ચૂંટણી બાદના આ પહેલા સત્રમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને ચૂંટણી મોડમાં જોવા મળ્યા હતા. વિપક્ષે બંધારણને લઇને આક્રમક વલણ બતાવ્યો હતો. વિપક્ષના ગઠબંધનના સભ્યોએ શપથ લીધા બાદ નારેબાજી કરી હતી. ત્યાં સત્તાધારી ગઠબંધનના સાંસદોએ વિપક્ષ પર ચૂંટણી દરમિયાન બંધારણ જેવા મુદ્દાઓ પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. સત્તાપક્ષના સભ્યોએ ઇમરજન્સી મુદ્દે કોંગ્રેસને ઘેરતા કહ્યું હતું કે, ત્યારે કોંગ્રેસે બંધારણને કુચલ્યું હતું. લોકસભા સ્પીકર તરીકે ચૂંટાયા બાદ સ્પિકર ઓમ બિરલાએ પણ ગૃહમાં ઇમરજન્સી અંગે નિંદા પ્રસ્તાવ મૂક્યો હતો. આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાને કહ્યું કે, અમારા જેવા લોકો અહીં સુધી પહોંચ્યા એનું કારણ બંધારણ છે.
NEET પેપરલીક પર હોબાળો
સંસદ સત્ર દરમિયાન વિપક્ષે NEET પેપરલીક મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. વિપક્ષે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાની શરૂઆત પહેલા NEET મુદ્દે ચર્ચાની માગ કરી હતી. વિપક્ષના હોબાળાને કારણે 28 જૂને લોકસભાની કાર્યવાહી સ્થગીત કરવી પડી હતી. રાજ્યસભામાં પણ વિપક્ષે વોકઆઉટ કર્યું હતું પરંતુ ગૃહની કાર્યવાહી ચાલુ રહી હતી. સત્રના પહેલા દિવસે પણ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે ચર્ચાની માગ કરી હતી ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમને કહ્યું કે, આભાર પ્રસ્તાવ પહેલા બીજા કોઇ વિષય પર ચર્ચા નથી થતી, આ પરંપરા છે. પહેલા આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ જાય એ પછી તમે જે વિષય પર કહેશો તેના પર અમે ચર્ચા કરવા તૈયાર છે. રાહુલ ગાંધીએ પણ રાજનાથ સિંહની સલાહ પર સંમતિ દર્શાવી હતી.
સમગ્ર સત્રમાં આ મુદ્દા છવાયેલા રહ્યા
સંસદના સત્રની શરૂઆતથી સમાપ્તી સુધી બંધારણ, અનામત અને NEET પેપર લીક એમ ત્રણ મુદ્દાઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. લોકસભામાં નવા સાંસદોના શપથગ્રહણથી લઇને પક્ષ-વિપક્ષના નેતાઓના સંબોધન સુધી બંધારણનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ બંને એ એક બીજાને અનામત વિરોધી ગણાવ્યો હતો. NEETના મુદ્દે પણ સમગ્ર સત્રમાં ઘણો હોબાળો થયો હતો.
રાહુલ ગાંધી રહ્યા કેન્દ્રમાં
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સત્રની શરૂઆતથી અંત સુધી સત્તાપક્ષના હુમલાના કેન્દ્રમાં રહ્યા હતા. રાહુલ ગાંધીએ આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન 90 મિનિટના પોતાના સંબોધનમાં ભગવાન શિવ અને અભય મુદ્રાનો ઉલ્લેખ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં ખેડૂત, જવાન, અગ્નિવીર જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
વડાપ્રધાનનો આક્રમક વલણ
સંસદમાં પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતી વખતે વડાપ્રધાન મોદીનો આક્રમક વલણ જોવા મળ્યો હતો. વડાપ્રધાને રાહુલ ગાંધીનો નામ લીધા વગર તેમને બાળ બુદ્ધી ગણાવ્યો અને જામીન પર બહાર હોવા, મોદી સરનેમ પર ટિપ્પણી મુદ્દે સંભળાવવામાં આવેલી સજાની સાથે તેમની વિરૂદ્ધના કેસ પણ ગણાવી દીધા હતા. વડાપ્રધાને રાહુલ ગાંધીને હિન્દુ ધર્મની ટિપ્પણી અંગે પણ ઘેર્યો હતો અને તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. વડાપ્રધાનના સંબોધન દરમિયાન વિપક્ષના સભ્યો વેલમાં આવી હોબાળો અને નારેબાજી કરતા જોવા મળ્યા હતા.
વિપક્ષના વોકઆઉટથી સમાપન
સંસદના આ હંગામાવા સત્રનો અંત વિપક્ષના વોકઆઉટ સાથે થયો હતો. રાજ્યસભામાં PM મોદીના સંબોધન દરમિયાન વિપક્ષના સભ્યોએ નારેબાજી, હોબાળો કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. વિપક્ષના વોકઆઉટની સભાપતિ જગદીપ ધનખડે ટીકા કરી હતી અને કહ્યું હતું કે આનાથી 140 કરોડ લોકોને પીડા થશે. આજે તેઓ ગૃહ છોડીને નહી પરંતુ મર્યાદા છોડીને ગયા છે. વડાપ્રધાનના સંબોધન બાદ રાજ્યસભાએ ધ્વનિમતથી આભાર પ્રસ્તાવ સમાપ્ત કર્યો હતો.