Get The App

વક્ફ બિલની સામે વિપક્ષનો આક્રોશ, મુસલમાનોને ખતમ કરવાનું કાવતરું

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
વક્ફ બિલની સામે વિપક્ષનો આક્રોશ, મુસલમાનોને ખતમ કરવાનું કાવતરું 1 - image


- અસંમતિની નોંધ દૂર કરવા સામે વિપક્ષનો ઉહાપોહ

- નવા કાયદા દ્વારા મુસલમાનો પાસેથી મસ્જિદ, કબ્રસ્તાન, દરગાહને છીનવી લેવામાં આવશે : ઓવૈસી

- મંદિર- મસ્જિદ, 370 નાબૂદી અને હવે વકફ, ભાજપને બધે બસ વોટ જ દેખાય છે : મહેબૂબા મુફ્તી

નવી દિલ્હી : લોકસભામાં જગદંબિકા પાલની આગેવાની હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નો રિપોર્ટ રજૂ થઈ ગયો છે. વિપક્ષના હંગામા વચ્ચે જેપીસીનો રિપોર્ટ રજૂ થયો. વકફના બિલ અંગે મહેબૂબા મુફતીએ જણાવ્યું હતું કે ભાજપને ફક્ત વોટ જોઈએ છે. પહેલા ધારા ૩૭૦ના નામે વોટ લીધા, મંદિર-મસ્જિદના નામે વોટ લીધા અને હવે વકફના નામે વોટ લેવા માંગે છે.

એઆઇએમઆઇએમના પ્રમુખ અસઉદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે આ વકફ બિલ મુસલમાનોને બરબાદ કરવા માટે લાવવામાં આવી રહ્યું છે. આ બિલ ગેરબંધારણીય છે. મુસલમાનોને તેમની ઇબાદતથી દૂર કરવા માટે સરકાર આ બિલ લાવી રહી છે. આ બિલ પર ચર્ચા કરવા માટે તેવા લોકોને બોલાવવામાં આવ્યા હતા જેને આ બિલ સાથે કંઇ લેવાદેવા ન હતી. સરકાર મસ્જિદ, કબ્રસ્તાન અને દરગાહને મુસલમાનો પાસેથી છીનવવા માટે આ બિલ લાવી છે.

વકફ બિલ પર જેપીસીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવા અંગે સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે જણાવ્યું હતું કે આ ખરડાને લઈને વિપક્ષની સાંસદોના સલાહસૂચનોની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે. દેશના મહત્વના મુદ્દાઓ પરથી ધ્યાન બીજે ભટકાવવા આ બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે. અમે આ બિલનો ફક્ત વિરોધ જ કર્યો નથી, પણ તેનો બહિષ્કાર પણ કર્યો છે. અમે તેને કોઈપણ સ્થિતિમાં પસાર થવા નહીં દઇએ. 

સંસદમાં વકફ સંશોધન બિલ પર સંયુક્ત સંસદીય સમિતિના રિપોર્ટમાં વિપક્ષની અસંમતિની નોંધ હટાવવાને લઈને જબરદસ્ત હંગામો થયો. વિપક્ષી સાંસદોનો આરોપ હતો કે સરકારે જેપીસી રિપોર્ટમાં તેમના વિરોધના હિસ્સાને હટાવી દીધો, જેને કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ ખોટો ગણાવતા સ્પષ્ટતા પણ કરી. સંસદના સંકુલમાં યોજેલી પત્રકાર પરિષદમાં કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે જો અસંમતિની નોંધમાં એવું કંઈ હોય  જે સમિતિ પર જ સવાલ ઉઠાવે તો અધ્યક્ષને તેને હટાવવાનો અધિકાર છે. જો કોઈ સભ્યને વાંધો હોય તો તે સમિતિના વડા સમક્ષ નોંધાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષની અસંમતિ વકફ પરના બિલમાં છે જ, પરંતુ સમિતિ પર જ શંકા ઉઠાવતી વાત તેમાથી દૂર કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે ફક્ત બહુમતનો વિચાર જ રિપોર્ટમાં સામેલ કરવો અને તેને આગળ વધારવો તે લોકતંત્ર વિરોધી અને નિંદનીય છે. ખડગેએ તેને સંસદીય પરંપરાથી વિરુદ્ધ ગણાવી જણાવ્યું હતું કે સરકાર લોકતાંત્રિક રીતે થતાં વિરોધનું ગળું ઘોંટી રહી છે.


Google NewsGoogle News