Get The App

જગદીપ ધનખડ વિરુદ્ધ રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, સપા-TMCએ આપ્યું સમર્થન

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
જગદીપ ધનખડ વિરુદ્ધ રાજ્યસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, સપા-TMCએ આપ્યું સમર્થન 1 - image


No Confidence Motion Against Jagdeep Dhankhar: સંસદના ચાલુ શિયાળુ સત્રમાં બંને ગૃહમાં રાજકીય તાપમાન ઘણું ઊંચુ રહ્યું હતું. હવે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને દૂર કરવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. ધનખડની સામે વિપક્ષી ગઠબંધન ભેગું થઈ ગયું છે, જેમાં સમાજવાદી પાર્ટી તેમજ તૃણમૂલ કોંગ્રેસ પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તરફેણમાં છે.

ટીએમસી અને સપાએ આપ્યું સમર્થન

થોડા દિવસો પહેલાં ઇન્ડિયા ગઠબંધનથી અંતર રાખતા સપા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, વિપક્ષો 10 ડિસેમ્બર, મંગળવારે રાજ્યસભામાં અધ્યક્ષ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ તૈયાર છે, જેમાં 50 સભ્યની સહી જરૂરી હોય છે, પરંતુ 70 સભ્યઓએ સહી કરી દીધી છે. 

આ પણ વાંચોઃ આ દેશમાં બહુમતી કહેશે એમ થશે... VHPના કાર્યક્રમમાં હાઈકોર્ટના જજના નિવેદનથી હોબાળો

એવું કહેવાય છે કે, રાજ્યસભામાં સોમવારે જૉર્જ સોરોસના મુદ્દે હોબાળા દરમિયાન જગદીપ ધનખડના વલણને જોતા કોંગ્રેસે તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી છે. સોરોસ સાથે જોડાયેલા મુદ્દા પર જે પ્રકારે રાજ્યસભામાં હોબાળો થયો, તેને લઈને કોંગ્રેસ અને અન્ય વિપક્ષો જગદીપ ધનખડથી નારાજ છે. 

વિપક્ષે કર્યો હોબાળો

ગૃહમાં હોબાળા દરમિયાન પણ દિગ્વિજય સિંહથી લઈને રાજીવ શુક્લા સુધી, કોંગ્રેસ સાંસદોએ ધનખડ પર પક્ષપાતનો આરોપ લગાવતાં સવાલ કર્યો કે, કયા નિયમ હેઠળ તેઓએ ચર્ચા ચાલુ કરી છે. વિપક્ષે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘રાજ્યસભાના અધ્યક્ષ ભાજપના સભ્યોના નામ લઈ-લઈને તેમને બોલવા માટે કહી રહ્યા છે.’ 

આ પણ વાંચોઃ VIDEO: ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ, પંઢેરે કહ્યું- ‘કાલે કૂચ નહીં કરીએ, રણનીતિ ઘડીશું’; SCમાં અરજી નામંજૂર

નોંધનીય છે કે, રાજ્યસભાના અધ્યક્ષને દૂર કરવા માટે પ્રસ્તાવ પર 50 સભ્યોની સહી હોવી જરૂરી છે. જો કે, ધનખડ સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર 70 સભ્યે સહી કરી દીધી છે. વિપક્ષ તરફથી અધ્યક્ષને દૂર કરવા માટે પ્રસ્તાવની ચર્ચા સંસદના ગત ચોમાસું સત્રમાં પણ થઈ હતી.

શું છે ચેરમેનને દૂર કરવાની પ્રક્રિયા?

રાજ્યસભાના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટે ઓછામાં ઓછા 50 સભ્યોની સહી સાથે પ્રસ્તાવ સચિવાલયને મોકલવાનો હોય છે. ઓછામાં ઓછા 14 દિવસ પહેલાં આપવામાં આવેલી નોટિસ બાદ રાજ્યસભામાં હાજર સભ્યોની બહુમતીના આધારે પ્રસ્તાવ પસાર કરાય છે. ત્યાર પછી તે પ્રસ્તાવ લોકસભામાં મોકલવાનો હોય છે. રાજ્યસભાના અધ્યક્ષ દેશના ઉપરાષ્ટ્રપતિ પણ છે, જે બીજુ સર્વોચ્ચ બંધારણીય પદ છે. આ સ્થિતિમાં તેમને પદથી દૂર કરવા માટે જરૂરી પ્રસ્તાવ લોકસભામાંથી પણ બહુમતીથી પાસ કરવાનો હોય છે. જણાવી દઈએ કે, સંસદનું શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. 



Google NewsGoogle News