નવા કાયદા પર વિપક્ષ શું સવાલ ઉઠાવી રહ્યો છે, જાણો કેમ તેમને ભારત ‘પોલીસ સ્ટેટ’ બનવાનો ડર છે
Three new law in India: દેશભરમાં પહેલી જુલાઈથી ત્રણ નવા કાયદા લાગુ કરાયા છે. તેવામાં વિપક્ષ દ્વારા આ ત્રણેય નવા કાયદાને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વિપક્ષે આરોપ લગાવતા કહ્યું કે સરકાર નવા કાયદા લાગુ કરીને દેશને એક પોલીસ સ્ટેટમાં પરિવર્તિત કરવાની કોશિશ કરી રહી છે. તો ચાલો જાણીએ, આ નવા કાયદા સામે વિપક્ષ કેમ સવાલો ઉઠાવી રહી છે અને તેના પાછળનું કારણ શું છે.
ભારતભરમાં પહેલી જુલાઈથી ત્રણ નવા ક્રિમિનલ લૉ લાગુ કરાયા છે. ત્યારે IPCને ભારતીય દંડ સંહિતા, CRPCને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ઈન્ડિયન એવિડન્સ એક્ટને ભારતીય પુરાવા અધિનિયમ નામ આપવામાં આવ્યું છે. આમ મોદી સરકારના બીજા કાર્યકાળમાં આ ત્રણેય નવા કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે. તેવામાં વિપક્ષ દ્વારા આ ત્રણેય કાયદાને લઈને વિરોધ દર્શાવામાં આવી રહ્યો છે.
146 સાંસદોને સસ્પેન્ડ કરીને જબરજસ્તીથી કાયદા પસાર કરાયા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂને આ ત્રણેય કાયદાઓની નિંદા કરતા લખ્યું હતું કે, 'ફોજદારી ન્યાય પ્રલાણીના આ ત્રણેય નવા કાયદાઓ લાગુ થઈ રહ્યા છે, તે 146 સાંસદોને સસ્પેન્ડ કરીને જબરજસ્તીથી પાસ કરવામાં આવ્યા છે.'
તેવામાં ચંદીગઢથી કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પણ આના પર સવાલો ઉઠાવતા જણાવ્યુ હતુ કે, 'નવા ફોજદારી કાયદા ભારતને પોલીસ સ્ટેટમાં બદલવા માટેનો એક પાયો નખાયો છે.'
કાયદાકીય નિરીક્ષણ ઓછું કરીને NDA સરકાર પોલીસ સ્ટેટ બનાવશે!
NCPનાં સાંસદ સુપ્રિયા સુલેએ પણ નવા કાયદાને લઈને આરોપ લગાવ્યા હતા કે, 'નવો કાયદો લાગુ કરીને દેશને પોલીસ સ્ટેટમાં બદલવા જઈ રહ્યા છે. આ કાયદા અંગે સંસદમાં કોઈ જ પ્રકારની ચર્ચા વિચારણા કર્યા વગર પાસ કરીને આજથી (01 જુલાઈ) લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે નાગરિક સ્વતંત્રતા અને લોકશાહી સ્વતંત્રતા માટે ખતરો ઉભો થયો છે. આ સાથે, પોલીસના અધિકારનો વ્યાપ અને રિમાન્ડનો સમય વધારી કાયદાકીય નિરીક્ષણ ઓછું કરીને NDA સરકાર પોલીસ સ્ટેટની સ્થાપના કરવા જઈ રહી છે.'
કેટલાક ફેરફાર ગેરબંધારણીય, કાયદો નકામો બદલાયો: ચિદંબરમ
કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદંબરમે આ નવા કાયદાને 'કટ કોપી પેસ્ટ' તરીકે જણાવ્યો હતો. વિશેષમાં એમને કહ્યુ, 'જે કામ ચાલુ કાયદામાં સંશોધન થકી પૂરું કરી શકાય છે, છતાં તેને નકામો બદલવામાં આવ્યો છે. આમ કેટલાંક બદલાવ અસંવિધાનિક છે અને કાયમી સમિતિએ તેને લઈને અસહમતિ નોટ પણ લખી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ જવાબ આપ્યો ન હતો. આમ આ કાયદો કોઈપણ પ્રકારની ચર્ચા વગર લાગુ કરવામાં આવ્યો છે.'
15 દિવસ કસ્ટડીની જગ્યાએ 60થી 90 દિવસ સુધી કસ્ટડીની જોગવાઈ
લાગુ કરાયેલા આ ત્રણેય કાયદાઓને લઈને વિપક્ષ જોરશોરથી વિરોધ ઉઠાવી રહી છે. તેવામાં વિપક્ષે દાવો કર્યો છે કે, સરકાર આ નવા કાયદા લાગુ કરીને દેશને પોલીસ સ્ટેટ બનાવશે. નવા કાયદામાં પોલીસ કસ્ટડીના વધારવામાં આવેલા સમયને ધ્યાનમાં રાખીને વિપક્ષે પોલીસ સ્ટેટ બનાવવા પાછળનું તર્ક રજૂ કર્યુ હતુ. જ્યારે પહેલા પોલીસ દ્વારા કોઈપણ કેસમાં આરોપીને 15 દિવસ કસ્ટડીમાં રાખી શકાતા હતા. પરંતુ હવે નવા કાયદો લાગુ થતાની સાથે પોલીસ આરોપીને 60થી 90 દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકે છે.
ભારતીય નાગિરક સુરક્ષા સંહિતની કલમ 187(3) પ્રમાણે, કોઈ કેસમાં સચોટ પૂરાવાને આધારે મેજિસ્ટ્રેટ આરોપીને 90 દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાના આદેશ કરી શકે છે. પરંતુ, 10 વર્ષ અથવા તેનાથી વધુ વર્ષની સજાની જોગવાઈમાં 90 દિવસની કસ્ટડી આપવાની જોગવાઈ છે.
કલમ રાજદ્રોહ નહીં, હવે દેશદ્રોહની સજા
સરકારે લાગુ કરેલા ત્રણેય કાયદામાં ઘણાં બધા ફેરફાર કરાયા છે. જેમાં સરકારે રાજદ્રોહની કલમ 124A હટાવી ભારતીય ન્યાય સંહિતાની નવી કલમ 152 ઉમેરી છે. જેમાં રાજદ્રોહની જગ્યાએ દેશદ્રોહ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલા રાજદ્રોહની કલમ 124A મુજબ, જો કોઈ સરકારની ઉપેક્ષા કરે છે તો તેને આજીવન જેલ અથવા ત્રણ વર્ષ માટે જેલ અથવા દંડની જોગવાઈ હતી. જ્યારે હવે, ભારતીય દંડ સંહિતાની કલમ 152 ને ભારતની સંપ્રભુતા, એક્તા અને અખંડિતતાને જોખમમાં મુકનાર સામે લાગુ કરાશે.
આંતકવાદમાં મોત અથવા આજીવન કેદની સજા
ભારતીય ન્યાય સંહિતાની કલમ 113માં આંતકવાદની પરિભાષા કરવામાં આવી છે. જેમાં ભારતની એક્તા, અખંડિતતા અને સુરક્ષાને હાની પહોંચાડવી, નાગરિકોને ડરાવવા અને દેશની સાર્વજનિક વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવા હેતુ દેશ અથવા દેશની બહાર રહીને કરવામાં આવતા કૃત્ય સામે આંતકવાદની કલમ લગાડવામાં આવશે. જેમાં મોતની સજા અથવા આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારે શું કહ્યુ, ઘણા વર્ષોથી ચાલી આવતા આ કાયદાઓને અંગ્રેજોએ ગુલામ પ્રજા પર શાસન કરવા હેતુ બનાવ્યા હતા. જેમાં નવા કાયદાઓને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 'આઝાદીના 77 વર્ષોમાં આપણી પોતાની ફોજદારી ન્યાય પ્રણાલી "સ્વદેશી" થઈ રહી છે. જેમાં નવા કાયદામાં દંડની જગ્યાએ ન્યાયની વાત કરવામાં આવી છે.'
લોકસભામાં 9 કલાક 29 મિનિટ અને રાજ્યસભામાં 6 કલાક સુધી ચાલી ચર્ચા: અમિત શાહ
પોલીસ સ્ટેટના વિપક્ષના આરોપને લઈને અમિત શાહે કહ્યું કે, 'પહેલા પોલીસના અધિકારની રક્ષા કરવામાં આવતી હતી, જ્યારે હવે પીડિતો અને ફરિયાદ કરનારના અધિકારની રક્ષા કરવામાં આવશે. આ કાયદાને લઈને લોકસભામાં 9 કલાક 29 મિનિટ અને રાજ્યસભામાં 6 કલાક સુધી ચર્ચાઓ થઈ હતી. જેમાં લોકસભામાં બધી પાર્ટીઓના 34 સાંસદો અને રાજ્યસભામાં 40 સાંસદો ચર્ચામાં સામિલ થયા હતા.'