કર્ણાટકમાં ફરી નવા 'નાટક' : IT કંપનીઓએ કહ્યું - કર્મચારીઓ પાસે 14 કલાક કામ લેવાની છૂટ આપો

સરકાર સમક્ષ પ્રસ્તાવ પણ રજૂ કર્યો અને સરકારે વિચારવાનું કહી પણ દીધું

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
કર્ણાટકમાં ફરી નવા 'નાટક' :  IT કંપનીઓએ કહ્યું - કર્મચારીઓ પાસે 14 કલાક કામ લેવાની છૂટ આપો 1 - image


Karnataka  News | કર્ણાટકની આઇટી કંપનીઓએ રાજ્ય સરકાર સમક્ષ કંપનીઓના કર્મચારીઓના કામના કલાકો વધારવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. પ્રસ્તાવમાં માગ કરાઇ છે કે આઇટી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પાસેથી દિવસ દરમિયાન ૧૪ કલાક સુધી કામ કરાવવાની છૂટ આપવામાં આવે, જે માટે રાજ્ય સરકાર કાયદામાં સુધારા કરે. દરમિયાન કર્ણાટક સરકાર પણ આ અંગે વિચારી રહી હોવાના અહેવાલો સામે આવ્યા બાદ કર્મચારીઓના સંગઠનો દ્વારા તેનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. 

કર્ણાટક સ્ટેટ આઇટી કર્મચારી યુનિયને એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે તાજેતરમાં રાજ્યના શ્રમ વિભાગ દ્વારા વિવિધ કંપનીઓ અને અન્ય સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને બેઠક યોજવામાં આવી હતી, જે દરમિયાન કર્ણાટક શોપ એન્ડ કમર્શિયલ ઇસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં સુધારા કરવા માટે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સંગઠનના પ્રતિનિધિ પણ જોડાયા હતા. જો કર્ણાટક સરકાર કર્મચારીઓના કામના કલાકોમાં વધારો કરશે તો તેની કર્મચારીઓના અધિકારો પર મોટી અસર થશે, કર્મચારીઓના કામના કલાકો ફિક્સ કરાયેલા છે તેનાથી વધુ કલાક કામ ના કરાવી શકાય, સરકાર અને કંપનીઓનો આ નિર્ણય કોઇ પણ કર્મચારીના મૂળભૂત અધિકાર પર હુમલો ગણાશે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા આ અંગે કોઇ જ નિવેદન જાહેર નથી કરાયું, જ્યારે શ્રમ મંત્રીએ ફરી એક વખત ચર્ચા માટે બેઠક બોલાવીશું તેમ કહ્યું હતું. 

સંગઠને કહ્યું હતું કે રાજ્ય સરકારના કર્ણાટક શોપ્સ એન્ડ કમર્શિયલ ઇસ્ટાબ્લિશમેન્ટ બિલ ૨૦૨૪નો હેતુ કર્મચારી પાસેથી દૈનિક ૧૪ કલાક સુધી કામ લેવાની કંપનીઓને  છૂટ આપવાનો છે. જ્યારે વર્તમાન કાયદો કોઇ પણ કર્મચારી પાસેથી ૧૦ કલાકથી વધુ કામ ના લેવાનું કહે છે જેમાં ઓવરટાઇમનો પણ સમાવેશ થાય છે. તેથી કોઇ પણ કંપની કર્મચારીને દિવસમાં ઓવર ટાઇમને ઉમેરીને ૧૦ કલાકથી વધુ સમય સુધી કામ કરવા મજબૂર ના કરી શકે. સરકાર કર્મચારીઓને માનવી નહીં પણ કંપનીઓ માટે નફો વધારવા માટેના મશીન સમજે છે. 

સંગઠને રાજ્યના તમામ કર્મચારી સંગઠનોને એક થઇને કામના કલાકો વધારવાના નિર્ણયનો વિરોધ કરવા અપીલ કરી છે. અગાઉ કર્ણાટક સરકારે કંપનીઓમાં ભરતીમાં કર્ણાટકના લોકોને વધુ પ્રાધાન્ય આપવાનો પણ નિર્ણય લીધો હતો, જોકે તેને બાદમાં ભારે વિવાદ વચ્ચે અટકાવવો પડયો છે.     



Google NewsGoogle News