સાંસદોના સસ્પેન્શન પર વિપક્ષ આકરા પાણીએ, કોંગ્રેસ સહિત ગઠબંધનના સાંસદોનો જંતર-મંતર પર દેખાવ
વિપક્ષી નેતાઓમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓ જોડાયા
Opposition protest : સંસદમાં સાંસદોના સસ્પેન્શનને લઈને વિપક્ષી સાંસદો લડી લેવાના મૂડમાં છે ગઈકાલે સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી હતી ત્યારે આજે પણ વિપક્ષી સાંસદોનો વિરોધ ચાલુ રાખ્યો રહ્યો હતો અને દિલ્હીના જંતર-મંતર પર દેખાવ કર્યો હતો. વિપક્ષી નેતાઓમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓ જોડાયા હતા.
સાંસદો જનતાની અવાજ છે : રાહુલ ગાંધી
જંતર મંતર પર દેખાવો કરનારા લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદો જનતાની અવાજ છે. આ લડાઈ નફરત અને મોહબ્બત વચ્ચેની છે. સંસદની સુરક્ષા ચૂકની ઘટનાને તેમણે કેન્દ્ર સરકારની નિષ્ફળતા ગણાવી હતી. મિમિક્રી વિવાદમાં પણ તેમણે કહ્યું કે મુદ્દો જે વાતનો બનવો જોઇતો હતો તે ન બન્યો. ઉપરથી મેં વીડિયો બનાવ્યો એને મુદ્દો બનાવી દીધો. સસ્પેન્શન, સુરક્ષા, બેરોજગારી જેવા મૂળ મુદ્દાઓ પર કોઈ ધ્યાન જ આપવામાં આવતું નથી.
અત્યાર સુધીમાં 146 સાંસદો સસ્પેન્ડ કરાયા
સંસદમાં 13મી ડિસેમ્બરે થયેલી સુરક્ષામાં ચૂક મામલે બંને ગૃહોમાં વિરોધ પક્ષોના સાંસદોએ હોબાળો કર્યા બાદ સંસદની અવમાનના મામલે લોકસભા અને રાજ્યસભામાંથી અત્યાર સુધીમાં 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સસ્પેન્શનને લઈને કોંગ્રેસ સહિત ગઠબંધન INDIAના સાંસદોએ ગઈકાલે સંસદ ભવનથી વિજય ચોક સૂધી કૂચ કરી હતી, ત્યારે આજે પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં દિલ્હીના જતર-મંતર પર દેખાવ કરીને વિરોધ ચાલુ રાખ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે તમામ જિલ્લા મથકોએ દેશવ્યાપી દેખાવનો કાર્યક્રમ પણ નક્કી કર્યો છે.
પોસ્ટરમાં ફક્ત કોંગ્રેસ નેતાઓની તસવીર
આ દેખાવમાં એક રસપ્રદ વાત એ છે કે દેખાવના કાર્યક્રમમાં કોંગ્રેસ નેતાઓની તસવીર દરેક બેનરોમાં લાગેલી નજરે ચડે છે જ્યારે ગઠબંધન INDIAનું માત્ર એક બેનર જ લગાવવામાં આવ્યું છે જેમાં ફક્ત લોકસાહી બચાવો (Save Democracy) લખેલું છે પણ ગઠબંધનના કોઈપણ નેતાની તસવીર તેમાં દેખાતી નથી. આનો અર્થ એ થયો કે ગઠબંધનના નેતાઓ એક મંચ પર જોવા મળે છે પણ બેનરોમાં આ એક્તા દેખાતી નથી.