લોકસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લવાશે : વિપક્ષોએ બનાવી રણનીતિ
સંસદના બજેટ સત્રના બાકી રહેલા સમય માટે વિપક્ષોએ નવી રણનીતિ બનાવી
અવિશ્વાસ પ્રસ્તાવ અંગે કોંગ્રેસે અન્ય વિપક્ષી પાર્ટીઓને સાથે કરી ચર્ચા
નવી દિલ્હી, તા.28 માર્ચ-2023, મંગળવાર
સંસદના બજેટ સત્રના બાકી રહેલા સમય માટે વિપક્ષોએ નવી રણનીતિ બનાવી છે. સૂત્રોના અનુસાર વિપક્ષી પક્ષોએ સોમવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના સાંસદોની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ મુકાયો હતો. કોંગ્રેસ આ મામલે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે ચર્ચા કરી રહી છે.
કોંગ્રેસે સરકાર સામે ખોલ્યો મોરચો
કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલે જણાવ્યું કે, આ સરકાર અદાણી કૌભાંડ પર કંઈપણ સાંભળવા માંગતી નથી. અમે આજે પણ આ કૌભાંડની JPC તપાસની માંગ કરી. જો સરકાર દોષિત નથી તો આ મામલા પર જેપીસી બનાવવાથી કેમ ભાગી રહી છે? તો બીજી તરફ કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે, આગામી 30 દિવસમાં બ્લોક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પક્ષોના નેતાઓ અને કાર્યકરોની ભાગીદારીથી દેશભરમાં ‘જય ભારત સત્યાગ્રહ’નું આયોજન કરાશે.
અગાઉ ખડગેના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક
અગાઉ રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને એક-સમાન વિચારધારા ધરાવતા પક્ષોના વિપક્ષના નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં તૃણમૂલ સહિત ઘણા પક્ષો જોડાયા હતા. જોકે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ કોંગ્રેસની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ખડગેના નિવાસસ્થાને મંગળવારે યોજાયેલી બેઠકમાં સંસદના બંને ગૃહોમાં વિપક્ષની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ રણનીતિ તૈયાર કરાઈ હતી. ઉપરાંત JPC અને રાહુલનું લોકસભામાં સસદ પદ રદ કરવાના મામલામાં કેન્દ્રને ઘેરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાના આદેશના મળેલા પત્ર પર પણ ચર્ચા થઈ હતી. આ મામલે તમામ સભ્યોએ કહ્યું કે, આ આદેશથી કોઈ ફરક નથી પડતો, કારણ કે હવે કોંગ્રેસે રાહુલ ગાંધી મામલે કાયદાકીય દરવાજો ખટખટાવવાનો છે.