'અમિત શાહ માફી માગે...', આંબેડકર મુદ્દે ભડક્યો વિપક્ષ, કેજરીવાલે ભાજપને ગણાવ્યો 'અહંકારી'
Opposition oppose Amit Shah's statement on Dr. BR Ambedkar : હાલ સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર આપેલા નિવેદનને લઈને વિવાદ વધી ગયો છે. બુધવારે આ બાબતે વિપક્ષે ગૃહમાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ મંગળવારે તેમના ભાષણમાં ડૉ.બી.આર. આંબેડકરનું અપમાન કર્યું હતું. આ વિવાદને લઈને હવે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કોંગ્રેસે કહ્યું છે કે, અમિત શાહે રાજીનામું આપવું જોઈએ અને પોતે આપેલા નિવેદન માટે માફી માંગવી જોઈએ.
શું બાબા સાહેબનું નામ લેવું એ ગુનો છે - મલ્લિકાર્જુન ખડગેએ
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, 'અમિત શાહે આંબેડકરનું અપમાન કર્યું છે. અમે તેમના રાજીનામાની માંગ કરીએ છીએ. શાહે દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ. જ્યારે અમિત શાહ બાબા સાહેબ વિશે બોલતા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, જેટલી વખત તમે આંબેડકરનું નામ લો છો, તેટલું જ જો તમે ભગવાનનું નામ લીધું હોત તો તમે 7 વાર સ્વર્ગમાં પહોંચી ગયા હોત. એટલે કે બાબા સાહેબનું નામ લેવું એ ગુનો છે. તે સમયે મેં હાથ ઊંચો કરીને તેમને બોલતા રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મને બોલવાનો મોકો મળ્યો નહીં. બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણની ચર્ચા થઈ રહી હતી એટલે અમે ચૂપ રહ્યા હતા.'
ભારત બાબા સાહેબનું અપમાન સહન નહીં કરે - અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે 'X' પર એક વીડિયો શેર કરીને લખ્યું હતું કે, જુઓ અમિત શાહજી સંસદમાં બાબા સાહેબ આંબેડકરની કેવી મજાક ઉડાવી રહ્યા છે. ભાજપના લોકો એટલા અહંકારી થઈ ગયા છે કે તેઓ કોઈને કશું જ માનતા નથી. હા, અમિત શાહ જી, બાબા સાહેબ આ દેશના બાળકો માટે ભગવાનથી ઓછા નથી. મૃત્યુ પછી સ્વર્ગ હોય તે ખબર નથી, પરંતુ જો બાબા સાહેબનું આ બંધારણ ન હોત તો તમે લોકો આ ધરતી પર પીડિત, દલિત, ગરીબને જીવવા ન દીધા હોત. ભારત બાબા સાહેબનું અપમાન સહન નહીં કરે. જય ભીમ.'
ચંદ્રશેખરે કહ્યું, બાબા સાહેબનું નામ લેવું એ કોઈ 'ફેશન' નથી
આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ના વડા અને લોકસભા સાંસદ ચંદ્રશેખર આઝાદે જણાવ્યું હતું કે, ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન આદરણીય બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીના ઐતિહાસિક યોગદાન અને સામાજિક ન્યાય માટે તેમણે કરેલા સંઘર્ષનું અપમાન છે. બાબા સાહેબનું નામ લેવું એ કોઈ 'ફેશન' નથી, પરંતુ સમાનતા, સ્વતંત્રતા અને સામાજિક પરિવર્તનની ક્રાંતિનું પ્રતીક છે, જેણે કરોડો વંચિત અને દલિત લોકોને ન્યાય અને અધિકારો આપ્યા હતા.'
અમિત શાહે રાજ્યસભામાં બાબાસાહેબને લઈને શું કહ્યું હતું?
હકીકતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચામાં ભાગ લીધો હતો, ત્યારે વિપક્ષને જવાબ આપતા તેમણે ડૉ. ભીમરાવ આંબેડકર પર નિવેદન આપતા કહ્યું હ્યું કે, 'હવે એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર... જો તમે ભગવાનના આટલા નામ લીધા હોત તો તમને 7 જન્મો સુધી સ્વર્ગ મળી ગયું હોત. આ સારી વાત છે. અમને તો આનંદ છ કે તમે આંબેડકરનું નામ લઇ રહ્યા છો. આંબેડકરનું નામ હવે વધુ 100 વખત લો. પરંતુ આંબેડકરજી પ્રત્યે તમારી લાગણી શું છે? આ હું તમને કહેવા માંગુ છું. આંબેડકરજીએ દેશની પહેલી કેબિનેટમાંથી રાજીનામું કેમ આપવું પડ્યું? આંબેડકરજીએ ઘણી વખત કહ્યું હતું કે, હું અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથેના વ્યવહારથી અસંતુષ્ટ છું. હું સરકારની વિદેશ નીતિ સાથે સહમત નથી. હું કલમ 370ને લઈને સહમત નથીછું. જેના કારણે તેમણે કેબિનેટ છોડવું પડ્યું. તેમને ખાતરી આપવામાં આવી હતી. પરંતુ તે પૂરી કરવામાં આવી ન હતી. સતત સાઇડલાઇન થવાના કારણે તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું.'