'બે સેકન્ડમાં જ મારું માઈક બંધ કરી દેવાય છે...', રાષ્ટ્રપતિને મળ્યા બાદ બોલ્યા ખડગે
વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્ર પર પ્રહારો કરી રહી છે
સરકાર નથી ઈચ્છતી કે મણિપુરની ચર્ચા થાય : મલ્લિકાર્જુન ખડગે
Image : Twitter |
મણિપુર હિંસા મામલે સંસદમાં હોબાળો ચાલી રહ્યો છે અને વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્ર પર પ્રહારો કરી રહી છે ત્યારે આજે વિપક્ષી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યુ છે.
વિપક્ષી ગઠબંધને રાષ્ટ્રપતિને મણિપુર મુદ્દે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી
દેશમાં મણિપુર હિંસાનો મુદ્દે સંસદથી લઈને રસ્તાઓ પર ચર્ચા થઈ રહી છે. સંસદમાં ચોમાસા સત્રનું આ ત્રીજુ અઠવાડિયું છે ત્યારે વિપક્ષીના સતત હંગામાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડે છે આ વચ્ચે આજે વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં વિવિધ વિરોધ પક્ષના કુલ 21 નેતાઓ સામેલ હતા. રાષ્ટ્રપતિને મળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે માહિતી આપી હતી. જેમાં તણે કહ્યું હતું કે મણિપુર અંગે રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું અને તેમને મણિપુર મુદ્દે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. આ મામલે રાષ્ટ્રપતિએ ખાતરી આપી છે કે તેઓ તેના પર વિચાર કરશે.
માઈક બંધ કરવાનો આરોપ
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને મળ્યા અને મણિપુરમાં બની રહેલી ઘટના અંગે ચર્ચા કરી હતી. I.N.D.I.Aના તમામ સાંસદો રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને મણિપુર વિશે માહિતી આપી. આ દરમિયાન ખડગેએ ફરી એકવાર કહ્યું હતું કે તેમને સંસદમાં બોલવાથી રોકવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું કે મારું માઈક બંધ કરવામાં આવે છે. ખડગેએ વધુમાં કહ્યું કે, અધ્યક્ષે આશ્વાસન આપ્યું કે સત્તાધારી પક્ષને એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું તે વિપક્ષને આપે છે, પરંતુ ખબર નથી કે મને કેમ બોલવાની મંજૂરી નથી. મારું માઈક બંધ છે. સરકાર નથી ઈચ્છતી કે મણિપુરની ચર્ચા થાય. ખડગેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર જવું જોઈતું હતું.
વિપક્ષ મણિપુર મુદ્દે વડાપ્રધાનના નિવેદનની માંગ કરી રહ્યો છે
મલ્લિકાર્જુન ખડગેએ હરિયાણામાં નૂહ સહિત વિવિધ સ્થળોએ થયેલી હિંસા અંગે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હરિયાણામાં જે રમખાણો થઈ રહ્યા છે તે વડાપ્રધાન કાર્યાલયથી 100 કિલોમીટર દૂર પણ નથી. વડાપ્રધાન દિલ્હીની જ નોંધ લેતા નથી. આ પહેલા વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના કેટલાક સાંસદોએ 29-30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાત લીધી હતી. વિપક્ષ મણિપુર હિંસા પર સંસદમાં નિયમ 267 હેઠળ ચર્ચા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યું છે, જ્યારે શાસક ગઠબંધન ઈચ્છે છે કે મણિપુર પર ટૂંકા ગાળાની ચર્ચા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જવાબ આપશે.