ગ્રીન કાર્ડ ધારકોને ત્રણ સપ્તાહમાં કાયમી નાગરિકતા મેળવવાની તક
- ચૂંટણીમાં ભારતીય અમેરિકનોના ઉત્સાહનો લાભ લેવા
- પાંચ વર્ષથી અમેરિકામાં રહેતા ગ્રીન કાર્ડ ધારકોને વહેલી તકે મતદાન માટે નોંધણી કરવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે
નવી દિલ્હી : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ૫ નવેમ્બરે યોજાવાની છે ત્યારે ગ્રીન કાર્ડ ધારકોને તેમની નાગરિકતા મેળવી લેવા અને મતદાન માટે નોંધણી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એશિયન અમેરિકન પેસિફિક આઈલેન્ડર્સ (એએપીઆઈ) વિક્ટરી ફંડના ચેરમેન અને સ્થાપક શેખર નરસિંહને જણાવ્યું કે પ્રમુખ જો બાઈડેનના પ્રશાસન હેઠળ યોગ્યતા ધરાવતા ગ્રીન કાર્ડ ધારકો માત્ર ત્રણ અઠવાડિયામાં અમેરિકાની નાગરિકતા મેળવી શકશે.
અમેરિકામાં હાલના તબક્કે ડોક્ટરો, એન્જિનીયરો અને વૈજ્ઞાાનિકો સહિત દસ લાખથી વધુ ભારતીયો પ્રતિક્ષા યાદીમાં છે જેમને કાયમી નાગરિકતા મેળવવા દાયકાઓ લાગવાની સંભાવના હતી. જો કે નરસિંહને ચૂંટણી માટેના ઉત્સાહને સક્રિય પગલામાં પરિવર્તિત કરવાના મહત્વ પર ભાર મુક્યો હતો અને પાંચ વર્ષથી અમેરિકામાં રહેતા ગ્રીન કાર્ડ ધારકોને તાત્કાલિક નાગરિકતા મેળવી લેવા અને મતદાન માટે નોંધણી કરવાની અને આગામી ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવાની વિનંતી કરી હતી.
હોમલેન્ડ સુરક્ષા વિભાગના અહેવાલ મુજબ ૨૦૨૨માં અમેરિકામાં એક કરોડથી વધુ ગ્રીન કાર્ડ ધારકો હતા જેમાંથી લગભગ ૯૦ લાખ કુદરતી રીતે નાગરિકતા મેળવી શકવાની લાયકાત ધરાવતા હતા.
સત્તાવાર રીતે કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખાતા ગ્રીન કાર્ડથી વ્યક્તિને અમેરિકામાં કાયમી રહેવાસનું સ્ટેટસ મળી શકે છે. નાગરિકતા માટે લાયક ઠરવા ગ્રીન કાર્ડ ધારક અમેરિકામાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી રહેતો હોવો જોઈએ.