ડોક્ટર પર રેપ-હત્યા કેસમાં માત્ર સંજય આરોપી : સીબીઆઇની ચાર્જશીટ દાખલ
- કોલકાતાની ઘટના ગેંગરેપ ન હોવાના એજન્સીના સંકેતો
- ચાર્જશીટમાં 100 સાક્ષીઓ અને 12 પોલોગ્રાફી ટેસ્ટનો ઉલ્લેખ, સંજયે ઘટના સમયે નશો કર્યો હોવાનું પણ ખુલ્યું
કોલકાતા : પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાના કેસની તપાસ કરી રહેલી સીબીઆઇએ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં રેપ અને હત્યા માટે એક માત્ર સંજય રોયને આરોપી બનાવવામાં આવ્યો છે કે જેની ઘટનાના બીજા જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઇએ ગેંગરેપ થયો હોવાના દાવા ફગાવ્યા છે અને માત્ર સંજય દ્વારા જ આ જઘન્ય અપરાધને અંજામ અપાયો હોવાની સ્પષ્ટતા કરી છે.
સિઆલદાહની કોર્ટમાં સીબીઆઇએ દાખલ કરેલી ચાર્જશીટમાં ૧૦૦ સાક્ષીઓ અને ૧૨ પોલીગ્રાફ ટેસ્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. ૩૩ વર્ષીય સંજય રોયની ઘટનાના બીજા દિવસે એટલે કે ૧૦મી ઓગસ્ટના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળેથી મળેલા બ્લૂટૂથના આધારે બંગાળ પોલીસે તેને ઓળખી કાઢ્યો હતો. બાદમાં સમગ્ર મામલો સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. પોલીસ અને પીડિતાના પરિવારનો દાવો છે કે આ ગેંગરેપનો મામલો હોઇ શકે છે.
જોકે સીબીઆઇની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેંગરેપ નહોતો થયો, સીબીઆઇએ સંજયને મુખ્ય આરોપી બનાવ્યો છે.
આ સમગ્ર મામલા બાદ ફોરેન્સિક ટીમ દ્વારા ડીએનએ ટેસ્ટ પણ કરાયા હતા, પીડિતાના નખમાંથી સ્કીન અને લોહી મળી આવ્યું હતું જેના પરથી પણ સાબિત થાય છે કે આ સમગ્ર અપરાધને સંજય દ્વારા અંજામ અપાયો હતો. સીબીઆઇએ ઘટનાના ૫૮ દિવસ બાદ દાખલ કરેલી ચાર્જશીટમાં ગેંગરેપની કલમો નથી લગાવી. ૪૫ પાનાની ચાર્જશીટમાં સીબીઆઇએ સંજય રોયને રેપ અને હત્યાનો આરોપી બનાવ્યો છે. જોકે હજુ પણ આ મામલે એજન્સીએ તપાસ પૂર્ણ નથી કરી. જ્યારે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે સંજય પુરી રીતે નશામાં હતો. તેણે હોસ્પિટલ નજીક જ નશો કર્યો હોવાનું પણ અગાઉ સામે આવ્યું હતું.