ઝારખંડનું એવું ગામ જ્યાં એક જ પુરુષ હતો, જે મૃત્યુ પામતા મહિલાઓએ કાંધ આપી, દીકરીઓએ દફનાવ્યાં
Only Men in Vilega Died in Jharkhand: ઝારખંડના પૂર્વ સિંઘભૂમ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના એક ગામમાં માત્ર એક જ માણસ બચ્યો હતો અને તે પણ બીમારીને કારણે મૃત્યુ પામ્યો હતો. ગામના તમામ પુરુષો મજૂરી માટે કેરળ અને તમિલનાડુ જાય છે. આથી તેઓ ભાગ્યે જ ગામમાં આવી શકે છે.
ગામના એકમાત્ર પુરુષનું મૃત્યુ
કાલચિટી પંચાયતના રામચંદ્રપુર ગામમાં 40 વર્ષીય જુંઆ સબર નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ગામમાં તે એકમાત્ર પુરુષ હતો. ગામની મહિલાઓએ તેમના અંતિમ સંસ્કાર કર્યા. ગામ ખૂબ પછાત છે અને અહીંના લોકો મજૂરી પર નિર્ભર છે. ગામમાં સબર જ્ઞાતિના લોકો વસે છે. તેમની સંખ્યા સતત ઘટી રહી છે. હાલત એકદમ દયનીય છે. અહીંના લોકો વિસ્થાપિત લોકોની જેમ જીવે છે.
ગામમાં 28 પરિવારો રહે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રામચંદ્રપુર ગામ જંગલોની વચ્ચે આવેલું છે. અહીં સબર જ્ઞાતિના લગભગ 28 ઘર છે, જેમાં લગભગ 80-85 લોકો રહે છે. ગામના 20 જેટલા માણસો મજૂરી અર્થે અન્ય રાજ્યોમાં રહે છે. ગામમાં પુરુષોમાં માત્ર જુંઆ સબર જ રહેતા હતા. તાજેતરમાં તેઓ બીમાર પડ્યા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ગામમાં કોઈ પુરૂષ ન હોવાથી ગામની મહિલાઓએ તેના અંતિમ સંસ્કાર કર્યા. પહેલા મહિલાઓએ તેમની અર્થી તૈયાર કરી અને પછી જુંઆ સબરની અંતિમયાત્રા કાઢી.
પત્ની સ્મશાનયાત્રામાં જોડાઈ
મૃતકે બે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીનું અગાઉ અવસાન થયું હતું. તેમની પુત્રીઓએ તેમના પિતાની અર્થીને કાંધ આપી હતી. અંતિમયાત્રામાં તેમની બીજી પત્ની પણ જોડાઈ હતી. તેમજ પુત્રીઓએ અન્ય મહિલાઓની મદદથી ખાડો ખોદી મૃતકને દફનાવ્યા હતા. એવું કહેવાય છે કે મૃતક જુઆના સબરનો 17 વર્ષનો પુત્ર તમિલનાડુમાં મજૂરીનું કામ કરે છે. અને બીજો 10 વર્ષનો પુત્ર તેના સંબંધીને ત્યાં ગયો હતો.