રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન PM મોદીની સાથે માત્ર 4 લોકો રહેશે હાજર, જુઓ લિસ્ટ
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 28 ડિસેમ્બર 2023 ગુરૂવાર
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નિર્માણાધીન રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભ ગૃહમાં માત્ર 5 લોકો હાજર રહેશે. જે સમયે રામલલાની મૂર્તિની આંખો પરથી પટ્ટી હટાવવામાં આવશે તે દરમિયાન પીએમ મોદી સિવાય માત્ર 4 લોકો હાજર રહેશે. પૂજા માટે આચાર્યોની 3 ટીમો પણ બનાવી દેવાઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન માત્ર 84 સેકન્ડનું જ શુભ મુહૂર્ત છે. આ દરમિયાન પીએમ મોદી રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરશે. આ દરમિયાન માત્ર 2 સેકન્ડમાં 'પ્રતિષ્ઠિત પરમેશ્વર' આ મંત્રનો પાઠ કરવામાં આવશે.
કોણ-કોણ રહેશે હાજર?
પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં માત્ર 5 લોકો હાજર રહેશે. પીએમ મોદી સિવાય ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત અને રામ મંદિરના મુખ્ય આચાર્ય સત્યેન્દ્ર હાજર રહેશે. રામલલાની મૂર્તિ સ્થાપિત કર્યા બાદ 'પ્રતિષ્ઠિત પરમેશ્વર' મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવશે. આનો અર્થ થાય છે પરમેશ્વર તમે બિરાજમાન થાવ. આ મંત્રની સાથે જ રામલલાની મૂર્તિ સ્થાપિત થઈ જશે.
શુભ મુહૂર્ત
22 જાન્યુઆરીએ ઘણા વર્ષો બાદ દુર્લંભ સંયોગ બની રહ્યો છે. બપોરે લગભગ 12.30 વાગે અમુક સેકન્ડ માટે આ યોગ બની રહ્યો છે. જ્યારે 9 ગ્રહોમાંથી 6 ગ્રહ એક સાથે હશે. આ દરમિયાન રામલલાની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ માટે આચાર્યોની ત્રણ ટીમ બનાવવામાં આવી છે. પહેલાનું નેતૃત્વ સ્વામી ગોવિંદ ગિરી કરશે. બીજી ટીમનું નેતૃત્વ કાંચી કામકોટિ શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી કરશે. ત્રીજી ટીમમાં કાશીના 21 વિદ્વાન હાજર રહેશે.