ઉનાળામાં પાણીનું ગંભીર સંકટ સર્જાય તેવા એંધાણ, દેશના જળાશયોમાં ફક્ત 38% પાણી બચ્યું : રિપોર્ટ
ગત વર્ષે ઉનાળા પહેલાં 80 અબજ ક્યૂબિક મીટર પાણી ઉપલબ્ધ હતું
ઉનાળા પહેલાં દેશના 150 મોટાં જળાશયોમાં 67.591 અબજ ક્યૂબિક મીટર પાણીનો જથ્થો : કમિશનનો રિપોર્ટ
નવી દિલ્હી : કેન્દ્રીય જળ કમિશનના લેટેસ્ટ બૂલેટીનમાં ઉનાળા પહેલાં ઘટી ગયેલા પાણીના જથ્થા બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળા પહેલાં ઓછો પાણીનો જથ્થો બચ્યો છે. દેશના ૧૫૦ મોટાં જળાશયોના જળસ્તરના આધારે રજૂ થયેલા અહેવાલ પ્રમાણે હવે માત્ર ૩૮ ટકા પાણીનો જથ્થો જ બચ્યો છે એટલે ઉનાળામાં ઠેર-ઠેર પાણીની અછત સર્જાય તેવી ભીતિ છે.
બેંગ્લુરુમાં પાણીનું ગંભીર જોખમ સર્જાયું છે. બેંગ્લુરુમાં ૧૪ હજાર કરતાં વધુ બોરવેલ છે, એમાંથી 6900 એટલે કે અડધો અડધ સૂકાઈ ગયા છે.
બેંગ્લુરુમાં દરરોજ ૨૬૦૦ એમએલડી પાણીની જરૂરિયાત સામે અત્યારે માત્ર ૫૦૦ એમએલડી પાણી મળે છે, પરિણામે લોકોને ગંભીર અછતનો સામનો કરવો પડી રહ્યો છે. બેંગ્લુરુ જેવી જ સ્થિતિ દેશભરમાં ન સર્જાય તે માટે અત્યારથી ચેતવણી આપવામાં આવી છે. કેન્દ્રીય જળ આયોગના લેટેસ્ટ બૂલેટીન પ્રમાણે દેશના મોટાં ૧૫૦ જળાશયોમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઓછું પાણી વધ્યું છે.
૧૫૦ જળાશયોની લાઈવ સ્ટોરેજ ક્ષમતા ૨૫૭ અબજ ક્યૂબિક મીટર છે. એમાંથી કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, ત્રિપુરા, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગણા જેવા મોટા રાજ્યોમાં ૧૭૮ અબજ ક્યૂબિક મીટરની ક્ષમતા છે. દેશમાં અત્યારે કુલ સ્ટોરેજ ક્ષમતામાંથી માત્ર ૩૮ ટકા પાણીનો જથ્થો જ બચ્યો છે. ગત વર્ષે આ જ ગાળામાં વધારે પાણી બચ્યું હતું. અહેવાલનું માનીએ તો અત્યારે ૬૭.૫૯૧ અબજ ક્યૂબિક મીટરનો જથ્થો છે. ગયા વર્ષે ઉનાળા પહેલાં ૮૦.૫૫૭ અબજ ક્યૂબિક મીટર પાણી બચ્યું હતું. છતાં ઘણાં રાજ્યોમાં પાણીની અછતનો સામનો કરવો પડયો હતો. આ વખતે તેનાથી ઓછો જથ્થો વધ્યો હોવાથી જળસંકટ ઘેરું બનશે.
દેશની સ્ટોરેજ ક્ષમતામાં સરેરાશ ગત વર્ષની સરખામણીએ ૩૯ ટકાનો ઘટાડો નોઁંધાયો છે. દશકામાં સરેરાશ ૩૨ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ દર વર્ષે સતત સ્ટોરેજ ઘટી રહ્યું હોવાથી પાણીની કટોકટીનું જોખમ મંડરાઈ રહ્યું છે.