બંગાળમાં દુર્ગા પૂજા દરમિયાન માત્ર 25ને જ પંડાલમાં એન્ટ્રી : હાઇકોર્ટ
- કોલકાતામાં પૂજા દરમિયાન લોકો ટોળે વળ્યા
- મોદી ઓનલાઇન 10 પંડાલ ખુલ્લા મુકી દુર્ગા પૂજાની શુભકામના પાઠવશે
કોલકાતા, તા. 19 ઓક્ટોબર, 2020, સોમવાર
કોલકાતા હાઇકોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળ સરકારને આદેશ આપ્યો હતો કે રાજ્યમાં જ્યાં પણ દુર્ગા પૂજા માટેના પંડાલ હોય તે વિસ્તારને નો એન્ટ્રી ઝોન જાહેર કરવામાં આવે કે જેથી કોરોના મહામારીને ફેલાતી અટકાવી શકાય. આ આદેશ એવા સમયે સામે આવ્યા છે જ્યારે કોલકાતામાં દુર્ગા પૂજા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ હતી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નહોતુ કરાઇ રહ્યું.
પ્રશાસન દ્વારા વારંવાર લોકોને ચેતવણી આપવામાં આવી હોવા છતા લોકોએ ધ્યાન નહોતુ આપ્યું અને બહુ જ મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા. જ્યારે કોલકાતા હાઇકોર્ટે આ બધી ઘટનાઓની નોંધ લીધી હતી,
હાઇકોર્ટમાં કોરોના મહામારી વચ્ચે દુર્ગા પૂજા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થઇ રહ્યું હોવાની ફરિયાદ સાથે એક પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી વેળાએ અરજદારે એવી દલીલ કરી હતી કે કોરોના મહામારીને ફેલતી અટકાવવા માટે પંડાલમાં ભીડને એકઠી ન થવા દેવી જોઇએ.
બાદમાં હાઇકોર્ટે કોઇ પણ પંડાલ હોય તે વિસ્તારને નો એન્ટ્રી ઝોન જાહેર કરવાનો આદેશ સરકારને આપ્યો હતો. જ્યારે માત્ર પંડાલના આયોજક આશરે 15થી 25 લોકોને જ પ્રવેશ આપવાની છુટ અપાઇ છે.
દરમિયાન ભાજપે દુર્ગા પૂજા દરમિયાન એક નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળમાં આશરે 10 જેટલા દુર્ગા પંડાલ અને જનતાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી સંવાદ કરશે. 22મી ઓક્ટોબરે આશરે 10 જેટલા પંડાલ અને અન્ય સૃથળો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. જે દરમિયાન આ 10 પંડાલોનું મોદી ઉદઘાટન પણ કરશે. કોલકાતામાં પાંચ, મેદિનીપુર શહેરમાં એક પંડાલનો સમાવેશ થાય છે.